ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન:શાહીબાગની 7મા માળે લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટે જાહેરહિતની અરજી, આગામી સપ્તાહે સુનાવણી

એક મહિનો પહેલા

7 જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગમાં સવારે 7 વાગ્યાના સુમારે ઓર્ચિડ ગ્રીન નામની બિલ્ડિંગ ખાતે 7મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં 17 વર્ષીય સગીરા પ્રાંજલ જીરાવાલા ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાને ધ્યાને લઈને ગુજરાત હાઈકોટમાં ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેરહિતની અરજી નોંધાઈ છે. ત્યારે હાઈકોર્ટે અરજદાર પાસે પૂરાવા માગ્યા છે.

લોકોમાં ફાયર સેફ્ટીની જાગૃત્તિનો અભાવ:અરજદાર
ફાયર સેફ્ટી સંદર્ભે એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદારે કોર્ટમાં મહત્વની રજૂઆત કરી કે લોકોમાં ફાયર સેફ્ટીની જાગૃતતાનો અભાવ છે. એટલે ફાયર સેફટી પર કામગીરી નથી થતી. તો અરજદારની રજૂઆત સામે ગુજરાત હાઈકોર્ટે અરજદારને પૂરાવા આપવા કહ્યું છે. હવે ફાયર સેફ્ટી મુદ્દે આગામી સપ્તાહે HCમાં વધુ સુનાવણી થશે.

ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ સુનાવણી હાથ ધરશે
શાહીબાગમાં બિલ્ડિંગના 7મા માળે ભીષણ આગના સંદર્ભે ફાયર સેફ્ટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં નોંધાઈ છે. ત્યારે આજે સોમવારે 9મી જાન્યુઆરીએ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણવાળી બેન્ચ તેની સુનાવણી કરી હતી.

17 વર્ષની પ્રાંજલ મોતને ભેટી
અમદાવાદના શાહીબાગના ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ બહાર નીકળી ગઈ હતી. જ્યારે એક 17 વર્ષની પ્રાંજલ 25 મિનિટ સુધી મદદની ગુહાર લગાવીને અંતે મોતને ભેટી હતી. મૃતક પ્રાંજલ ભણવા માટે માતા-પિતાથી દૂર કાકા-કાકીને ત્યાં રહેતી હતી. આગથી બચવા પ્રાંજલે અનેક પ્રયત્ન કર્યા પરંતુ અંતે તો તેને મોત જ મળ્યું હતું.

પ્રાંજલ ધોરણ 12મા અભ્યાસ કરતી હતી
ઓર્ચિંડ ગ્રીન ફ્લેટમાં સુરેશ જીરાવાલા અને તેમના ભાઈ દિનેશ જીરાવાલા 6 વર્ષ અગાઉ રહેવા આવ્યા હતા. સુરેશભાઈની પત્ની તમન્નાબેન અને 13 વર્ષનો દીકરો યશ તથા 10 વર્ષનો દીકરો તનીશ હતો. દિનેશભાઈનાં પત્ની પિંકીબેનની મોટી દીકરી પ્રાંજલ અને 9 તથા 3 વર્ષની બીજી બે નાની દીકરીઓ હતી. દિનેશભાઈ કાપડનો ધંધો કરતા હતા. GPCBમાંથી 6 મહિના અગાઉ નોટિસ આવતા તેમને ધંધો બંધ કરવો પડ્યો હતો જેથી તેઓ પત્ની અને નાની બે બાળકીઓ સાથે સુરત રહેવા ગયા હતા. મોટી દીકરી પ્રાંજલ 12મા ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી તે તેના કાકાના ઘરે જ રહેતી હતી.

પ્રાંજલે ફોન કરી કહ્યું- 'મારા રૂમમાં આગ લાગી છે મને બહાર કાઢો'
પ્રાંજલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શનિવારે પ્રેક્ટિકલ પરીક્ષા હોવાથી આગલી રાતે 3 વાગ્યા સુધી અભ્યાસ કરીને સૂઈ ગઈ હતી. ઘરમાં કાકી તમન્નાબેન અને તેમના બે દીકરા યશ અને તનીશ પણ હતાં. યશ રાતે હોલમાં સોફા પર સુઈ ગયો હતો અને તનીશ હોલની બાજુના બેડરૂમમાં તેની માતા સાથે સુઈ ગયો હતો. શનિવાર સવારે 7 વાગતા તમન્નાબેન રાબેતા મુજબ કામ કરવા લાગ્યાં હતાં. રસોડામાં હતાં ત્યારે ડોરબેલ વાગતા દૂધવાળો આવ્યો હતો. દરવાજો ખોલતા જ દૂધવાળાએ તમન્નાબેનને કહ્યું કે, તમારા ઘરમાંથી બળવાની સ્મેલ આવે છે. જેથી તમન્નાબેન ઘરમાં જોવા ગયાં ત્યાં પ્રાંજલનો ફોન આવ્યો અને કહેવા લાગી કે, મારા રૂમમાં આગ લાગી છે મને બહાર નિકાળો.

આગથી બચવા પ્રાંજલ બાલ્કનીમાં જઈ લપાઈને બેસી ગઈ
તમન્નાબેન તેમના 2 દીકરાને ઉઠાવીને પ્રાંજલના રૂમનો દરવાજો ખોલવા ગયાં ત્યાં આગ સીધી તેમના મોઢા પર આવી જેનાથી તેઓ ગભરાઈ ગયાં હતાં. દરવાજો ખોલતા સમગ્ર ઘરમાં ધુમાડો થવા લાગ્યો. આસપાસના લોકો ભેગા થયા હતા. જેમાંથી કેટલાક ઘરના હોલમાં આવ્યા પરંતુ આગ અને ધુમાડા સામે કોઈ કંઈ કરી ન શક્યું. ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, આગ વધુ સમય રહેતા પ્રાંજલ બચવા માટે એક માણસ ઊભું રહી શકે તેટલી નાની બાલ્કનીમાં જઈને લપાઈને બેસી પરંતુ આગની ગરમી સહન ન થતાં પ્રાંજલ બચવા માટે બૂમો પાડવા લાગી હતી.

પ્રાંજલ દાઝેલી તથા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઈ
ફાયરની ટીમને ઘરમાં જવાનો રસ્તો ના મળતા આઠમા માળેથી એક માણસને દોરડું બાંધીને સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો. સાતમા માળે ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવામાં આવી રહી હતી. 30 મિનિટ જેટલો સમય આગ બુઝાવવામાં થયો ત્યારબાદ પ્રાંજલ દાઝેલી તથા બેભાન અવસ્થામાં હતી. પ્રાંજલને ગોડદામાં લપેટીને ફાયરના જવાનો દ્વારા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે પ્રાંજલને મૃત જાહેર કરી હતી. આ અંગે પ્રાંજલનાં માતા-પિતાને ખબર પડતાં દીકરીના મોત થયાનો આઘાત લાગ્યો અને તેઓ તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતાં. પ્રાંજલનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો.

ઘરની અંદરનો તમામ સમાન બળીને ખાખ
બીજી તરફ પોલીસ અને FSLની ટીમ આગ કયા કારણથી લાગી હતી તે તપાસમાં લાગી છે. પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરની અંદરનો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો છે. જે રૂમમાં આગ લાગી હતી ત્યાં કબાટ, કબાટમાં કપડાં, બેડ, પંખો, લાઈટ, દરવાજો સહિતની તમામ વસ્તુઓ બળી ગઈ છે. જ્યારે બાજુના રૂમનું એસી, પંખો, બેડ, બારી, દરવાજો બળી ગયો છે. હોલમાં સોફા, એસી, પંખો, ટીવી, ફ્રેમ, ફ્રીઝ, ટેબલ સહિતની વસ્તુઓ બળી ગઈ છે. સમગ્ર ઘર બળવાના કારણે કાળું થઇ ગયું છે. ઘરની બહારની છત પણ કાળી થઈ ગઈ છે.

આગ પાછળનું કારણ અકબંધ
ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલને બહાર કાઢી હતી. આગને કારણે દાઝી ગયેલી પ્રાંજલને ફાયરબ્રિગેડે હોસ્પિટલ પહોંચાડી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું. આગ કયા કારણસર લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...