ચાઈનીઝ દોરીનો હાહાકાર, 3 દિવસમાં 3 મોત:વડોદરામાં વધુ એક યુવાને ગળું કપાતાં જીવ ગુમાવ્યો, હવે તો હાઈકોર્ટે પણ સરકારને ઝાટકી-'વાતો ના કરો, પગલાં લો!'

એક મહિનો પહેલા

ગુજરાતમાં ઉત્તરાયણ આવે ને ટુ-વ્હીલરચાલકોના માથે યમદૂત ઝળુંબવા લાગે છે. આજે વડોદરામાં વધુ એક યુવાને ચાઈનીઝ દોરીને કારણે ગળું કપાતા જીવ ગુમાવ્યો છે. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાઈનીઝ દોરીએ ત્રણ યુવાનના ગળા કાપ્યા છે. હવે તો ખુદ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની ઢીલી નીતિની આકરી ઝાટકણી કાઢી છે. રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર જાહેરનામાં બહાર પાડવાથી કશું નહીં થાય, નક્કર કામગીરી પણ થવી જોઈએ.

રોજ એક યુવાન મરે છે તો પણ કોઈ પગલાં નહીં
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને કારણે ગુજરાતમાં આશાસ્પદ યુવાનનાં મોતની છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના છે. હજી રવિવારે જ વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે સુરતમાં ચાઈનીઝ દોરીથી એક બાઈકચાલકનું ગળું કપાયું હતું. શખ્સ કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો, ત્યારે ચાઈનીઝ દોરો તેમના ગળે ભરાયો હતો. ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આવામાં આજે એક પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ રાખ્યું હતું. હાઈકોર્ટે આ મામલે સરકારને બે દિવસમાં જ સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.

સરકાર કેવી રીતે પ્રતિબંધનો અમલ કરાવશે તેનો ખુલાસો માગ્યો
આજે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. એટલે બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ હતો. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમજ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલાંની માંગણી કરતી પિટિશનમાં કોર્ટે હુકમ કર્યો હતો.

વડોદરાના આશાસ્પદ હોકી પ્લેયર યુવાનનું ચાઈનીઝ દોરીએ ગળું કાપ્યું હતું.
વડોદરાના આશાસ્પદ હોકી પ્લેયર યુવાનનું ચાઈનીઝ દોરીએ ગળું કાપ્યું હતું.

દોરીથી લોકોનાં મોત કે ઈજા થાય એ ચલાવાશે નહીં- હાઈકોર્ટ
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનું મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. ચાઈનીઝ દોરી સંદર્ભે હવે 6 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે. એટલું જ નહીં, ચાઈનીઝ દોરી, ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવું હાઇકોર્ટે સરકારે સોય ઝાટકીને કહ્યું હતું.

વડોદરામાં 3 દિવસમાં ચાઈનીઝ દોરીએ બે યુવાનના જીવ લીધા
હજી ગત રવિવારે સાંજે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ (ઉ.30) આર.વી. દેસાઇ રોડ પરથી જતો હતો ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન નજીક તેના ગળામાં પતંગની ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. રાહુલના ગળા પર તેના લીધે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને 108માં સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આજે સાંજે સમા વિસ્તારમાં મહેશ ઠાકોર નામના યુવાનના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં તેનું કરુણ મોત થયું હતું. બંને ઘટનામાં ધારદાર ચાઈનીઝ દોરીને કારણે ગળાની નસો કપાઇ જતાં અને લોહી વહી જતાં મોત નીપજ્યું હતું.

ગળાની નસો કપાઈ જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું.
ગળાની નસો કપાઈ જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું.

સુરતમાં નોકરીથી ઘરે જતાં બાઇકચાલકનું દોરીથી ગળું કપાયું
મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. એને કારણે વાહનચાલકો પર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો માંજો જાણે તીક્ષ્ણ હથિયાર હોય એ રીતે ગળા પર ફરી વળ્યો હતો. જાણે કોઈએ ગળા પર ચાકુનો ઘા મારી દીધો હોય, એટલી હદે પતંગના દોરાએ ગળાના ભાગે વાહનચાલકને ઈજા પહોંચાડી હતી
કે લૂમ્સના કારખાનામાં કામ કરતા ઈસમે જીવ ગુમાવ્યો.
નવાગામમાં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લૂમ્સના કારખાનામાં મજૂરીકામ માટે જતા હતા. નિયમિત રીતે લૂમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકાએક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે એ પહેલાં જ તેમના ગળા પરથી પતંગનો દોરો પસાર થયો હતો. એને કારણે ગળાની નસો કપાઈ જતાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલાં યુવકનું ગળું કપાયું હતું.
થોડા દિવસો પહેલાં યુવકનું ગળું કપાયું હતું.

પત્ની-પુત્રી સાથે બાઈક પર જતા યુવકનું ગળું કપાયું
પાંડેસરા-પુનિતનગર ખાતે રહેતા બબલુકુમાર હરીશચંદ્ર વિશ્વકર્મા(20) ફર્નિચરનું કામકાજ કરે છે. 19 ડિસેમ્બરે તેઓ ડિંડોલી ખાતે રહેતા તેમના કાકાના ઘરે જવા માટે પત્ની સંગીતાબેન અને 4 વર્ષીય પુત્રી આર્યાને સાથે લઈ બાઈક પર નીકળ્યા હતા. તેઓ પાંડેસરા પીયૂષ પોઈન્ટ બ્રિજ પરથી પસાર થતા હતા. દરમિયાન અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં તેમનું ગળું કપાઈ ગયું હતું. સાંજનો સમય હોવાથી દોરી દેખાઈ ન હતી, પરંતુ દોરી પડી હોવાનો અહેસાસ થતાં તેમણે હાથથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેમનું ગળું કપાઈ ગયું હતું અને હાથમાં પણ ઈજા થઈ હતી.

પત્નીને દોરીથી આંગળીમાં ઈજા થઈ
દોરીથી બચવાના પ્રયાસમાં તેમની પત્નીને પણ આંગળીમાં ઈજા થઈ હતી અને બાઈક પરથી પડી ગયાં હતાં. દરમિયાન બબલુકુમારે પોતાની પુત્રીને બાઈક પરથી નીચે ઉતારી ગળે હાથ લગાવતાં લોહી જોઈ ગળું કપાઈ ગયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી તેમણે ગળા પર હાથ દબાવી રાખ્યો હતો અને લોકો દોડી આવતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે. હાલ બબલુભાઈની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

બાઈક પર જતાં આધેડનું પણ ગળું કપાયું હતું.
બાઈક પર જતાં આધેડનું પણ ગળું કપાયું હતું.

ગોટાલાવાડી બ્રિજ પાસે આધેડનું ગળું કપાયું
બેગપુરા ખાતે રહેતા આરીફહુસૈન અકબર લોખંડવાલા(45) કલરકામ તેમજ રિક્ષા ચલાવતા તેમજ રિક્ષા ખરીદ-વેચની દલાલી પણ કરે છે. 12 ડિસેમ્બરે તેઓ એક રિક્ષાની ખરીદીની વાતચીત માટે મિત્ર બશીર પઠાણ સાથે ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત આવતા હતા. તેઓ બાઈક લઈ ગોટાલાવાડી બ્રિજ પરથી કતારગામ તરફ નીચે ઊતરતા હતા. ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી પડતાં તેમણે હાથ વડે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તેમના હાથની આંગળીમાં ઈજા થવાની સાથે જ તેમનું ગળું પણ કપાઈ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ચાઈનીઝ દોરી પર હાઈકોર્ટે 2015માં પ્રતિબંધ મૂક્યો હતો
ગુજરાત હાઈકોર્ટના તા. 22 ડિસેમ્બર 2015ના હુકમ તથા ગુજરાત હાઈકોર્ટ સમક્ષની અન્ય રીટ પિટિશન પી.આઈ.એલ ગુજરાત હાઈકોર્ટના તા. 13 જાન્યુઆરી 2017ના હુકમથી ચાઈનીઝ માંજા, નાયલોન પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ તૈયાર કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ છે. તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નવી દિલ્હી સમક્ષની ઓરિજનલ એપ્લિકેશનના કેસમાં ટ્રિબ્યુનલના હુકમથી આપેલા ડાયરેક્શન અન્વયે પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક પદાર્થ કોટિંગ કરેલા હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચાઈનીઝ દોરી-તુક્કલ સામે દેખાડા પૂરતી જ કાર્યવાહી
અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા દેખાવ માટે બજારમાં કે દુકાનમાં જઈને દરોડો પાડીને ચાઈનીઝ દોરી તથા તુકકલના વેચાણ કરનાર પર પગલાં લેવામાં આવે છે. પરંતુ અત્યારના સમયમાં દરેક વસ્તુ સહેલાઈથી ઓનલાઇન પ્રાપ્ત થતી હોવાથી તેનો દૂરઉપયોગ કરી ચાઈનીઝ દોરી તથા તુક્કલ વેચનારાઓ હવે ઓનલાઈન આવી વસ્તુઓ વેચવા માંડયા છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આવી વસ્તુઓની ખુલ્લી જાહેરાતો જોવા મળી રહી છે. જેમાં તેના ભાવ સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. આવી કોઈ જાહેરાતો સામે પોલીસે આજ સુધીમાં પગલાં લીધાં નથી. હજુ તો ઉત્તરાયણને વાર છે ત્યાં અત્યારથી જ પતંગની દોરીઓના કારણે ઈજાગ્રસ્ત અને મૃત્યુના બનાવો સામે આવવા માંડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...