અમદાવાદના શાહીબાગમા આવેલી એચ બી કાપડિયા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીની છેલ્લા 2 કવોટરની ફી બાકી હોવાથી પરિણામ આપવામાં આવ્યું નહોતું. વાલી સ્કૂલ પર પરિણામ લેવા ગયા ત્યારે સ્કૂલના આચાર્યએ તાત્કાલિક ફી ભરવા જણાવ્યું હતું.પરંતુ બાદમાં સ્કૂલના સંચાલકને જાણ થતાં તમામના પરિણામ આપવામાં આવ્યા હતા.
7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું આજે પરિણામ હતું
શહેરની વર્ષો જૂની અને પ્રતિષ્ઠિત શાહિબાગ વિસ્તારમાં આવેલી એચ બી કાપડિયા સ્કૂલમાં 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું આજે પરિણામ હતું. જે લેવા વાલી ગયા ત્યારે 12 હજાર રૂપિયા ફી માંથી 2 કવોટરની ફી ભરી હતી અને 2 કવોટરની બાકી હતી. 2 કવોટરની બાકી ફી ને લઈને પરિણામ અટકાવવામાં આવ્યું હતું. વાલીએ સ્કૂલના આચાર્યને પણ કહ્યું ત્યારે આચાર્યએ પણ તાત્કાલિક ફી ભરવા જણાવ્યું હતું. જોકે સ્કૂલના સંચાલકને જાણ થતાં તેમને ફી બાકી હોવા છતાં તમામના પરિણામ આપવા જણાવ્યું હતું.
અમે ક્યારેય કોઈનું પરિણામ અટકાવ્યું નથીઃ સંચાલક
આ અંગે વિપુલ તરપરા નામના વાલીએ જણાવ્યું હતું કે બે ક્વાર્ટરની ફી બાકી હોવાથી પરિણામ અટકાવવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્યએ કહ્યું કોઈની પાસેથી ફી ના પૈસા લઈને ભરી દો પછી પરિણામ મળશે. સ્કૂલે અગાઉ જ વૉટસએપ ગ્રુપમાં ફી ભરવા સૂચના આપી હતી. આ અંગે સ્કૂલના સંચાલક મુક્તક કાપડીયાએ જણાવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી ગેરસમજ થઈ હશે.ફી ના કારણે અમે ક્યારેય કોઈનું પરિણામ અટકાવ્યું નથી.મારા ધ્યાને આ કિસ્સો આવતા મેં તાત્કાલિક વાલીનું પરિણામ અપાવ્યું છે.ફી બાકી હોય તેવા વાલીના પરિણામ પણ અમે આપ્યા જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.