કોન્ટ્રાક્ટરે લાખો લોકોના જીવ જોખમમાં મૂક્યા:અમદાવાદના હાટકેશ્વર બ્રિજની સપોર્ટિંગ સિસ્ટમ જ કોઈને પૂછ્યા વગર હટાવી દીધી, AMCને અંધારામાં રાખી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક

અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં ગુણવત્તાના બાંધકામને લઈ કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ટર પ્રાઇવેટ લિમિટેડની સામે અનેક સવાલો ઉભા થયા છે. ઓગસ્ટ 2022થી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કેટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, તેનો મોટો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે તે નબળું છે. એટલું જ નહીં, બ્રિજની હાલ પૂરતી જળવાઈ રહે તેના માટે સપોર્ટિંગ સિસ્ટમ મૂકવા આવી હતી. જે કંપનીએ AMC અને ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટ એજન્સીને જાણ કર્યા વિના જ દૂર કરી દીધી હતી. AMC કમિશનર દ્વારા આ બ્રિજ મામલે ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023માં તમામ કન્સલ્ટન્ટ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિટિંગ રાખવામાં આવી હતી, તેમાં તેઓ હાજર રહ્યા ન હતા.

AMCની 10 અને પ્રોજેક્ટ એજન્સીની 5 નોટિસનો સંતોષકારક જવાબ નહીં
હલકી ગુણવત્તાનું બાંધકામ કરીને લાખો લોકોના જીવને જોખમમાં મૂકનારા કોન્ટ્રાક્ટર એજન્સી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને મ્યુનિસિપલ કોર્પોરેશને 10 નોટિસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પાંચ વખત નોટિસ આપી હતી. છતાં પણ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર કંપની દ્વારા તો બ્રિજના રિપેરિંગ દરમિયાન જે સપોર્ટિંગ સિસ્ટમ મૂકવામાં આવી હતી. તેને જ દૂર કરી દીધી હતી અને તેના જવાબ માટેની મિટિંગમાં પણ તેઓ હાજર રહ્યા નહોતા અને જેની ગંભીર મ્યુનિસિપલ કોર્પોરેશનને લીધી હતી. આટલી ગંભીર બાબત હોવા છતાં પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો હજી સુધી બીજા રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ તેમ કહીને કોન્ટ્રાક્ટર કંપની અને કન્સલ્ટન્ટ એજન્સીનો બચાવ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.

પાંચ વર્ષમાં જ અનેકવાર ગાબડાં પડ્યા
ખોખરા વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચારથી પાંચ વખત ગાબડાં પડ્યા હતા. 19 ઓગસ્ટ 2022ના રોજ ગાબડું પડવાના કારણે આ બ્રિજ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. રૂપિયા 90 લાખના ખર્ચે આ બ્રિજને રિપેરિંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022માં કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને નોટિસ ફટકારીને આ બ્રિજની કામગીરી તાત્કાલિક એક મહિનામાં શરૂ કરવા માટે થઈને જણાવવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનાના અંતમાં જ તેઓને આ બ્રિજને મજબૂત કરવા માટે થઈને સલામતીને ધ્યાનમાં રાખીને સપોર્ટિંગ સિસ્ટમ મૂકવા માટે થઈને તેઓને જાણ કરવામાં આવી હતી.

ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટ કરાવાયા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમયગાળા દરમિયાન ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં અનેક ખુલાસાઓ થયા હતા, જેની જાણ કોન્ટ્રાક્ટર કંપની પ્રાઇવેટ લિમિટેડને નવેમ્બર 2022માં કરવામાં આવી હતી. જે નોટિસમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે, બ્રિજમાં જે ગાબડાં પડ્યા છે તેમાં ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે. બ્રિજના જે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, તેમાં સુપર સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનની ક્વોલિટી જાળવવામાં આવી નથી. કોંક્રિટ ગ્રેડ M-45 જગ્યાએ ઓછી કોંક્રિટ પ્રોડક્શન કરવામાં આવ્યું છે. સુપર સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનમાં કોંક્રિટ ક્રશિંગના કારણે કન્સ્ટ્રકશનને નુકસાન થયું છે. કોંક્રિટની સ્ટ્રેન્થમાં પાંચ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેથી આ બાબતે ખુલાસો કરવો અને કરનાર કંપનીના સૂચવ્યા મુજબ સપોર્ટિંગ સિસ્ટમ ઊભી કરવા જણાવવામાં આવ્યું હતું.

કંપનીની જવાબદાર નક્કી કરીને જાણ કરાઈ
હાટકેશ્વર બ્રિજ ખૂબ જ ગીચતાવાળા વિસ્તારમાં આવેલો છે અને લાખો લોકો ત્યાંથી પસાર થાય છે, ત્યારે બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખી અને બ્રિજમાં સ્ટીલ ટ્રસલ, ચેનલ અને કોંક્રિટ બ્લોકની મદદથી સપોર્ટિંગ સિસ્ટમ ઊભી કરવા માટે થઈને પણ કહેવા છતાં પણ તેઓ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરવા છતાં પણ કામગીરી ન કરવામાં આવતા સંપૂર્ણ જવાબદારી કંપનીની હોવાની પણ જાણ કરાઈ હતી.

કંપની જવાબદારીમાંથી છટકતા હોવાનું જવાબમાં સામે આવ્યું
ડિસેમ્બર 2022માં કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, સુપર સ્ટ્રક્ચરના કોંક્રિટ પ્રોડક્શન દરમિયાન લેઇંગ સમયે બેદરકારી દાખવી છે. બ્રિજની ગુણવત્તા નિભાવવાની અને કોંક્રિટની જવાબદારી તેમજ સ્ટ્રેન્થ સાથે બનાવવાની જવાબદારી કંપનીની છે. કંપની દ્વારા જે જવાબો આપવામાં આવ્યા છે, તેમાં કંપની જવાબદારીમાં તમે છટકી રહ્યા એવા જવાબ આપવામાં આવ્યા હોવાનું પણ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું હતું. આમ કંપનીએ જે જવાબો આપ્યા હતા તે સંતોષકારક ન હોવાનો ખુલાસો થયો હતો.

7 ડિસેમ્બરે સપોર્ટિંગ સિસ્ટમ દૂર કરી
વધુમાં નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, બ્રિજમાં સ્ટીલ ટ્રસલ, ચેનલ અને કોંક્રિટ બ્લોકની મદદથી સપોર્ટિંગ સિસ્ટમ ઊભી કરવી. જેને 7 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્સલ્ટન્ટ એજન્સીને જાણ કર્યા વગર જ દૂર કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને અસર કરતી ગંભીર બાબત છે. સપોર્ટિંગ સિસ્ટમ દૂર કરી દેવામાં આવતા બ્રિજના સ્ટ્રક્ચરને જોખમ ઉભું થયું છે. જો આમાં રાહદારી કે વાહનચાલકોને કોઈપણ પ્રકારની નુકસાની થશે તો તેની સીધી જવાબદારી કોન્ટ્રાક્ટર કંપનીની રહેશે અને તાત્કાલિક ધોરણેની નીચે સપોર્ટિંગ સિસ્ટમ ઉભી કરવી.

21 ડિસેમ્બરે મ્યુ. કમિશનરે બેઠક રાખી હતી
હાટકેશ્વર બ્રિજની ગુણવત્તા બાબતે પ્રશ્ન ઉભા થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા 21 ડિસેમ્બર 2022ના રોજ તમામ કન્સલ્ટન્ટ એજન્સીઓ, પીએમસી અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને જાણ કરી હોવા છતાં પણ તેઓના કોઈપણ પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને સપોર્ટિંગ સિસ્ટમ ઊભી કરવા ત્રણ દિવસમાં જણાવવામાં આવ્યું હતું. તો આ સિસ્ટમ ઊભી નહીં કરવામાં આવે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ બે વખત આ રીતે નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કે બ્લેકલિસ્ટ કેમ નથી કરતાં?
લાખો લોકો જે બ્રિજ ઉપરથી પસાર થતા હતા, તે બ્રિજની નબળી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નોટિસ આપવામાં આવી હતી અને મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા. છતાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. છતાં પણ કોઈ પ્રકારની ગંભીરતા દાખવી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ હોવા છતાં પણ દસ-દસ નોટિસો આપી હતી. તેમાં કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ ન હોવા છતાં પણ હવે તેની સામે કાર્યવાહીને બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં ભરવાની જરૂરિયાત હોવા છતાં પણ ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ એમ. થેન્નારેસન હજી સુધી કેમ કાર્યવાહી કરી રહ્યા નથી તે મામલે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...