શહેરના હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યા બાદ હવે આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ પણ આવી ગયો છે. છતાં જવાબદાર અધિકારીઓ સામે પગલા નહીં લેવાતા હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે કર્યો છે. બ્રિજના સરવેમાં ટાંકવામાં આવ્યું છે કે, બ્રિજ રિપેર થઈ શકે તેમ નથી. બીજી તરફ મ્યુનિ.એ હાટકેશ્વર બ્રિજ ઉપર લોડ ટેસ્ટ કરાવવાની પણ તૈયારી કરી હોવાનુંં અધિકારી સૂત્રોનું કહેવું છે. જેનો રિપોર્ટ પણ એકાદ-બે દિવસમાં આવે તેવી શક્યતા છે.
કોન્ટ્રાક્ટરને છાવરવા માટે વિલંબ થઇ રહ્યો હોવાની આશંકા
હાટકેશ્વર બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરનારા કોન્ટ્રાક્ટરને છાવરવા માટે વિલંબ થઇ રહ્યો હોવાની આશંકા કોંગ્રેસે વ્યક્ત કરી છે. નાના કર્મચારીઓને નજીવી સજા કરીને મળતિયાને સજાથી બચાવી લેવાનો પ્રયાસ હોવાનું જણાઇ રહ્યું છે.
ઇન્સ્પેક્શન કરનાર એજન્સીઓ સામે પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી
કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, અગાઉ 100 કરોડના રોડ કૌભાંડમાં જવાબદાર અધિકારીઓને ઇન્ક્રીમેન્ટ રોકીની નજીવી સજા કરવામાં આવી હતી. તથા કોન્ટ્રાક્ટરોને સલામત કરી કૌભાંડની જવાબદારીમાંથી બચાવી લેવાયા હતા. જેનો ભોગ પ્રજા બની રહી છે. ભાજપ દ્વારા કરોડોના કૌભાંડ કરીને તેવા કાંડ પર ઢાંકપિછોડા કરવામાં આવી રહ્યા છે. બ્રિજના ટેન્ડરની શરતોનું પાલન થયું નથી. તેને ધ્યાને લેતાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઇએ જોકે તેમ છતાં મ્યુનિ. નિષ્પક્ષ રહી કાર્યવાહી કરતું નથી. કન્સલટન્ટ તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીઓ સામે પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.