અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજમાં માર્ચ 2021થી ઓબ્લીગેટરી સ્પાનના ડેક સ્લેબમાં અવારનવાર ગાબડાં પડ્યાં હતાં. ત્યારબાદ જૂન અને ઓગસ્ટ 2022માં પણ ડેક સ્લેબમાં ગાબડાં પડ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SGS ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવી હતી. વર્ષ 2017 અને 2018માં એમ બે વખત બ્રિજમાં મટીરીયલ અને કામની ગુણવત્તાની ચકાસણી કરી અને ક્વોલિટી સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. છતાં પણ આ બ્રિજ પર માત્ર ત્રણ વર્ષમાં જ ગાબડાં પડવાની શરૂઆત થઈ ગઈ હતી. જેથી આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા જ્યારે પણ બ્રિજ બનવામાં આવી રહ્યો હતો, ત્યારે કેવી રીતે ચકાસણી કરવામાં આવી હશે તેવા સવાલો ઉદ્ભવી રહ્યાં છે.
તમામ ચકાસણીના બેવાર સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા
વર્ષ 2017માં હાટકેશ્વર બ્રિજ બનીને તૈયાર થયો ત્યારે કંપની દ્વારા તમામ ગુણવત્તાની ચકાસણી કરી ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બ્રિજની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા તમામ મટિરિયલ, ગુણવત્તાના પરીક્ષણોની સંપૂર્ણ ચકાસણી સ્પેસિફિકેશનના માપદંડો પ્રમાણે કરવામાં આવી હોવાનું તેમજ દસ્તાવેજો સાથે કરેલી કામગીરીનું ગુણવત્તાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી અને બિલ પેમેન્ટ માટે ભલામણ કરવામાં આવી હતી. 28 નવેમ્બર 2018માં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની ડિફેક્ટ લાયબીલીટી પિરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ કામગીરીમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આમ બ્રિજમાં મટીરીયલની ગુણવત્તા અને કામગીરી યોગ્ય હોવાનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી SGS ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બે વાર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
ગુણવત્તાના સર્ટિફિકેટ અપાયા છતાં પણ બ્રિજમાં ગાબડા
હાટકેશ્વર બ્રિજની કામની ગુણવત્તા, સુપરવિઝન, ડ્રોઈંગ મુજબ કામગીરી કરાવવાની જવાબદારી એગ્રીમેન્ટ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી SGS ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. તમામ તબક્કે ગુણવત્તાની ચકાસણી કરી અને સર્ટિફિકેટ પણ આ જ કંપનીએ આપ્યું હતું. છતાં પણ ખૂબ જ ટૂંકા સમય એટલે કે માત્ર અઢી વર્ષના સમય ગાળામાં જ કૉન્ક્રીટના તમામ તબક્કે ચકાસણી કરવા છતાં પણ બ્રિજના ઓબ્લીગેટરી સ્પાનમાં ગાબડા પડવાની ઘટના બની હતી.
બ્રિજ બંધ કરી અન્ય પાસે ટેસ્ટ કરાવાયા
જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ બંધ કરી ઓર્બીગેટરી સ્પાનમાં ડેક સ્લેબ, વેબ તથા સોફીટ સ્લેબના કૉન્ક્રીટની સ્ટ્રેન્થની ચકાસણી કરવા નામાંકીત એન.એ.બી.એલ લેબ (National Accreditation Board for Testing and Calibration Laboratories) (NABL) પાસેથી રીબાઉન્ડ હેમર ટેસ્ટ, અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ તથા કોક્રીટ કોરના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
કોન્ક્રીટની ક્વોલીટી યોગ્ય રીતે ચકાસવામાં નહોતી આવી
જેનાં ટેસ્ટ દરમ્યાન અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ તથા કોન્ક્રીટ કોરના ટેસ્ટના રીઝલ્ટ ખૂબ જ ઓછા આવ્યા હતા. ટેસ્ટ રીઝલ્ટને જોતા બ્રિજ બનાવવાની કામગીરી દરમ્યાન પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા ડીઝાઇન એપ્રુવ ડ્રોઈંગસમાં દર્શાવ્યા મુજબના કોન્ક્રીટ ગ્રેડ M45 મુજબ સુપર સ્ટ્રકચરના કોન્ક્રીટની ક્વોલિટી જે તે સમયે જાળવવામાં આવી હોય અને યોગ્ય રીતે ચકાસણી કરેલી હોય તે જણાતુ ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
કોર્પોરેશનની છબી ખરાબ થઈ અને બ્રિજ બંધ કરવો પડ્યો
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી SGS ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા M45 કોન્ક્રીટની કવોલીટી જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. જેના કારણે બ્રિજના બંને ઓબ્લીગેટરી સ્પાનના સુપર સ્ટ્રક્ચરમાં કોન્ક્રીટ ક્રશીંગને કારણે સ્ટ્રક્ચરને ખૂબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેના લીધે બ્રિજને લોકો માટે બંધ કરવાની ફરજ પડી છે અને કોર્પોરેશનની છબી ખરાબ થઈ છે. ગુણવત્તાની ચકાસણીમાં જ ખામી રાખવામાં આવી હોવાના કારણે આજે બ્રિજમાં ગાબડા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.