નિયમ મુજબ બ્યુટીફિકેશનનો છેદ ઉડાડી દેવાયો:હાટકેશ્વર બ્રિજ બનાવનારી કંપનીએ ટેન્ડરની શરતો તોડી SG હાઈવે પર કરોડોની જગ્યાને ડેડ સ્પેસ બનાવી દીધી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંપનીએ બે પિલર પર બ્રિજ બનાવી દીધો... આ કારણે સર્વિસ રોડ સાંકડો થઈ જતાં હવે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે અને ગેરકાયદે પાર્કિંગનો માર્ગ પણ મોકળો થઈ ગયો. - Divya Bhaskar
કંપનીએ બે પિલર પર બ્રિજ બનાવી દીધો... આ કારણે સર્વિસ રોડ સાંકડો થઈ જતાં હવે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે અને ગેરકાયદે પાર્કિંગનો માર્ગ પણ મોકળો થઈ ગયો.
  • અજય એન્જિનિયરિંગે સિંગલને બદલે 2 પિલર પર બ્રિજ બનાવ્યો
  • બંને તરફ 8.5 મીટરને બદલે રોડ નાનો થઈ ગયો
  • બે પિલર વચ્ચેની જગ્યામાં ગેરકાયદે પાર્કિંગ બની ગયું, મૂળ નિયમમાંથી બ્યુટીફિકેશનનો છેદ જ ઉડાડી દીધો

હાટકેશ્વરનો બ્રિજ બનાવનારી અજય એન્જિનિયરિંગનો એક નવો ગોટાળો બહાર આવ્યો છે. એસજી હાઈવે પર 800 કરોડમાં બનેલા બ્રિજ પૈકી ગોતાથી ઝાયડસ ચારરસ્તા વચ્ચે 249 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગને મળ્યો હતો. કંપનીએ ટેન્ડર મંજૂર થયા પછી શરતોમાં ફેરફાર કરી નાખ્યા.

શરત મુજબ બ્રિજ સિંગલ પિલર પર બનાવવાનો હતો. જેથી બ્રિજ નીચે બંને તરફ 8.5 મીટર લેખે 17 મીટરનો રોડ મળી રહે. તેમાં 4-4 મીટરના રોડ પર બ્યુટીફિકેશન, તેના પછી ફૂટપાથ અને એ પછી સર્વિસ રોડ તૈયાર કરવાનો હતો.

કંપનીએ ટેન્ડર મંજૂર થયા પછી શરતોમાં ફેરફાર કર્યા
કંપનીએ સિંગલને બદલે બે પિલર પર બ્રિજનું નિર્માણ કરતાં બંને તરફ 8.5 મીટરને બદલે 5.7 મીટરનો જ રોડ મળ્યો છે અને બે પિલર વચ્ચેની જગ્યામાં ગેરકાયદે પાર્કિંગ થાય છે. નિયમ મુજબ બ્યુટીફિકેશનનો છેદ ઉડાડી દેવાયો. નેશનલ હાઈવે પર રોડ વચ્ચે પાર્કિંગ સ્પોટ હોય નહીં. પરંતુ અહીં ડિઝાઈન બદલાતા ગેરકાયદે પાર્કિંગ થાય છે. એસજી હાઈવે પર 1 વાર જમીનના અંદાજે અઢી લાખ મુજબ ગણીએ તો 4.1 કિમી લાંબા આ બ્રિજ નીચેની કરોડોની જગ્યા ડેડ સ્પેસ બની ગઈ છે.

ગોતા-ઝાયડસ વચ્ચે 249 કરોડના એલિવેટેડ બ્રિજમાં અધિકારીઓની મિલીભગતથી આ ફેરફાર કરાયા

  • એલિવેટેડ કોરિડોરમાં સિંગલ પિલર ઉપર 6 લેન (બંને બાજુ 3 લેન) મૂકવાની હતી. એસ.જી.હાઈવેની કરોડોની જગ્યાનો ઉપયોગ કરવાનો હતો તેના બદલે 3-3 લેન માટે ડબલ પિલર પર બ્રિજ બનાવતા પિલર વચ્ચેની જગ્યા ગેરકાયદે પાર્કિંગ બની ગઈ.
  • બ્રિજની બંને બાજુ બે-બે કુલ 4 લેનના સર્વિસ રોડ હતા પણ બે પિલર પર બ્રિજ બનતા આ પણ શક્ય બન્યું નહીં.
  • બ્રિજની બંને બાજુ 4 મીટરના સ્પેશિયલ મીડિયન હતા જેના પર આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લાન્ટ, ગ્રીનરી, કરવાના હતા પણ તેનો છેદ ઉડાડ્યા.
  • બ્રિજ પર તથા નીચે મુખ્ય રોડ પર 100 કિમીની સ્પીડ નક્કી થઈ હતી. જેથી સમય તથા ઈંધણનો બચાવ થઈ શકે પણ રોડ નાનો થઈ જતાં તેનો પણ છેદ ઉડી ગયો.

આ હતી બ્રિજની અસલ ડિઝાઈન

​​​​​​​EPCની શરતો મુજબ બ્રિજનું કામ થયું નહીં
નેશનલ હાઈવે પર ફલાયઓવરના કામ પૂર્વે એન્જિનિયરિંગ પ્રોકયરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ડોકયુમેન્ટ તૈયાર કરી ટેન્ડર ભરાય અને જેને મળે તેણે સ્ટેમ્પિંગ કરાવી એ મુજબ કામ કરાવવું પડે પણ આવું થયું નથી.

અજય એન્જિનિયરિંગનું ટેન્ડર મારે જોવું પડશે
ઈપીસી ટેન્ડરમાં ફેરફાર થયો કે નહીં તે જોવું પડે.તેમાં ફેરફાર થઈ શકે પણ નિયત માપદંડનું પાલન કરવું પડે.અજય એન્જિનિયરિંગે શું કર્યુ એ માટે ટેન્ડર જોવું પડે. - આર.એન.માથુર, સુપરિ. એન્જિનિયરિ, આર એન્ડ બી

અન્ય સમાચારો પણ છે...