આ ભૂલ ભવિષ્ય બગાડશે:પોલીસ ભરતીમાં ખોટી માહિતી સાથે ફોર્મ ભરનાર ભવિષ્યની ભરતી માટે ગેરલાયક ઠરશે, હસમુખ પટેલની ઉમેદવારોને કડક સૂચના

અમદાવાદ2 મહિનો પહેલા
  • ખોટી માહિતી આપીને ફોર્મ ભરીને પરીક્ષામાં દોડનારા ઉમેદવારો સામે ભરતી બોર્ડ પગલા લેશે
  • ખોટી માહિતીથી PSIના ફોર્મ ભરનારા કેટલાક ઉમેદવારો LRDની કસોટીમાં પાછળની તારીખમાં દોડવા મળે તેમ ઈચ્છે છે: હસમુખ પટેલ
  • PSI અને LRDની પરીક્ષા સાથે 3 ડિસેમ્બરે શરૂ થવાની છે

ગુજરાતમાં ભરતીની સીઝન ચાલી રહી હોય તેમ PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્કની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. PSI અને LRDની પરીક્ષા સાથે 3 ડિસેમ્બરે શરૂ થવાની છે. આ માટે શુક્રવારે રાત્રે કોલ લેટર જાહેર કરાયા હતા. જોકે પરીક્ષાના ફોર્મ ભરતામાં કેટલાક ઉમેદવારો દ્વારા ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોવાની બાબત ભરતી બોર્ડના ધ્યાને આવી છે. આવા ઉમેદવારો સામે બોર્ડ પગલાં લઈ શકે છે.

ખોટી માહિતી આપનાર ભવિષ્યની ભરતીમાં ગેરલાયક ઠરશે
લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બોર્ડના ધ્યાન ઉપર આવ્યું છે કે કેટલાક ઉમેદવારોએ PSI ભરતી માટે લાયક ન હોવા છતાં ખોટી જન્મતારીખ/ખોટી માહિતી આપી અરજી કરી છે. હવે આ ઉમેદવારો PSIના કોલલેટર પર ન દોડવા રજૂઆત કરી કરાય. તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું, ખોટી માહિતી સાથે PSI ભરતીના ફોર્મ ભરનારા ઉમેદવારો ઇચ્છે છે કે તેઓના PSIના ફોર્મ રદ થાય ને લોકરક્ષકની કસોટીમાં પાછળની તારીખમાં દોડવા મળે. આવી ગેરરીતિ કરનાર ઉમેદવારના બંને ફોર્મ રદ થઈ શકે છે અને ભવિષ્યની સરકારી ભરતી માટે પણ ગેરલાયક ઠેરવી શકાય છે.

ફોર્મમાં ગેરરીતિની કરવી ભવિષ્યમાં ભારે પડી શકે
એવામાં ખોટી માહિતી સાથે ફોર્મ ભરનારા ઉમેદવારોએ ખાસ ચેતવું જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલોથી બચવું જોઈએ. ખોટી માહિતીથી ફોર્મ ભરવાની સ્થિતિમાં તેઓ ભવિષ્યમાં પણ સરકારી ભરતીમાં ગેરલાયક જાહેર થઈ શકે છે.

નોંધનીય છે કે, ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું મળશે માર્ગદર્શન
લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. કોલ લેટર અંગેના પ્રશ્નો માટે આ હેલ્પ લાઈન નંબર 2 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે જેનો સમય સવારે 10.30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેના પર ફોન કરીને ઉમેદવારો કોઈપણ મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. આ સાથે હસમુખ પટેલે ઉમેદવારોને ફોન કરતા સમયે હેલ્પલાઈન નંબર સતત એન્ગેજ મળવાના કિસ્સામાં થોડી ધીરજ રાખવા જણાવ્યું છે. ઉપરાંત જે ઉમેદવારોને બે કોલલેટર મળ્યા હોય તેમણે પહેલા કોલલેટરે દોડવાનું રહેશે અને બીજો કોલલેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

રાજ્યમાં LRD ઉમેદવારોને પ્રેક્ટિસ માટે વધુ જિલ્લામાં મેદાનો ફાળવાયાં
ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે.

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.