હાલમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 મેદાનો પર ચાલી રહેલી આ ભરતી પરીક્ષા 29મી જાન્યુઆરી સુધી ચાલવાની છે. પરીક્ષામાં ઉમેદવારોની મૂંઝણવ અથવા કોઈપણ ફરિયાદ માટે ભરતી બોર્ડ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો હતો, જેના પર ઉમેદવારો ગેરરીતિ રોકવા અંગે પણ જાણ કરી રહ્યા છે.
ગેરરીતિની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રખાશે
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા ફરી એકવાર આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે ઉમેદવારોને કોઈપણ ગેરરીતિના બનાવ અંગે આ નંબરો પર જાણ કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત હેલ્પલાઈન નંબર પર આ પ્રકારની જાણકારી આપનારા તમામની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવશે.
સુરેન્દ્રનગરમાં પાંચ ઉમેદવારોની ધરપકડ
નોંધનીય છે કે, ગઈકાલે મંગળવારે જ પરીક્ષામાં ગેરરીતિનો બનાવ સામે આવ્યો, જેમાં સુરેન્દ્રનગરમાં પાંચ ઉમેદવારોએ કોલલેટર સાથે છેડછાડ કરીને સમયમાં ફેરફાર કર્યો હતો. ભરતી બોર્ડ દ્વારા આ તમામ ઉમેદવારો વિરુદ્ધ ગુનો દાખલ કરાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. વહેલી સવારે દોડ લગાવવા માટે 5 ઉમેદવારોએ પોતાની પાસે રહેલા સાચા કોલ લેટરની સાથે સવારે છ વાગ્યાનો દોડનો સમય લખીને બોગસ કોલ લેટર બનાવી ગ્રાઉન્ડ ઉપર દોડવા માટે આવતા તેમનો ભાંડો ફૂંટી ગયો હતો.
હસમુખ પટેલે પારદર્શિતાનો વિશ્વાસ અપાવ્યો
અગાઉ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાથે સંકળાયેલા ઇસમો પર ચાંપતી નજર રાખવા DGP દ્વારા તમામ પોલીસ અધીક્ષક તથા પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈપણ લેભાગુ તત્વો ફાવી ન જાય એ માટે પોલીસ નજર રાખી રહી છે.
અગાઉથી ઉમેદવારોને ચેતવણી અપાઈ હતી
આ પહેલા હસમુખ પટેલ 27 નવેમ્બરે જ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેટલાક ઉમેદવારોએ ખોટી માહિતી સાથે પી.એસ.આઇ ભરતીના ફોર્મ ભર્યા છે. તેઓ એવું ઇચ્છે છે કે, તેઓના PSIના ફોર્મ રદ થાય ને લોકરક્ષકની કસોટીમાં પાછળની તારીખમાં દોડવા મળે. આવી ગેરરીતિ કરનાર ઉમેદવારના બંને ફોર્મ રદ થઈ શકે છે અને ભવિષ્યની સરકારી ભરતી માટે પણ ગેરલાયક ઠેરવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.