કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીથી માંડીને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આડકતરી રીતે હાર્દિક પર પ્રહારો કર્યાં બાદ હાર્દિકની ઇચ્છા હતી કે કોંગ્રેસ તેને પાર્ટીમાંથી કાઢી મૂકે. જો આમ થાય તો એક યુવાન પાટીદાર નેતાને કોંગ્રેસે અન્યાય કર્યો તેવી સહાનુભૂતિ મેળવી શકાય, પરંતુ કોંગ્રેસે તેમ ન કર્યું.
અંતે હાર્દિકની ધીરજ ખૂટી અને તેને રાજીનામું ધરી દીધું. કોંગ્રેસ હાઇ કમાન્ડ સાથે ખૂબ નિકટતા હતી એટલે હાર્દિક પટેલની મહત્ત્વાકાંક્ષા અહેમદ પટેલનું સ્થાન લેવાની હતી. પણ આવું શક્ય નહીં બનતા તેણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. પાટીદાર આંદોલનના સમયમાં માત્ર 22 વર્ષની ઉંમરે પાટીદાર સમાજનું પ્રચંડ સમર્થન મેળવી ચૂકેલા હાર્દિકના મનમાં એવી લાગણી દૃઢ થઇ ગઇ છે કે તેનામાં લોકનેતા બનવાની તાકાત છે. આજે 28 વર્ષની ઉંમરે હાર્દિકને રાજકારણમાં સર્વોચ્ચ પદ હાંસલ કરવાની મહત્વકાંક્ષા જાગી છે. 2022ની ચૂંટણી પહેલા તે ભાજપમાં જોડાશે, પરંતુ તેની નજર પાંચ વર્ષ પછી એટલે કે 2027ની વિધાનસભા ચૂંટણી હશે, જેમાં તે આ મહત્ત્વાકાંક્ષા પૂરી થતી જુએ છે.
હાર્દિક ભાજપમાં જોડાયા પછી વિધાનસભાની ચૂંટણી અમદાવાદ અથવા સુરત શહેરની કોઇ એક બેઠક પરથી લડે તેવી પ્રબળ શક્યતા છે, જો કે હાલ તે પોતાના વતન વિરમગામની બેઠક પરથી ચૂંટણી લડે તેવી પણ ચર્ચા છે. હાલ સૌથી મોટો મુદ્દો છે કે શું આનંદીબેન પટેલ અને તેમનું જૂથ હાર્દિક પટેલને સ્વીકારી લેશે? પણ જે રીતે તખ્તો તૈયાર થઇ રહ્યો છે અને આવતા અઠવાડિયા સુધીમાં હાર્દિક ભાજપમાં જોડાઈ જશે તેવી વકી છે તે જોતાં આનંદીબેન અને તેમના સમર્થકોનો વિરોધ ખાળી લેવાયો હશે તેવું માની શકાય.
હાર્દિકના કોંગ્રેસમાં રહેવાથી પાર્ટીને કોઇ મોટો ફાયદો થાય એવી શક્યતા ઓછી હતી પરંતુ હાર્દિકે કોંગ્રેસ છોડી હોવાથી તે કોંગ્રેસ માટે નુક્સાન છે, કારણ કે કાર્યકારી અધ્યક્ષ જેવા મોટા પદે રહેલા નેતા પણ કોંગ્રેસ છોડીને જાય તેવો નેરેટિવ સામાન્ય લોકો સુધી પહોંચતા કોંગ્રેસ નબળી થઇ રહી છે તે બાબતને બળ મળશે. આ બાબત ભાજપ માટે પ્લસ પોઇંટ રહેશે બાકી હાર્દિકના જવાથી ભાજપ વધુ મજબૂત થશે તે અતિશયોક્તિ કહેવાશે કારણ કે અલ્પેશ ઠાકોરનો દાખલો આપણી નજર સામે જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.