મુખ્યમંત્રીને રજૂઆત:વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા 'હિન્દુ પુત્ર' હાર્દિક પટેલનો CMને પત્ર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • તાઉ-તે વાવાઝોડામાં રાજ્યમાં નાના-મોટા કુલ 235 મંદિરોને નુકસાન થયું.

તાજેતરમાં ગુજરાતમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના પગલે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે એક હિન્દુ પુત્ર તરીકે તાઉ-તે વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત થયેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને અલગથી તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

વાવાઝોડામાં મંદિરોને નુકસાન
હાર્દિક પટેલે પોતાના પત્રમાં કહ્યું છે કે, થોડા સમય પહેલા આવેલા ભયાનક વાવાઝોડાએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જ્યો હતો. તાઉ-તે વાવાઝોડાથી મુખ્યત્વે ઉના, ધારી, અમરેલી, જૂનાગઢ, રાજુલા, ખાંભા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં નુકસાન થયું અને ઘણા પરિવારોએ ઘણું બધું ગુમાવ્યું છે. ઉપરાંત વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં મંદિરોને પણ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

હાર્દિક પટેલે લખેલો પત્ર
હાર્દિક પટેલે લખેલો પત્ર

હિન્દુ પુત્ર તરીકે હાર્દિક પટેલની વિનંતી
પત્રમાં આગળ કહેવાયું છે કે, સ્થાનિક મીડિયામાં આવેલી અનેક ખબરો પ્રમાણે અનેક નાના મંદિરો ધરાશાયી થયા છે અને મોટા મંદિરોમાં પણ સ્લેબ-પિલરને નુકસાન થયું છે. વાવાઝોડામાં કુલ મળીને 235થી વધુ મંદિરોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જે તે વિસ્તારમાં ધારાસભ્યોને મંદિરના નિર્માણ માટે તાત્કાલિક સર્વે કરાવીને ગ્રાન્ટ ફાળવવામાં આવે, જે તે વિસ્તારમાં લોકોની આસ્થા અને ધર્મ પ્રત્યેની આશા ધરાવતા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવે. મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી સાથે ભારત દેશના એક હિન્દુ પુત્ર તરીકે મારી લાગણી અને માંગણી છે.

ગામડાંઓમાં 100 ટકા રસીકરણ માટે ગ્રાન્ટ આપવા રજૂઆત
નોંધનીય છે કે ચાર દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર હજુ સુધી કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ 100 ટકા વેક્સિનેશન કરનારાં ગામડાંને વિકાસ માટે 5 લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવાની માગણી કરી હતી, જેથી ગામડાઓ 100 ટકા રસીકરણ કરવા માટે પ્રેરિત થાય.