પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
આંદોલન સમયે ભાજપના નેતાઓ વિશે જેમતેમ શબ્દો બોલ્યા અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માગવા માગો છો, એવા પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું, હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. બે મહિનામાં શહીદ પરિવાર માટે નોકરીની વ્યવસ્થા કરીશું.
મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું
હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ.જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભાજપને ગાળો આપી, હવે ઘરનો દીકરો મા-બાપ પાસે માગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માગણી કરે છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને.
શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે, જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી એ કોંગ્રેસની સૌથી મોટી કમી છે.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.