હાર્દિક-ભાજપનો કાલે સ્વાર્થ સિદ્ધિ યોગ:ભાજપ વિરુદ્ધ આંદોલન છેડનાર હાર્દિક પટેલ 2 જૂને પાટિલ-નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે, કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • 17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. એ ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહેલાં શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજી જૂને ભાજપમાં જોડાશે.

વિચારધારાથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશેઃ પ્રવક્તા
ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે, સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે 2 જૂનના રોજ ગાંધીનગર કોબા ખાતે આવેલા કમલમ ખાતે જોડાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ હાજર રહેશે.

શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાર્દિક પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ખેસ પહેરશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 500 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે. 2017ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતાં. એ ઉપરાંત થોડા દિવસો પહેલાં જ તેમણે રાજભવન ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેમની જવાબદારી નક્કી હોય છે.

રાજીનામું આપ્યા બાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેમનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોયઃ હાર્દિક પટેલ
તેમણે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. તેમણે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે 'આશા રાખું છું કે મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણમાં 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિકની ગેરહાજરી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું હતું. તેમની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેમનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેમની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

હાર્દિક માટે હવે શું ભૂમિકા હોઇ શકે?
ભાજપ હાર્દિકને આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવી દેશે. હાલ હાર્દિકને સંગઠનમાં સીધી રીતે સમાવવાને બદલે તેના માટે કોઇ એક ચોક્કસ પદ ઊભું કરવામાં આવશે અને ત્યાં તેની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર સમાજની બહુમતી ધરાવતી કોઇ એક કઠિન બેઠક પર હાર્દિકને ચૂંટણી પણ લડાવવામાં આવશે.

અમે ન્યાયાધીશ નથી કે કોઈને દોષી માનીએ
મને હાર્દિકના ભાજપમાં જોડાવા અંગેની સત્તાવાર જાણ નથી. અમે ન્યાયાધીશ નથી કે કોઇને દોષી માનીએ. દેશસેવા માટે કોઇને ભાજપમાં જોડાવું હોય તો ભાજપ તેને મોટાપાયે આવકાર આપે છે. - નીતિન પટેલ, પૂર્વ ડે.CM

હાર્દિક પટેલ કોઈના ભરોસાને લાયક નથી
હાર્દિક ખૂબ સ્વાર્થી છે. આંદોલન ચાલતાં હતાં ત્યારે તેણે કહ્યું હતું કે હું ક્યારેય રાજકારણમાં જોડાઇશ નહીં. તે પછી તેણે કોંગ્રેસ જોઇન કરી હતી. તે કોઇનાય ભરોસાને લાયક નથી. - લાલજી પટેલ, ભૂતપૂર્વ એસપીજી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...