પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો પહેરવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલે સવારે કમલમ ખાતે હાર્દિકને ભાજપમાં જોડવા માટે અલગ પ્રોગ્રામ કરવામાં આવે તેવી હાર્દિક એ જીદ પકડી છે, આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ બંને જોડે જ ભાજપમાં જોડાવાના હતા, પણ હવે હાર્દિકની જીદના કારણે ભાજપે નમતું જોખ્યું છે અને હવે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમના હોલમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે, જ્યારે 12 વાગે આશરે 2,000 લોકો સાથે હાર્દિક પટેલ બહારના ગાર્ડનમાં બાંધેલા સમીયાણામાં ભાજપમાં એન્ટ્રી મળશે.
કાલે ભાજપના બે અલગ-અલગ પ્રોગ્રામ
કમલમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અત્યારથી જ હાર્દિક પટેલની જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે, હાર્દિક ભાજપમાં જોડાવાનો છે તે નક્કી થઈ ગયા બાદ એ કઈ રીતે ભાજપમાં જોડાશે તેની આખી રૂપરેખા હાર્દિકે જ નક્કી કરી છે, એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેણે પોતાની જોડાવવાની વાત અને એકલા જ જોડાવાની જીદ કરી હતી, ત્યારબાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેમની જવાબદારી નક્કી હોય છે.
રાજીનામું આપ્યા બાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેમનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.
મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોયઃ હાર્દિક પટેલ
તેમણે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. તેમણે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે 'આશા રાખું છું કે મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણમાં 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.