તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

’નવસર્જન’ કોંગ્રેસ!:હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું, ગુજરાતના નવા પ્રેદશ પ્રમુખ અંગે ચર્ચા કરાશે; આજે મોઢવાડિયાના નામની જાહેરાત શક્ય

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ-ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ-ફાઇલ તસવીર.
  • કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે

કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે. હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે, જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

હાર્દિક પટેલ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અંગે પોતાના વિચાર રજૂ કરશે
હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ રાજ્યમાં આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રણનીતિને લઈને સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ તરીકે યથાવત રહે તેવી પ્રબળ સંભાવના છે. બીજી તરફ હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે.

રાહુલ ગાંધી અને અર્જુન મોઢવાડિયા - ફાઇલ તસવીર.
રાહુલ ગાંધી અને અર્જુન મોઢવાડિયા - ફાઇલ તસવીર.

ગુજરાત કોંગ્રેસમાં નવા ચહેરાઓની નિમણૂક થઈ શકે
ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજીનામા આપી દીધા હતા. પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

અર્જુન મોઢવાડિયા 2017ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

પ્રદેશ પ્રમુખ બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત થશે
ગુજરાત પ્રદેશ પ્રમુખની સાથે સાથે વિધાનસભાના વિરોધપક્ષના નેતાપદ માટે પણ દાવેદારો લોબિંગ કરી રહ્યા છે. આવતીકાલે પ્રમુખના નામની જાહેરાત બાદ વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. જોકે વિપક્ષ નેતાની માટે હરીફોની સંખ્યા વધુ હોવાથી પહેલા માત્ર પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

અર્જુન મોઢવાડિયા - ફાઇલ તસવીર.
અર્જુન મોઢવાડિયા - ફાઇલ તસવીર.

છેલ્લી બે વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી તેઓ ચૂંટણી હારતા આવ્યા છે.​​​​​​​

7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા છતાં સત્તા ન મળી
8-10 વર્ષથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં ભળી રહ્યા છે, ત્યારે 1995 બાદ ગુજરાતમાં નબળી કોંગ્રેસ માટે જવાબદાર નેતાઓની યાદી ઘણી લાંબી છે. લગભગ અઢી દાયકા દરમિયાન કોંગ્રેસના 7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા હોવા છતાં કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકી નથી.