હાર્દિકનો 'આપ'માં જોડાવાનો તખ્તો તૈયાર:'કોંગ્રેસમાં મારી સખ્ત હેરાનગતિ થઈ રહી છે, મને પક્ષ છોડવા મજબૂર કરાઈ રહ્યો છે', હાર્દિક પટેલનું સૂચક નિવેદન

એક મહિનો પહેલા
  • પોતાની હેરાનગતિ વિશે રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી દીધાની હાર્દિકની કેફિયત
  • કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક ટૂંક સમયમાં આપમાં જોડાય તેવા પ્રબળ સંકેત

પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા પાર્ટીથી નારાજ હોવાના એજન્સીના અહેવાલ છે. પીટીઆઈની સાથેની ખાસ વાતચીત બાદ હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતા પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. સાથેસાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. દિવ્યભાસ્કરે અગાઉ એક્સક્લુઝિવ રિપોર્ટ આપ્યો હતો. હાર્દિકની નારાજગી સામે આવી છે અને આપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

સોશિયલ મીડિયામાં હાર્દિકની વધુ એક પોસ્ટ
હાર્દિક પટેલે સોશિયલ સાઈટ્સ ફેસબુક પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબની જયંતીના અવસરે આજે સુરત ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું. ગુજરાતના વિકાસમાં સૌ સમાજનો સહયોગ રહ્યો છે. ગુજરાતની શાંતિ અને સલામતી માટે સૌ સમાજે એક થઈને કામ કરવાની જરૂરી છે. મેં આજ દિવસ સુધી ગુજરાતની જનતા માટે શ્રેષ્ઠ કામ કરવાનો પ્રયાસ કર્યો છે અને આવનાર દિવસમાં ગુજરાતના સાત કરોડ લોકો માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરીશ.

સુરતમાં બાબા સાહેબ જયંતી પર હાર્દિકે જનસભા સંબોધી
સુરતમાં બાબા સાહેબ જયંતી પર હાર્દિકે જનસભા સંબોધી

હું પાર્ટીનું ભલું ઈચ્છું છું: હાર્દિક
હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષા ખરાં ઉતરી ન શકીએ તો પછી આ નેતાગીરીનો કોઈ અર્થ છે! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

ન્યૂઝ એન્જસીના ઈન્ટર્વ્યુમાં હાર્દિકનું દર્દ છલકાયું
હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે તે મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી પરંતુ કોઈ એક્શન લેવાઈ નથી.

હાર્દિક પટેલ કે નરેશ પટેલને આપ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી શકે
ગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પંરતુ ત્યારબાદ આપ વેરવિખેર થઈ ગઈ હોય તેવા હાલ થયા હતા. ત્યારે ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. આ કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોતપોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે તેવો અહેવાલ આપ્યો હતો. તેમ માં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના રડારમાં હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આપનું ગણિત એવું છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકે ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલ મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપ ને ટક્કર આપી શકે છે.

કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર નરેશ પટેલ
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. રાજ્યમાં પોલિટિકલ પાર્ટીઓ તરફથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. છેલ્લા બે મહિનાથી વાતો ચાલે છે, પણ હવે કોંગ્રેસે આ મુદ્દે ક્લિયર કરવું જોઈએ.

વાંચો સમગ્ર અહેવાલ,
પોલિટિકલ એનાલિસિસ:ગુજરાતમાં આપ શોધે છે 'માન', ભાજપથી નારાજ પાટીદાર નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા AAPની સ્ટ્રેટેજી

કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ
હાર્દિક પટેલે અગાઉ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે, પરંતુ હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ.

વિધાનસભા ચૂંટણી લડવાનો ગઈકાલે જ મત વ્યક્ત કર્યો
વિધાનસભા ચૂંટણી લડવાનો ગઈકાલે જ મત વ્યક્ત કર્યો

હું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશ
મહેસાણાના વીસનગરમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયેલી સજામાં સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ 13મી એપ્રિલે જ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું ચોક્કસથી ચૂંટણી લડીશ. જો વિપક્ષમાં બેસીને અમે પ્રજા માટે સારું કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ પ્રજા માટે કામો ન કરીએ ? જેથી ચોક્કસ હું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશ.

ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી
હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી. ગુજરાતના લોકોની વાત સારી રીતે અને આક્રમક રીતે વિધાનસભા તથા લોકસભામાં રજૂ થાય એ માટે ચોક્કસથી આવનારા દિવસોમાં હું નિર્ણય કરીશ. વીસનગરના કેસમાં નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને જેમાં હાઇકોર્ટમાં અપીલમાં ગયા હતા, પરંતુ અમને સજા પર તે મળી ન હતી, જેને કારણે વર્ષ 2019નું ચૂંટણી લડી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ એ સમયે અર્જન્ટ હિયરિંગ માટે ના પાડી હતી અને ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવામાં આવ્યો છે.

હું ચૂંટણી લડવા માટે કોર્ટમાં નહોતો ગયો
હાર્દિક પટેલ ક્યાંથી ચૂંટણી લડશે વગેરે વગેરે વાતો સમાચારના માધ્યમોમાં ચાલી હતી, પરંતુ હું ચૂંટણી લડવા માટે કોર્ટમાં નહોતો ગયો તેમણે કહ્યું હતું, હવે હું લોકોની વાત આક્રમક રીતે વિધાનસભામાં રજૂ કરી શકું તેના માટે ચોક્કસથી આગામી દિવસોમાં ચૂંટણી લડીશ. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમે સરકારમાં ચોક્કસથી આ બાબતે રજૂઆત કરી છે અને 10 કેસ પાછા ખેંચ્યા હતા, એ આનંદીબેન વખતે પાછા ખેંચાયા કેસો છે. સરકાર પર ભરોસો છે તો ચોક્કસથી સરકાર કેસો પાછા ખેંચશે.

અન્ય સમાચારો પણ છે...