1161 દિવસમાં હાર્દિકે છોડ્યો 'હાથ':કોંગ્રેસમાંથી હકાલપટ્ટી પહેલાં હાર્દિક પટેલનું પક્ષના કાર્યકારી પ્રમુખપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું

અમદાવાદ3 મહિનો પહેલા
હાર્દિક પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હાર્દિક પટેલની ફાઈલ તસવીર.
  • હાર્દિક પટેલે સોનિયા ગાંધીને પત્ર લખી પક્ષમાંથી રાજીનામું આપ્યું

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

હાર્દિકની કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી !

1161 દિવસ કોંગ્રેસમાં રહ્યા હાર્દિક પટેલ
નોંધનીય છે કે, હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

રવિવારે જ કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને જણાવી હતી
ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.

હાર્દિક પટેલનો સોનિયા ગાંધીને લખેલો પત્ર.
હાર્દિક પટેલનો સોનિયા ગાંધીને લખેલો પત્ર.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિકની ગેરહાજરી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે. હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...