રજૂઆત:ખેડાના શહીદ જવાનના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ અને વારસદારને સરકારી નોકરી અપાવવા હાર્દિક પટેલની સીએમને રજૂઆત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાનના અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં કપડવંજના વણઝારીયા ગામનો 25 વર્ષિય આર્મી જવાન શહીદ થયો હતો. બે દિવસ પહેલા જ આર્મી જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. જવાનના અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી. લગભગ 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. જ્યારે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રીને શહીદ જવાનના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ અને વારસદારને સરકારી નોકરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી સાહેબ, તમારી જાણકારીમાં જરૂરથી હશે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલા ગોળીબારમાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા વણઝારીયા ગામના સેનાના જવાન હરીશભાઈ પરમાર શહીદ થયા હતા, એક તરફ અમને ગર્વ છે કે હરીશભાઈએ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ બીજી તરફ તેમના મૃત્યુનું દુઃખ પણ છે.

શહીદના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ કરો
હરીશભાઈ માત્ર 25 વર્ષના હતા અને પોતાના પિતાના મોટા પુત્ર હતા, નાનો ભાઈ હજી ભણી રહ્યો છે તેમનો પરિવાર આર્થિક રૂપથી સઘ્ધર નથી અને હવે તો તેમનો એકમાત્ર આધાર પણ છીનવાઇ ગયો છે. બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારું નિવેદન છે કે શહીદના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ રાશિ અને તેમના કોઈ એક વારસને સરકારી નોકરી અપાય.

શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપવામાં આવે
પુલવામા હુમલા બાદ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના શહીદ જવાનના પરિવારને તે સમયના મુખ્યમંત્રી કમલનાથે એક કરોડ રૂપિયાની મદદ રાશિ ની ઘોષણા કરી હતી. દેશમાં આવા અનેક ઉદાહરણ છે. જ્યારે આપણી સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે તો શું સરકારની આ જવાબદારી નથી બનતી કે સર્વોચ્ચ બલિદાન બાદ તે શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપે અને તેમનું ધ્યાન રાખે. ગુજરાતની જનતા તરફથી અમારી માંગ છે કે હરીશભાઈ ના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ અને તેના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે. આશા છે કે આપની સરકાર શહીદને આ સન્માન આપવામાં મોડું નહિ કરે.

અન્ય સમાચારો પણ છે...