ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે. એટલું જ નહીં, જાહેરમાં ભાજપની માફી માગે એવી પણ અટકળો પણ ચાલી રહી છે.
હાર્દિક પટેલને લેવા AAPએ રસ ન દાખવ્યો
કૉંગ્રેસમુક્ત બન્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં ગુજરાતની જનતા અને સમાજની માફી માગી હતી. એટલું જ નહીં, ભાજપ વિરુદ્ધમાં કંઈપણ બોલવાને બદલે હિન્દુત્વની વાતો કરી હતી, સાથે સાથે માત્ર ને માત્ર કોંગ્રેસની અંદરની લડાઈને ઉજાગર કરી હતી. હાર્દિક પટેલને લેવા માટે આમ આદમી પાર્ટીએ બહુ રસ ન દાખવતાં હવે ભાજપમાં જ જવાનો એકમાત્ર રસ્તો બચ્યો હોવાથી ભાજપ સાથે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એમાં ભાજપે કેટલીક શરતોને આધીન ભાજપમાં લેવાની ચર્ચા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અસંખ્ય પોલીસ કેસ, કોર્ટ કેસોમાં રાહત માટે ભાજપ વિકલ્પ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિકે સનસનીખેજ પત્ર લખ્યો હતો. હાર્દિક પટેલ માટે 'આપ' માં જોડાવવું કોઈ કાળે શક્ય નથી. પોતાની સામેના અસંખ્ય પોલીસ કેસ, કોર્ટ કેસોમાં રાહત મેળવવા માટે એકમાત્ર ભાજપમાં જોડાવવું જ લાભદાયક રહી શકે છે. આગામી દિવસોમાં કમલમ ખાતે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાઈ એવી પૂરી શક્યતા છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. ભાજપમાં જોડાતા સમયે હાર્દિક શક્તિપ્રદર્શન કરતી એક જનસભા પણ સંબોધશે. જનસભામાં 10 હજાર જેટલી મેદની એકઠી કરશે, એની સાથે સાથે જનતા અને સમાજની જેમ ભાજપની પણ માફી માગી શકે છે.
ભાજપ રાગઃ દેશને રામ મંદિર, નિર્ણયો લેનાર નેતૃત્વ જોઈએ છે
યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે. જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.