મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:કોંગ્રેસમાંથી રાજીનામા બાદ આજે હાર્દિક પટેલ અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સ કરશે, હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં 12 લોકોનાં મોત

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર છે, તારીખ 19 મે, વૈશાખ વદ- ચોથ (સંકષ્ટ ચતુર્થી).

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે હાર્દિક પટેલ અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સ કરશે, નવું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે 2) આજે અમદાવાદમાં હીટવેવની આગાહી, ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) કોંગ્રેસમાંથી હકાલપટ્ટી પહેલાં હાર્દિક પટેલનું પક્ષના કાર્યકારી પ્રમુખપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

2) હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના 6 સહિત 12 લોકોનાં મોત, ત્રણ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ

મોરબીના હળવદમાં આવેલા મીઠાના કારખાનામાં આજે વિશાળ દીવાલ ધરાશાયી થતાં દટાઈ જવાથી 12 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતાં દીવાલ જમીનદોસ્ત થઈ હતી, જેને કારણે દીવાલ નીચે જ કામ કરી રહેલા મજૂરો દટાયા હતા. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના વારસદારને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે.

વાંચો સમાચાર વિગતવાર

3) હિન્દુ ધર્મના દેવી-દેવતા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનારા AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને પોલીસે ઝડપી લીધો

અમદાવાદના શાહપુરમાં રહેતો અને કટ્ટર માનસિકતા ધરાવતો દાનીશ હાલ જેલના સળિયા પાછળ છે. હિન્દુ ધર્મના દેવતા વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયામાં અભદ્ર વાત લખીને સમાજ વચ્ચે અંતર આવે અને લોકો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશી પોતે ટીવી ચેનલના ડિબેટમાં મોટી મોટી બડાઇ મારતો હોય છે, ત્યારે હવે અમદાવાદ સાયબર ક્રાઇમ તેના ઘરેથી તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ ધર્મના દેવી-દેવતા કે ધર્મ ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું સરકારે મન બનાવી લીધું છે ત્યારે સાયબર સેલની એક ખાસ ટીમ આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતી હતી. જેમાં દાનીશ કુરેશીની હરકતો સામે આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) હાર્દિકના નિકટના યુથ કોંગ્રેસના પ્રમુખને હટાવવા કાર્યકરોનો બળવો, ઈન્દ્રવિજયસિંહ ગ્રુપમાં જંગ જીત્યા જેવો માહોલ

હાર્દિકે પટેલે આજે કોંગ્રેસ પક્ષની જવાબદારીમાંથી રાજીનામું આપીને પક્ષ સાથે છેડો ફાડયો હતો, હાર્દિકે કોંગ્રેસ છોડતા હાર્દિકના સમર્થકો જે કોંગ્રેસમાં હાર્દિક સાથે જોડાયા હતા અને હાર્દિકની સાથે રહ્યા હતા તે હવે ચિંતામાં મુકાયા છે. હાર્દિક પટેલના અંગત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલા વિરુદ્ધમાં હવે પક્ષમાં જ બળવો શરૂ થયો છે, વિશ્વનાથસિંહના રાજીનામાની માંગ લઈને પ્રદેશ કારોબારી બોલાવવાની માંગ કરી છે. બીજી તરફ હાર્દિકના જવાથી કોંગ્રેસના જ નેતાનું એક ગ્રૂપ ફરીથી સક્રિય થયું છે. હાર્દિક પટેલના રાજીનામાં સાથે કોંગ્રેસ પક્ષ ચિંતામાં મુકાયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા ઇન્દ્રવિજયસિંહ ગ્રુપના યુવાઓએ સોશિયલ મીડિયામાં ઇન્દ્રવિજયસિંહનો ફોટો મૂકીને તેમના નેતૃત્વના વખાણ કર્યા છે. જોકે આ અંગે ઇન્દ્રવિજયસિંહે કઈ જવાબ આપ્યો નહતો.

વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટમાં 9 વર્ષની બાળકીને નાકમાં સાડાત્રણ વર્ષથી ક્રેયોનના બે ટુકડા ફસાયેલા હતા, તબીબે દૂરબીનથી બહાર કાઢ્યા

રાજકોટમાં આરિફા રહીમભાઈ સૈયદ નામની 9 વર્ષની બાળકીના નાકમાં સાડા ત્રણ વર્ષથી નાકમાં ક્રેયોન (રંગીન ચાકની સળી) ફસાયેલી હતી. આથી તેને રોજ અસહ્ય પીડામાં કણસવું પડતું હતું. આ માટે પરિવારે ઘણી હોસ્પિટલોમાં એક્સ-રે કરાવ્યા પણ સચોટ ઇલાજ થતો નહોતો. બાદમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી એક હોસ્પિટલમાં બાળકી સાથે પરિવાર પહોંચ્યો હતો અને અહીં ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરતા નાકમાં કંઈક ફસાયેલું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં દૂરબીનથી ઓપરેશન કરી ગણતરીની મિનીટોમાં ફસાયેલ વસ્તુ બહાર કાઢી હતી. આ વસ્તુ ક્રેયોન હોવાનું માલૂમ પડ્યું હતું. ક્રેયોનના બે ટૂકડાનું માપ લેતા અઢી ઇંચ જેટલી લંબાઈના જોવા મળ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

6) શિક્ષકોની એક જ ફરિયાદ, 'અમારી હાલત સાવકા દીકરા જેવી', સરકાર શિક્ષણ સિવાયનાં 100 કામો કરાવે, પણ માગ પૂરી કરવામાં ઠેંગો!

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકો વિવિધ પડતર માગણીઓને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી સરકારના પેટનું પાણી હલ્યું નથી અને શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 100થી વધુ કામગીરી કરવામાં આવે છે, જેને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકતું નથી. અમદાવાદ સહિત મહાનગરોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લાની જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક સ્કૂલોના 2 લાખ કરતાં વધુ શિક્ષકો ઘણા સમયથી અનેક પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે. સરકાર દ્વારા શિક્ષકોના પ્રશ્નોને હજુ સુધી કોઈ વાચા આપવામાં આવી નથી. શિક્ષકોની માગો અને મુશ્કેલીઓ અંગે દિવ્ય ભાસ્કર સિરીઝ ચલાવી રહ્યું છે, જેના પહેલા ભાગમાં આજે શિક્ષકોની માગણીઓ અને તેમની પાસે કરાવવામાં આવતી કામગીરી અંગે વાત કરીશું.

વાંચો સમાચાર વિગતવાર

7) સંબંધો મજબૂત કરવાની કવાયત:અમેરિકા ભારતને 3,877 કરોડની સૈન્ય સહાયતા આપશે, સિક્યોરિટી પાર્ટનર બનાવવાની રેસ

અમેરિકા ભારત સાથેના પોતાના સંબંધોને વધારવાની કોશિશમાં લાગી ગયું છે. એના માટે તે એક સૈન્ય સહાયતા પેકેજ તૈયાર કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ભારતીય ડિફેન્સ સેક્ટરની રશિયા પરની નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડને ભારતને 500 મિલિયન ડોલર(3,877 કરોડ)ની સૈન્ય સહાયતા આપવાનું છે.

વાંચો સમાચાર વિગતવાર

8) કુતુબમિનાર પર મોટો દાવો,પુરાતત્વ વિભાગના પૂર્વ અધિકારીએ કહ્યું- વિક્રમાદિત્યએ સૂર્યના અધ્યયન માટે મિનાર બનાવ્યો હતો

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના એક પૂર્વ અધિકારીએ કુતુબમિનારને લઈને મોટો દાવો કર્યો છે. અધિકારીનું કહેવું છે કે કુતુબમિનારનું નિર્માણ પાંચમી શતાબ્દીમાં સમ્રાટ વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. તેમને જણાવ્યું કે વિક્રમાદિત્યએ મિનાર એટલા માટે બનાવ્યો હતો કેમકે તેઓ સૂર્યની સ્થિતિઓનું અધ્યયન કરવા માગતા હતા.

વાંચો સમાચાર વિગતવાર

9) સુપ્રીમ કોર્ટનો આદેશ,જેલમાંથી બહાર આવશે રાજીવ ગાંધીનો હત્યારો એજી પેરારીવલન

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિત એજી પેરારીવલન હવે જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે તેમે છોડવાના આદેશ આપ્યા છે. આ પહેલાં હાઈકોર્ટે દયા અજીને રાષ્ટ્રપતિ પાસે મોકલવાના રાજ્યપાલના નિર્ણયને નકારી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, બંધારણ વિરુદ્ધ કઈ થતું હોય તો અમે આંખો બંધ ના રાખી શકીએ. હાઈકોર્ટે કેન્દ્રના એ સૂચન ઉપર પણ સહમતી નહતી દર્શાવી કે જેમાં કોર્ટે આ વિશે રાષ્ટ્રપતિનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદ-ગાંધીનગરમાં કાલથી બે દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો ફરી 45 ડિગ્રીએ પહોંચશે 2) હનીટ્રેપ તોડકાંડમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે પૂર્વ પીઆઈ ગીતા પઠાણ સહિત તમામ 8ને નિર્દોષ જાહેર કર્યા 3) વડોદરાના ભૂતડીઝાપા વિસ્તારના રહીશોનો આક્રોશ, કહ્યું: 'ભાજપને વોટ આપ્યા છતાં 5 વર્ષથી પીવાનું પાણી દૂષિત મળે છે' 4) સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાએ કહ્યું- હાર્દિક પટેલના રાજીનામાથી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે 5) વડાપ્રધાન મોદીના 28મેના આટકોટના કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર રહે તેવી પુરી શક્યતા 6) દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે ઓચિંતા જ રાજીનામું આપ્યું, અંગત કારણ ગણાવ્યું, 2016માં પદ સંભાળ્યું હતું 7) જામા મસ્જિદ નીચે દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાનો દાવો, હિન્દુ મહાસભાએ PM મોદીને પત્ર લખ્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1743માં આજના દિવસે પિયર ક્રિસ્ટીને સેન્ટીગ્રેડ તાપમાનનો માપદંડ તૈયાર કર્યો હતો.

અને આજનો સુવિચાર
જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો. મન જ રાજા છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...