2017ની ચૂંટણીના 'હીરો' અટવાયા:હાર્દિક-અલ્પેશનું 5 વર્ષમાં જ રાજકીય ભવિષ્ય ડામાડોળ, પોતાનો પક્ષ ભાવ પૂછતો નથી તો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે?

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • હાર્દિક અને અલ્પેશ ચૂંટણી સમયે કયા પક્ષમાં હશે એ જ નક્કી નથી

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં બે યુવા નેતા એવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ઊભરીને આવ્યા હતા. હવે 2022ની વિધાનસભા ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પોતાની પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરવા લાગ્યા છે. આ પાંચ વર્ષમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ડામાડોળ થઈ ગયું છે. જોકે અલ્પેશ ઠાકોરને ટિકિટની આશા છે, જ્યારે હાર્દિક તો પાર્ટીથી હતાશ હોય એમ લાગે છે.

અલ્પેશ ઠાકોર તો 5 વર્ષમાં બે પક્ષમાં જોડાયા તોપણ હજુ ચૂંટણી સમયે કયા પક્ષમાં હશે એ જ નક્કી નથી. તો બીજી બાજુ, હાર્દિક પટેલે પણ કૉંગ્રેસનો હાથ તો પકડ્યો હતો, પણ ચૂંટણી આવતાં જ હાથ ઢીલો પડી રહ્યો છે, એ જોતાં જો કોંગ્રેસના હાથનો સાથ છૂટી જશે પછી હાર્દિકનું રાજકીય ભવિષ્ય શું હશે એ પણ હજુ અનિશ્ચિત છે.

ભાજપમાં આવીને ધારાસભ્ય પદ પણ ગયું
સૌથી પહેલા વાત કરીએ અલ્પેશ ઠાકોરની, તો તેઓ પોતાની જ્ઞાતિના યુવા નેતા તરીકે 2017માં ઊભરી આવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાઈને રાધનપુરથી ચૂંટણી લડી ધારાસભ્ય પણ બન્યા, પરંતુ 2019માં એટલે કે માત્ર બે વર્ષમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ પહેરી લીધો હતો. એમાં પણ અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદ પરથી પણ રાજીનામું આપી દીધું અને રાધનપુરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, પણ હારી ગયા હતા.

હાર્દિક એક સમયે સ્ટાર પ્રચારક હતા, હવે કોઈ પૂછતું નથી
હવે વાત કરીએ હાર્દિક પટેલની. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કરી સમાજના નેતા બની ગયા. તેમની યુવા નેતાગીરીથી અંજાઈને કૉંગ્રેસે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવી કોંગ્રેસના પ્રચારમાં ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં પણ મોકલ્યા હતા, પરંતુ 2019 બાદ ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ હાર્દિક પટેલની કોંગ્રેસ સામે ખુલ્લેઆમ નારાજગી જાહેર કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...