કેસરિયા યોદ્ધાઓની જાહેરાત:જિલ્લાના વિરમગામમાં હાર્દિક અને સાણંદ-દસ્ક્રોઇમાં જૂનાજોગી, ધંધુકામાં હારેલાને ચાન્સ, ધોળકામાં નવો ચહેરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ગ્રામ્યની બેઠકો પર કેસરિયા યોદ્ધાઓની જાહેરાત
  • નજીવા માર્જિનથી વિજેતા બનેલા સિનિયરને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું છે ત્યારે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીએ આજે ગુરૂવારે અમદાવાદ (ગ્રામ્ય)ની 5 અને બોટાદ જિલ્લાની 2 બેઠક મળી સમગ્ર રાજ્યની લગભગ 160 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. તમામ 7 બેઠકમાં ખૂબ મહત્વની ગણાય તેવી વિરમગામ બેઠક પર પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલને ઉતારવામાં આવ્યા છે. રાજ્યની સૌથી મહત્વની ગણાતી બેઠકોમાં સ્થાન ધરાવતી વિરમગામ સીટ પર સત્તાપક્ષ દ્વારા હાર્દિકની પસંદગીથી ખૂબ રસાકસી જામશે.

બાકીની 4 બેઠકોની વાત કરીએ તો સાણંદ, દસ્ક્રોઇમાં વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ધંધુકામાં કાળુભાઇ ડાભીને ઉતારવામાં આવ્યા છે. ધોળકામાં વર્તમાન ધારાસભ્ય અને તત્કાલિન રૂપાણી સરકારના સિનિયર મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સ્થાને કિરીટસિંહ ડાભીની પસંદગી કરાઇ છે. કુલ 5 માંથી ભાજપ હસ્તકની 3 બેઠકમાંથી ધોળકાને બાદ કરતા બાકીની 2 બેઠક પર વર્તમાન ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાની 5 બેઠકોની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે એક વખતનાં કોંગી અગ્રણી અને બાદમાં ભાજપમાં જોડાયેલા ડો. તેજશ્રીબેન પટેલને 6548 મતથી હરાવી વિજેતા થયા હતા. 2017માં જે રીતે તેજશ્રીબેનને કોંગ્રેસમાંથી લાવી ભાજપમાં ચૂંટણી જંગમાં ઉતારાયા હતા તે રીતે આ વખતે પણ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભગવી બ્રિગેડમાં જોડાયેલા અને પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સાણંદની વાત કરીએ તો 2017માં કોંગ્રેસના પુષ્પાબેન ડાભીને 7721 મતથી હરાવી વિજેતા થયેલા કનુભાઇ પટેલની પુન: પસંદગી કરવામાં આવી છે. તેવી જ રીતે દસ્ક્રોઇમાં 45065ની જંગી લીડથી વિજેતા બનેલા પાટીદાર આગેવાન બાબુભાઇ જમનાભાઇ પટેલને પણ આ વખતે પુન: ટિકિટ આપવામાં આવી છે. એક તબક્કે એવું મનાતું હતું કે આ વેળા બાબુભાઇનું પત્તુ કપાશે પરંતુ પાટીદાર વોટબેન્ક અને ગઇ વખતની જંગી લીડને ધ્યાનમાં રાખી 2022માં પણ આ સમૃધ્ધ નેતા પર પુન: પસંદગીનો કળશ ઢોળાયો છે.

2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના રાજેશભાઇ ગોહેલની સામે 5920 વોટથી પરાજય પામેલા કાળુભાઇ ડાભીને ફરી વાર મેદાનમાં ઉતારાયા છે. રૂપાણી સરકારમાં કેબીનેટ સ્તરીય પ્રધાન અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇ કાલે બુધવારે જ પોતે આ વખતે ચૂંટણી લડવા માગતા નહીં હોવાનું નિવેદન કર્યુ હતું. આ બેઠક પર કિરીટસિંહ ડાભીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...