• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Harassment Of Stray Cattle In Judges Bungalow Road And Bodakdev Of Ahmedabad, Citizens Have Complained From The Chief Justice To The Commissioner.

રખડતા ઢોરોથી નાગરિકો ત્રસ્ત:અમદાવાદના જજીસ બંગલો અને બોડકદેવમાં રખડતા ઢોરનો ત્રાસ, નાગરિકોએ ચીફ જસ્ટિસથી લઈ કમિશનરને કરી ફરિયાદ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં રખડતા ઢોરને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવે છે છતાં પણ રખડતા ઢોરને લઈને નિષ્ક્રિય કામગીરી હોય તેમ જોવા મળી રહ્યું છે. શહેરના બોડકદેવ અને જજીસ બંગલો વિસ્તારમાં રખડતા ઢોરોથી નાગરિકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે જેને લઇ અને સ્થાનિક લોકો દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. બોડકદેવ વિસ્તારમાં રહેવાસી નાગરિકોએ ફરિયાદ કરી છે કે, બોડકદેવ મધર મિલ્ક પેલેસ અને જજીસ બંગલો રોડ ઉપર રાત્રે ઢોરોને રખડતા મૂકી દેવામાં આવે છે જેના કારણે રાત્રે ચાલવા નીકળતા લોકોને ઢોર અડફેટ લે છે અને ડરનો માહોલ પેદા થાય છે.

ઢોરને ખુલ્લા મુકી દેતા વૃદ્ધોને અડફેટે લે છે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે, બોડકદેવ વિસ્તારમાં મધર મિલ્ક પેલેસ અને જજીસ બંગલો રોડ આસપાસ રાત્રે ઢોરને ખુલ્લા મૂકી દેવામાં આવે છે. ત્યાં એક પ્લોટમાં ઢોરને રાખવામાં આવે છે અને રાત્રે જ્યારે ઢોરને ખુલ્લા મુકી દેવામાં આવે છે ત્યારે ત્યાંથી નાઈટ વોકિંગ માટે વૃદ્ધો ચાલવા નીકળે છે તેમને અડફેટે લે છે. આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તો ટોકન નંબર આપવામાં આવ્યો હતો અને નિરાકરણ વગર તાત્કાલિક ફરિયાદ બંધ પણ કરી દેવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા જ્યારે અહીંયા ફરિયાદ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા આવા ઢોરના માલિકોને જાણ કરી દેવામાં આવે છે અને તેઓ માથાભારે હોવાથી લોકોને ડર લાગી રહ્યો છે.

અધિકારીઓની ઢોર માલિકો સાથે મિલીભગત
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓ કર્મચારીઓને ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ તેઓ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જજીસ બંગલો રોડ જેવા પોસ વિસ્તારમાં પણ રાત્રે અને દિવસે ઢોર રખડતા હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી થતી નથી અને ઢોર રાખતા માલિકો અને તેઓની સાથે કોઈ મિલીભગત હોય તેવી આશંકા છે અને સ્થાનિકો દ્વારા આ મામલે ફોટો સાથે હવે મ્યુનિસિપલ કમિશનર અને ચીફ જસ્ટિસને ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...