તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટરનો હોબાળો:આધાર કાર્ડમાં સુધારો કરાવવા જતા લોકોને અર્બન સેન્ટરમાં થતી હાલાકી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ લોકોને સતત ધક્કા ખવડાવતા કોર્પોરેટરનો હોબાળો
  • ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કામગીરીનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો

કોરોના સંક્રમણ ઘટતા સરકાર દ્વારા નવા આધાર કાર્ડ બનાવવાની સાથે જૂના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટેની કામગીરી તમામ વોર્ડના અર્બન સેન્ટર ખાતેથી શરૂ કરવામાં આવી છે. પરંતુ કેટલીક જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ લોકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બાપુનગર અર્બન સેન્ટર ખાતે આધાર કાર્ડમાં સુધારો કરાવવા જતા લોકોને ફોર્મમાં ક્ષતિ હોવાના બહાને 6થી 8 વાર પરત મોકલવામાં આવતા હોવાની નાગરિકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર સમક્ષ સતત ફરિયાદ કરવામાં આવતી હતી. જેના પગલે કોર્પોરેટરે અર્બન સેન્ટરમાં જઈ ખોટી રીતે નાગરિકોની હેરાન નહીં કરવા અને જરૂરી માર્ગદર્શન આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાની જાણ થતા ઉત્તર ઝોનના આસિસ્ટેન્ટ મ્યુનિ. કમિશ્નર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને ફરીથી આવી ઘટના નહીં બને અને લોકોને પુરતો સહકાર આપવામાં આવશે તેવું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

આ ઘટના વિશે સ્થાનિક મ્યુનિ. કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું કે, આધાર કાર્ડમાં સુધારો કરાવવા કે નવું કાર્ડ કઢાવવા માટેના ફોર્મમાં નામ સહિતની વિગત લખવા માટેના કોલમ ખૂબ જ નાના આપ્યા છે. જેમાં નામ સહિતની વિગત લખતી વખતે ઘણીવાર અક્ષરો લાઈનને અડી જતા હોય તો કર્મચારીઓ તેને રદ ગણી નાગરિકોને ફરીથી બીજું ફોર્મ ભરવા જણાવે છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો રોજના 400થી 500 રૂપિયાનું નુકસાન કરીને આવે છે આ સ્થિતિમાં જો તેમને અનેકવાર ધક્કા ખવડાવવામાં આવે તે યોગ્ય નથી. નાગરિકો તરફથી તેમને સતત મળી રહેલી ફરિયાદના પગલે તેમણે અર્બન સેન્ટરમાં જઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

મને 8 વાર કર્મચારીઓએ પરત મોકલતા મારે ફરિયાદ કરવી પડી
બાપુનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા આશિષ પટેલે જણાવ્યું કે, તેના આધાર કાર્ડમાં સુધારો કરવાનું હોવાથી તે અર્બન સેન્ટરમાં જરૂરી પુરાવા સાથે ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ત્યાંના કર્મચારીઓએ નાની-નાની ભૂલો કાઢી તેનું ફોર્મ રદ કરી 8 વાર પરત મોકલ્યું હતું. જેના કારણે છેવટે મારે કોર્પોરેટર સમક્ષ ફરિયાદ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...