મોટી સમસ્યા:ઘોડાસર-નારોલ વચ્ચે એક વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીને કારણે વાહનચાલકો પરેશાન

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇસનપુરથી ઘોડાસર તરફ કોમ્ફી હોટેલ પાસે પણ સર્વિસ રોડ પર ડાઇવર્ઝન આપતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. - Divya Bhaskar
ઇસનપુરથી ઘોડાસર તરફ કોમ્ફી હોટેલ પાસે પણ સર્વિસ રોડ પર ડાઇવર્ઝન આપતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.
  • માઇક્રો ટનલિંગના કામને કારણે સર્વિસ રોડ પર ડાઇવર્ઝન અપાયાં પરંતુ તેમાં પડેલા ખાડા રિપેર ન કરતાં હાલાકી
  • ઘોડાસરથી નારોલનું અંતર કાપતાં અડધો કલાક જેટલો સમય લાગી જાય છે
  • 18 કલાકમાં આ રોડ પર અંદાજે 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે

ઘોડાસર ચાર રસ્તાથી નારોલ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલી માઇક્રો ટનલિંગ કામગીરીને કારણે હાઈવેનો રસ્તો બંધ કરી સર્વિસ રોડ પર ડાઇવર્ઝન અપાયું છે, પરંતુ સર્વિસ રોડ પર મોટા ખાડા પુરાતા ન હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ઘણી વાર ટુવ્હિલર પર જતા લોકો સંતુલન ગુમાવતાં અકસ્માતનો ભોગ બને છે.

મ્યુનિ.એ ડાઇવર્ઝનરૂપી પાટિયાં પર ‘તકલીફ બદલ ક્ષમા’ તો લખી નાખ્યું છે, પણ રોજેરોજ ઊબડખાબડ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોની કોઈ ચિંતા તેને નથી. હાઈવેને કારણે અહીંથી રોજ અંદાજે એક લાખ વાહનો પસાર થાય છે, પિક અવર્સમાં તો ઘોડાસરથી નારોલ સુધીનો રસ્તો કાપતાં અડધો કલાકથી વધુનો સમય નીકળી જાય છે.

ડાઇવર્ઝનને કારણે સોસાયટીના લોકો પણ પરેશાન

  • ઘોડાસરથી નારોલ સુધી 3થી 4 જગ્યાએ માઇક્રો ટનલિંગની કામગીરીને કારણે ડાઇવર્ઝન અપાયું છે, જેમાં અવતાર હોટેલ પાસે સર્વિસ રોડ પર ટર્નિંગ અપાયો છે. તે ઉપરાંત એવન સાઇકલની પાસે પણ ટર્નિંગ અપાયો છે.
  • ઘોડાસરથી ઇસનપુર વચ્ચે સર્વિસ રોડ તૂટી જતાં વાહનચાલકો બીઆરટીએસ કોરિડોરનો ઉપયોગ કરે છે, જેથી કોરિડોર પણ તૂટી ગયો છે.
  • ઘોડાસર ચાર રસ્તાથી ઇસનપુર સુધી સર્વિસ રોડ પર ડાઇવર્ઝન આપવાના લીધે આસપાસની સોસાયટીના લોકોને પણ હાલાકી થઈ રહી છે. સર્વિસ રોડ પર ખાડા પડી જવાને કારણે અને કપચી છૂટી પડવાને કારણે સતત ધૂળ ઊડતી રહે છે, જેને કારણે રોડ પરની સોસાયટીઓના લોકોને હાલાકી થઈ રહી છે.

હજુ આવતા જૂન સુધી આ કામગીરી ચાલશે
કોર્પોરેશનના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, માઇક્રો ટનલની કામગીરીની પૂર્ણ થવાની મુદત જૂન 2022 છે, પરંતુ તે પહેલા જ આ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે જો રસ્તો ખોદીને આ પાઇપ ઉતારવાની પદ્ધતિથી કામગીરી કરવામાં આવે તો આ રસ્તો બે વર્ષ માટે બંધ રહે અને તેને કારણે નાગરિકોને મુશ્કેલી પડે, પરંતુ આ પધ્ધતિમાં બાજુનો રસ્તો ખુલ્લો રાખીને કામગીરી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...