તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય:પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટની યોજના 15 જુલાઈ સુધી લંબાવાઈ, હેપ્પી સ્ટ્રીટના ફૂડ વાન સંચાલકોને ભાડું માફ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લો-ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ - Divya Bhaskar
લો-ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ
  • હેપ્પી સ્ટ્રીટ બંધ રહી ત્યાં સુધીનું સંપૂર્ણ ભાડું અને પરવાના ફી પણ માફ
  • ચાંદખેડા વોર્ડમાં રૂ. 53 લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મિલકત ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટની યોજના 15 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

જ્યારે લો-ગાર્ડનમાં બનેલી હેપી સ્ટ્રીટમાં ફૂડવાનના માલિકોનું કોરોના કાળ દરમિયાન બજાર બંધ રહેતા તે સમયગાળાથી જ્યાં સુધી બજાર ચાલુ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ ભાડું અને પરવાના ફીમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે.

ડિસેમ્બર 2019માં શરૂ કરાયું હતું પરંતુ લોકડાઉન સમયથી બંધ
લો ગાર્ડન ખાતે ડિસેમ્બર 2019માં મ્યુનિસિપલ કોર્પોરેશને હેપ્પી સ્ટ્રીટ પ્લાઝા શરૂ કર્યું હતું. ખાણીપીણી બજારમાં જાહેર હરાજીથી મ્યુનિ. સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. 27 જેટલા પરવાનાદારોએ 1 લાખથી લઇને 2.25 લાખ ભાડામાં પણ આ જગ્યાઓનો પરવાનો મેળવ્યો હતો. જોકે માર્ચ- એપ્રિલ 2020માં રાજ્યમાં કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આ‌વ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ

ખાણીપીણી બજાર ફી અને ભાડા અંગે દરખાસ્ત મંજૂર
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ આજ દિન સુધી ખાણીપીણી બજાર બંધ રહ્યું હતું. જેથી હવે બંધ રહેલા આ સમયગાળાથી બજાર ફરી ન ચાલુ થાય ત્યાં સુધી માસિક ભાડું તેમજ પરવાના ફી ભરવામાંથી મુક્તિ માટેની દરખાસ્ત આજે મંજૂર કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબથી મહંમદપુરા જવાના રોડને "શાંતિપથ" રોડ નામ આપવામા આવ્યું છે.

એડવાન્સ રિબેટ યોજનાની મુદ્દત 30 જૂન છે
સ્ટેન્ડિંગ કમિટીએ આજે એક અન્ય નિર્ણય પણ લીધો છે, જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટની યોજના હતી. જેની છેલ્લી તારીખ 30 જૂન હતી. તેને લંબાવી અને 15 જુલાઈ કરવામાં આવી છે. જેથી મિલકતધારકો 15 જુલાઈ સુધી આ સ્કીમનો લાભ લઇ ટેક્સ ભરી શકે છે. આજ દિન સુધી આ વર્ષની ટેક્સની આવક રૂ. 381 કરોડ થઈ છે.

ડ્રેનેજ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન સહિતના કામ મંજૂર
ચાંદખેડા વોર્ડમાં રૂ. 53 લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે. વટવા શાહવાડી વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરને રૂ. 1.53 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં આવતા વસ્ત્રાલ વોર્ડમાં રૂ. 19 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાના કામને પણ મંજૂર કરવામાં આવશે.

કાંકરિયા ઝૂના ડાયરેક્ટરને એક વર્ષનું એક્સટેન્શન
કાંકરિયા ઝૂમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં ડો. આર.કે સાહુ આગામી 30 જૂનના રોજ નિવૃત થઈ રહ્યાં છે. જેથી ડો. સાહુને એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવશે. છેલ્લા મળતાં પગારમાંથી પેન્શનની રકમ બાદ કરી મળતી રકમ પર કોન્ટ્રાક્ટ બેઝ પર એક વર્ષ માટે તેઓ કાંકરિયા ઝૂમાં ડાયરેક્ટર તરીકે સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...