ગુજરાતમાં વેક્સિનેશન વધારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારથી 18થી વધુ ઉંમરના માટે ગુજરાતભરમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા રોજ 3 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવે એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જોકે હાલ ગુજરાતમાં બે રસી જ લોકોને આપવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1.55 કરોડ ડોઝ કોવિશીલ્ડ રસી મૂકવામાં આવી છે, જ્યારે કોવેક્સિનના માત્ર 21.05 લાખ ડોઝ જ મૂકવામાં આવ્યા છે.
ગુજરાતમાં કેટલી ઉંમરના કેટલા લોકોને વેક્સિન લગાવી
ગુજરાતમાં અત્યારસુધીમાં 1.76(3 જૂન સુધી) કરોડ લોકોને વેક્સિન મૂકવામાં આવી છે, જેમાં સૌથી વધુ 45થી વધુ ઉંમરના 56.17 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. ત્યાર બાદ 60થી વધુ ઉંમરના 43.52 લાખ લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે 18થી વધુ ઉંમરના 34.92 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 18થી વધુ ઉંમરના લોકોને ઝડપથી વેક્સિન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ક્યારે સૌથી વધુ વેક્સિનેશન થયું
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 11 મેના રોજ સૌથી વધુ 2.68 લાખ લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી. જ્યારે અઠવાડિયા પ્રમાણે સૌથી વધુ 21.57 લાખ લોકોનું વેક્સિનેશન 3થી 9 એપ્રિલ વચ્ચે થયું હતું. જોકે હવે સરકાર દ્વારા વેક્સિનેશનનો વધારો કરી એક જ દિવસમાં 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌથી વધુ 1.21 લાખ લોકોને કોવેક્સિન રસી અમરેલીમાં મુકાઈ
ગુજરાત સહિત ભારતમાં હાલ બે જ રસી મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1.55 કરોડ ડોઝ કોવિશીલ્ડ રસી મૂકવામાં આવી છે, જ્યારે કોવેક્સિનના માત્ર 21.05 લાખ ડોઝ જ મૂકવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 23.74 લાખ લોકોને કોવિશીલ્ડ રસી અમદાવાદમાં મુકાઈ છે, જ્યારે સૌથી વધુ 1.21 લાખ લોકોને કોવેક્સિન રસી અમરેલીમાં મૂકવામાં આવી છે. 6 જિલ્લામાં કોવેક્સિન રસી 1 લાખથી વધુ લોકોને મૂકવામાં આવી છે, જ્યારે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોવેક્સિનની રસી અન્ય જિલ્લાઓ કરતાં પ્રમાણમાં ઓછી મૂકવામાં આવી છે.
સરકારે 3 કરોડ જેટલા વેક્સિન ડોઝના ઓર્ડર આપ્યા
ગુજરાત સરકારે ગત રોજ(શુક્રવાર)થી રાજ્યના 18થી 45 વર્ષની વયજૂથના તમામ નાગરિકોને રસી આપવાની જાહેરાત કરી હતી. અત્યારસુધી રાજ્યનાં 10 નગરોમાં આ વયજૂથના લોકોને રસી અપાતી હતી, પરંતુ હવે સમગ્ર રાજ્યમાં 1200 કેન્દ્રમાં 2 કરોડથી વધુ યુવાનને રસીકરણ હેઠળ આવરી લેવાશે. દરરોજ રાજ્યના 2.25 લાખ જેટલા 18થી 45 વર્ષના યુવાન નાગરિકોને હવેથી રસી આપવાનું શરૂ કરાયું છે અને 45થી વધુ વયના 75 હજાર જેટલા નાગરિકોને રસી મળશે. આમ, દૈનિક 3 લાખ લોકોને રસી આપવામાં આવશે. રાજ્ય સરકારે 3 કરોડ જેટલા વેક્સિન ડોઝના ઓર્ડર આપ્યા છે.
ગુજરાત સહિત ભારતમાં અત્યારે 2 વેક્સિન જ લગાવવામાં આવી રહી છે
વર્તમાન સમયમાં દેશમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન જ ઉપલબ્ધ છે. રશિયાની સ્પુતનિક વેક્સિન ભારતને જૂન મહિનાના બીજા સપ્તાહમાં મળી શકે છે. બે વેક્સિનના વધારે કોમ્બિનેશનની શોધમાં પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ અને કોવેક્સિનને ટ્રાયલમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ સ્પુતનિક સહિત 8 વેક્સિનને પણ ટેસ્ટિંગમાં સામેલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.