ફરી ચોમાસુ જામ્યુ:અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો, 5 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રોડ પર જળબંબાકાર - Divya Bhaskar
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રોડ પર જળબંબાકાર

ગુજરાતમાં 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવે છે. આજે સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની સંભાવના છે. ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના પગલે ગુજરાતમાં સારો વરસાદ પડશે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. શહેરના નરોડા, વસ્ત્રાલ, મણિનગર, મકરબા, પ્રહલાદનગર, વટવા, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. સામાન્ય વરસાદમાં જ ફરીવાર તંત્રની ગુલબાંગો ખોટી પડી છે. મણિનગરના ભૈરવનાથ રોડ પર આવેલા મિલ્લતનગર આગળ પાણી ભરાયુ છે. તે ઉપરાંત રામબાગ વિસ્તારમાં જયનગર સોસાયટી પાસે પણ પાણી ભરાયું છે.

મણિનગરમાં સોસાયટીમાં પાણી ભરાયાં
મણિનગરમાં સોસાયટીમાં પાણી ભરાયાં

4 ઓગસ્ટ સુધીમાં 68.3 ટકા જેટલો જળસંગ્રહ થયો
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 4 ઓગસ્ટ સુધીમાં 68.3 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,66,024 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,40,958 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 61.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સામાન્ય વરસાદમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં
સામાન્ય વરસાદમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં

33 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યમાં 33 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 48 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 35 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 52 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 33 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 20 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 10 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.