48 કલાક પહેલા સરોગસીથી જન્મેલી દીકરીની કસ્ટડી મેળવવા માટે જેનેટિક પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી છે. આ મામલે હાઇકોર્ટે અરજન્ટ નોટિસ ઇસ્યૂ કરી છે. તેની સાથે સાથે હાઈકોર્ટે બાળકીની કસ્ટડી સોંપવા બાબતે એફિડેવિટ કરી વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા છે. બાયોલોજિકલ માતા પોતાની બાળકીની કસ્ટડી જેનેટિક પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ બાળકીની કસ્ટડી સોંપવાથી રોકી રહી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.
જુવેનાઈલ એક્ટ હેઠળ સરોગસી મધર સામે ગુનો નોંધાયો
આ પેચીદા કિસ્સામાં અરજદાર એવા જેનેટિક પિતાએ એક વર્ષ અગાઉ સરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા.ત્યાર બાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સરોગેસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન માતા બનેલી મહિલા સામે જુવેનાઈલ એક્ટ મુજબ ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ થઇ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પોલીસ ફરિયાદમાં મહિલા પર બાળકને કિડનેપ કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો.
બાળકી શા માટે માતાએ કરેલા ગુનાની સજા ભોગવવા જેલમાં જાય?
આ અંગે અરજદારના વકીલ પૂનમ મહેતાએ હાઇકોર્ટમાં રજૂઆત કરી કે સરોગેસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તુરંત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત પણ મૂકી હતી. જેથી જો માતાને કસ્ટડી સોંપાય અને તેને જેલમાં મોકલાશે તો આ સ્થિતિમાં શા માટે નવજાત બાળકી તેની માતાએ કરેલા ગુનાની સજા ભોગવવા જેલમાં જાય?
હાઇકોર્ટે સેન્ટ્રલ જેલને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી
આ મામલે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સેન્ટ્રલ જેલ પ્રશાસનને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. સાથે સાથે માતા તેની દીકરીની કસ્ટડી સોંપવા માટે તૈયાર છે, તેવું સોગંદનામું રજૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
અરજદાર પોતે રાજસ્થાનમાંથી આવે છે અને પરિણીત છે. પરંતુ સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે સેરોગસીનો સહારો લીધો હતો. જેને પગલે તેઓ સારવાર માટે સપ્ટેમ્બર 2021માં અમદાવાદ આવ્યા હતા.
શું છે સરોગસી?
સરોગસી એ એક મેડિકલ પ્રોસેસ છે જેમાં જે યુગલોને સંતાન નથી અને તેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેઓ ભાડેથી કૂખ લે છે. ભાડેથી કૂખ આપનારી મહિલાને સરોગેટ મધર કહેવામાં આવે છે. બાળક મેળવવા ઇચ્છતા દંપતીના શુક્રાણુ અને ઇંડા લઈને લેબમાં તબીબી પ્રક્રિયા દ્વારા ગર્ભ તૈયાર કરવામાં આવે છે. જે તબીબી પ્રક્રિયા દ્વારા જ સરોગેટ માતાના ગર્ભમાં પહોંચાડવામાં આવે છે. બાળક દંપતીનું છે પરંતુ તે બીજી સ્ત્રીના ગર્ભમાં ઉછરે છે. 9 મહિના પછી, જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે કરાર મુજબ તે બાળકને જૈવિક માતાપિતાને સોંપવામાં આવે છે.
શું છે સરોગસીનો કાયદો
સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 મુજબ, એક મહિલા જેની ઉંમર 35થી 45 વર્ષ છે. આ મહિલા વિધવા અથવા છૂટાછેડા લીધેલી છે ત્યારે જ સરોગસી માટે સંમતિ આપી શકે છે. કાયદેસર રીતે પરણેલા યુગલો માટે સરોગેટ માતા બની શકે છે. જે લોકો મેડિકલ કન્ડિશનને કારણે બાળક નથી કરી શકતા, તે લોકો જ સરોગસી કરાવી શકે છે.
કેન્દ્ર સરકારે 2021ના કાયદામાં કોમર્શિયલ સરોગસી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જેથી કૂખ ભાડે આપવાનો ધંધો બંધ કરી શકાય. સરોગસીમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી કે જે મહિલા સરોગેટ બનશે તે કપલમાંથી કોઈ એક સાથેની સંબંધી હશે. આ કામ મદદ માટે કરવામાં આવશે, સરોગસી માટે પૈસાની આપલે કરવામાં આવશે નહીં. જો કોઈપણ વ્યક્તિ આમ કરે છે તો તેને 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.