આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.
હાઈકોર્ટના ચૂકાદા પર શિક્ષણમંત્રીનું નિવેદન
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે, આજ રોજ નામદાર હાઈકોર્ટે રાજ્ય સરકાર,વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતા જણાવ્યું છે કે શાળાઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે,. રાજ્ય સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને નામદાર હાઈકોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચૂકાદો બાકી રાખ્યો છે. હાઈકાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. નામદાર હાઈકોર્ટના વિસ્તૃત ચૂકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નામદાર હાઈકોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે.
પરિપત્ર રદ્દ કરતા પક્ષકારના વકીલે શું કહ્યું?
પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા.
વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ: હાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું હતું કે, વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દેશ આપીશું. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે હાઇકોર્ટના ચૂકાદાને વધાવ્યો
અજય પટેલે જણાવ્યું હતું કે, હજુ પણ કોઈ વાલીને તકલીફ હોય તો રૂબરૂ આવીને મળી શકે છે. ફી ઘટાડા અથવા ફી માફી સુધીના અમે નિર્ણય પણ લઈશું. પરંતુ જે વાલીઓ સક્ષમ છે તે વાલીઓ ફી ભરવા આગળ આવે. જેથી શિક્ષકો અને સ્કૂલમાં રહેલા બિન શૈક્ષણિક સ્ટાફનો પગાર પણ થાય. એ લોકોને પણ આજીવિકા મળે. હજુ વધુ હાઈકોર્ટના નિયમો આવશે તે બાદ આગળ વધારે કહી શકીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.