સફળતા:ગુજકેટમાં અમદાવાદના જૈનમ પટેલને 99.99 પર્સન્ટાઇલ આવ્યા, 120માંથી 118.75 માર્ક્સ મેળવ્યા

અમદાવાદ13 દિવસ પહેલા
  • ગુજકેટમાં 120માંથી 118.75 માર્ક્સ સાથે 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા
  • જૈનમે GSEB બોર્ડની પરીક્ષામાં 99.56 પર્સન્ટાઇલ મેળવ્યા

ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદના જૈનમ પટેલ નામનો વિદ્યાર્થીએ 99.99 પર્સન્ટાઇલ સાથે 120માંથી 118.75 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત બોર્ડમાં પણ 99.56 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

એક જવાબ ખોટો આપ્યો એટલે 1.25 માર્ક્સ કપાયા
જૈનમ પટેલે બોર્ડની પરીક્ષામાં મેથ્સમાં 99, કેમેસ્ટ્રીમાં 96 અને ફિઝિક્સમાં 87 માર્કસ મેળવ્યા છે. બોર્ડની પરીક્ષામાં જૈનમે 99.56 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે ગુજકેટની પરીક્ષામાં ફિઝિક્સમાં 40 માંથી 40, કેમેસ્ટ્રીમાં 40માંથી 40 અને મેથ્સમાં 40માંથી 38.75 માર્ક્સ મેળવ્યા છે. આમ કુલ 120માંથી 118.75 માર્ક્સ મેળવ્યા છે. માત્ર એક જવાબ ખોટો હતો, જે બદલ 1.25 માર્ક્સ કપાયા છે. છતાં રાજ્યમાં ગુજકેટમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

આઇટી ફિલ્ડમાં આગળ વધવાનું નિર્ધાર
જૈનમે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા એક જ પ્રશ્નના કારણે 1.25 માર્ક્સ કપાયા છે. બોર્ડની પરીક્ષામાં પણ મેં ફિઝિક્સમાં 94 આસપાસ આશા રાખી હતી. પરંતુ 87 માર્ક્સ જ આવ્યા છે. હું રોજ 6-7 કલાક વાંચતો હતો. જેમાં પરિવાર અને ટ્યૂશન ક્લાસિસ તરફથી સપોર્ટ મળતો હતો. હવે સારી કોલેજમાં એડમિશન મેળવીને મારે આઇટી ફિલ્ડમાં આગળ વધવું છે.

જૈનમ પટેલ માતા મલ્લિકાબેન પટેલ સાથે
જૈનમ પટેલ માતા મલ્લિકાબેન પટેલ સાથે

દીકરાના પરિણામથી માતા ખૂબ જ ખુશ
જૈનમના માતા મલ્લિકાબેન પટેલે જણાવ્યું હતું કે, મારા દીકરાએ આજે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. પરિણામથી હું ખૂબ ખુશ છું. જૈનમ મોટા ભાગે રાત્રે વાંચતો હતો. જેમાં હું એકાદ કલાક ધ્યાન આપતી હતી. બાકી મારે તેને ભણવા માટે ક્યારેય કહેવું પડ્યું નથી. તેને જે મહેનત કરી છે તે પ્રમાણે તેને પરિણામ મળ્યું છે. હવે તે જે દિશામાં આગળ વધવા ઈચ્છે તે માટે અમે પૂરો સપોર્ટ કરીશું.

જૈનમ તેના પરિવારજનો સાથે
જૈનમ તેના પરિવારજનો સાથે
અન્ય સમાચારો પણ છે...