સન્ડે મેગા સ્ટોરી:ગુજરાતની યુનિવર્સિટીઓ કૌભાંડો-ગોટાળા-ગેરરીતિઓમાં અવ્વલ, પણ UGCના રેન્કિંગમાં એકેયને 5 સ્ટાર નહીં

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
  • રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી NAAC માટે અમાન્યઃ આદેશ પાલના કરોડોના કૌભાંડોથી દેશભરમાં યુનિ.ની છબિ ખરડાઈ
  • સૌરાષ્ટ્ર યુનિ. અને MS યુનિ.માં પણ ભરતી કૌભાંડ, પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિ.માં MBBSના વિદ્યાર્થીઓને પાસ કરવાનું કારસ્તાન પણ તપાસ 'ચાલુ'
  • રાજ્યની યુનિવર્સિટીમાં કૌભાંડો કરવામાં શાસક અને વિરોધ પક્ષના સેનેટ-સિન્ડિકેટના સભ્યોની મિલિભગત હવે સામાન્ય બની

ગુજરાતની યુનિવર્સિટીઓ શિક્ષણનું ધામ મટીને રાજકીય અખાડો બની ચૂકી છે એ વાત તો જૂની થઈ ગઈ. હવે તો આ યુનિવર્સિટીઓ અનેક કૌભાંડો, ગેરરીતિઓ અને ગોટાળાઓનો અડ્ડો બની ગયાનું કહેવું લગીરે અતિશયોક્તિપૂર્ણ નથી. આમ છતાં સરકાર જવાબદારો સામે પગલાં લેવા કે શિક્ષણનું સ્તર સુધારવાને બદલે આંખ આડા કાન કરી રહી છે. રાજ્યની શિરમોર ગણાતી ગુજરાત યુનિવર્સિટી હોય કે વડોદરાની જગવિખ્યાત એમ એસ યુનિવર્સિટી કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ વાત કરીએ તો બધે ભ્રષ્ટાચાર, ભરતી કૌભાંડ, પાસ કરવાનું કૌભાંડ છડેચોક ચાલી રહ્યું છે. આ સડામાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ બાકાત રહી નથી. આવો જોઈએ ગુજરાત ની વિવિધ યુનિવર્સિટીમાં સર્જાયેલા કાળા કારનામાના વિવાદો....

ગુજરાત યુનિવર્સિટી
રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે રહી ચૂકેલા ડો. આદેશ પાલના કાર્યકાળમાં સૌથી વધુ વિવાદો થયા હતા. ડો. પાલે 2011માં કુલપતિના હોદ્દા પર રહીને રૂ. 1.7 કરોડના નાણાકીય ગોટાળા કર્યાના આક્ષેપો છે. એટલું જ નહીં તેમની સામે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લોકાયુક્ત સુધી ફરિયાદ કરવામાં આવી હતી. 10 વર્ષ બાદ લોકાયુક્તે દોષિત ઠેરવતા સિન્ડિકેટે ગત ઓક્ટોબરમાં ઠરાવ પસાર કરીને આદેશ પાલને પ્રોફેસરપદેથી બરતરફ કરવાને બદલે ફરજિયાત નિવૃત કરવાના આદેશ અપાયા હતા.આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશના મામલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો કરાવી આપવા ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો વધારવામાં આવતી ના હોવાના આક્ષેપો થયા છે. આ સાથે યુનિવર્સિટી ની સિન્ડિકેટ ની બેઠકમાં પણ હોબાળો થયો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
આચાર્ય હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાનનું નામ જેની સાથે જોડાયેલું છે તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ 2018માં એમબીબીએસની પરીક્ષામાં ચોક્કસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું જબરજસ્ત કૌભાંડ ચગ્યું હતું. યુનિવર્સિટીના એક પૂર્વ વિદ્યાર્થીએ જ આ આખું કૌભાંડ બહાર પડ્યું હતું. આમાં કેટલાક વિદ્યાર્થીઓની કોરી ઉત્તરવહીમાં ગુણ સુધારી તેમને પાસ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ભાજપના જ મહિલા નેતા હંસાબેન મહેશ્વરીના પુત્ર પાર્થ મહેશ્વરીનું નામ પણ આવ્યું હતું. આ મામલો છેક તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો હતો. પાટણના ધારાસભ્યએ આ મામલે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવતા તત્કાલીન શિક્ષણમંત્રીએ તપાસના આદેશો આપી વાવટો સંકેલી દીધો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગત ઓક્ટોબરમાં અધ્યાપકોની ભરતીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. અહીં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં સિન્ડિકેટ સભ્યોના સેટિંગની વોટ્સએપ ચેટ લીક થઈ જતાં આખું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે વિદ્યાર્થી નેતાઓની સંડોવણીના આક્ષેપો વચ્ચે સરકારે તપાસના નામે ભીનું સંકેલી દેવા પ્રયાસ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
સંસ્કાર નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ (M.S) યુનિવર્સિટીમાં પણ ગત મહિને ભરતી કૌભાંડની ગંભીર ફરિયાદ થઈ હતી. આમાં ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી. સરકારે આમાં પણ તપાસ સમિતિ બનાવી મામલો પૂરો કરી દીધો હતો. હજી સુધી આમાં કોઈ રિપોર્ટ આવ્યો નથી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપર ચેકીંગમાં ગોટાળા થયા હોવાના ગત મહિને આક્ષેપો થયા હતા. તેમાં પણ મામલો સમેટી લેવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થી પાસ હોવા છતાં પણ નાપાસ કર્યા હોવાનો ખુલાસો RTI દ્વારા થતાં હડકંપ મચી ગયો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

ગુજરાતની યુનિ.માં કૌભાંડ અને ગોટાળા સામે સેનેટ-સિન્ડિકેટ સભ્યો ચૂપ
ગુજરાતની યુનિવર્સિટીઓમાં ચાલી રહેલા કૌભાંડો અને ગોટાળો બહાર આવતા હોવા છતાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ચૂપ થઈ જાય છે. ખાસ કરીને વિપક્ષ સાથે સંકળાયેલા સભ્યો હોય કે વિપક્ષની વિદ્યાર્થી પાંખ.. બધાય તમાશો જોઈ રહેતા હોય છે. બોલવા ખાતર બોલે પણ ના કોઈ ઉગ્ર વિરોધ કરે કે ના કોઈ પ્રદર્શન. ગુજરાતના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તર સુધારવા માટે કાર્યવાહી કરવામાં સાવ નીરસ હોય છે ગુજરાત ની યુનિવર્સિટી તેનું ઉદાહરણ જોઈએ તો યુનિવર્સિટીમાં નથી કોઈ રિસર્ચ થતા, નથી કોઈ અભ્યાસ ક્રમ માં બદલાવ આવતા, નથી કોઈ વિદ્યાર્થીઓ ની કારકિર્દી માં મદદરૂપ થાય એવા પ્રોજેક્ટો થતા..યુનિવર્સિટી માં થાય છે તો માત્ર રાજકારણ, ગોટાળાઓ, કૌભાંડો અને ગેરરીતિઓ..

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની કરોડોની ગ્રાન્ટ મળે છે, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે નવા નવા સંશોધનો, નવી ટેક્નોલોજી માટે પણ યુજીસી અઢળક નાણાં આપે છે, છતાં રાજકીય અખાડો બનેલી ગુજરાતની યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થી હિતના નાણાં વિકાસના નામે બિલ્ડીંગ બનાવવા, લાગતા-વળગતાની ભરતીમાં કે પછી મળતીયાઓને કમાણી કરવાના નુસખા કરવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

NAAC એક્રિડિટેશનમાં દેશના ટોપ 10માં રાજ્યની એક પણ યુનિ. નહીં
UGC દ્વારા દેશભરની યુનિવર્સિટીઓને NAAC એક્રિડિટેશન આપવામાં આવે છે. આ રેન્કિંગમાં પ્રથમ દસમાં તો ઠીક, ગ્રેડમાં પણ ગુજરાતની યુનિવર્સિટીઓ ક્યાંય દેખાતી નથી. યુજીસીની વેબસાઈટમાં મુકવામાં આવેલી વિગતો મુજબ NAAC એક્રિડિટેશનમાં ગુજરાત યુનિવર્સિટી તો વેલીડ જ નથી. જયારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને એમ એસ યુનિવર્સિટીને માન્ય ગણવામાં આવી છે. બાકી કોઈ યુનિવર્સિટીનું તેમાં નામોનિશાન પણ નથી. એટલું જ નહીં, યુજીસીના લિસ્ટમાં ગુજરાતની એકપણ યુનિવર્સિટી ને ફાઈવ સ્ટાર મળ્યા નથી. રાજ્યની એસ પી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા એમ એસ યુનિવર્સિટીને 4 સ્ટાર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને B++ રેન્ક મળ્યા છે. આના પરથી એટલું તો કહી જ શકાય કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર એકદમ નબળું હોવાનું ખુદ યુજીસી પણ માની રહી છે.

કરોડોની ગ્રાન્ટનો ઉચ્ચ શિક્ષણનો એક પણ યુનિ.માં યોગ્ય ઉપયોગ નહીં
યુજીસી દ્વારા લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉચ્ચ શિક્ષણના સ્તરને સુધારવા માટે ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો ગુજરાતની એક પણ યુનિવર્સિટીમાં યોગ્ય ઉપયોગ થતો નથી. યુજીસીએ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીને 2019-20ના વર્ષમાં રૂ. 105.86 કરોડની ફાળવણી કરી હતી. આમાંથી કેટલીક યુનિવર્સિટી એ તો પૂરતી ગ્રાન્ટ પણ વાપરી નથી. પરિણામે યુજીસીની લાખો રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ જતી રહે છે. કેટલીક યુનિવર્સિટીએ યુજીસીએ જે કામ માટે ગ્રાન્ટ ફાળવી હોય તેના બદલે બીજા કામમાં વાપરી નાખતા યુજીસી પછીના વર્ષે ગ્રાન્ટ કાપી હોવાનું પણ જાણવા મળ્યું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

ગુજરાતની 10 યુનિ.માં વિદ્યાર્થીઓ
અંડર ગ્રેજ્યુએશન 1147613
પોસ્ટ ગ્રેજ્યુએશન 7000
એમફિલ 884
પીએચડી 5917
સર્ટિ.-ઇન્ટિગ્રેટેડ કોર્સ 38000
કુલ વિદ્યાર્થી 14,78,052

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
અન્ય સમાચારો પણ છે...