યુક્રેનથી પાછા તો આવ્યા, હવે શું કરવું?:100થી વધુ વાલીનું 'ઓપરેશન સરસ્વતી’, યુક્રેનવાળા છોકરાઓને દેશમાં જ મેડિકલમાં એડમિશન અપાવવા વાલીઓનું સિગ્નેચર કેમ્પેન

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • યુક્રેનમાં અધૂરા રહેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈ વાલીઓ ચિંતિત

યુક્રેન અને રશિયા વચ્ચે અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને પગલે અનેક અભ્યાસ અર્થે ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અધૂરા રહી ગયેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈ વાલીઓ ચિંતામાં મુકાયા છે, જેથી વાલીઓએ હવે જાતે જ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.

ગુજરાતના લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ષમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ત્યાંની સ્થિતિ સારી ના હોવાથી ઓનલાઈન અભ્યાસ ચાલે છે, પરંતુ વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી મેડિકલના અભ્યાસમાં ઓનલાઈન ભણી શકે નહીં અને ભવિષ્યમાં પરત યુક્રેન જવું પડે તેમ છે, જેની વાલીઓને સૌથી મોટી ચિંતા છે. એક તરફ યુક્રેન જાય તો જીવનું જોખમ અને ભારતમાં જ રહે તો અભ્યાસને લઈને ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, જેથી કેટલાક વાલીઓએ સાથે મળીને ઓપરેશન ગંગાની જેમ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.

શરૂઆતમાં 8થી 10 વાલી જ જોડાયા હતા
ઓપરેશન ગંગામાં વિદ્યાર્થીઓને હેમખેમ ભારત પરત લાવ્યા બાદ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી વાલીઓએ જાતે જ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ પોતાનાં બાળકોને ભારતમાં જ મેડિકલમાં એડમિશન અપાવવાનો છે. ‘ઓપરેશન સરસ્વતી’માં સૌપ્રથમ 8થી 10 વાલી જોડાયા હતા. બાદમાં જેમ જેમ વાલીઓને જાણ થતી ગઈ તેમ તેમ અન્ય વાલીઓએ પણ જોડાવવાનું શરૂ કર્યું છે.

ભારતમાં જ્યારે વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પૂરી કરી હતી ત્યારે તેમનું પરિણામ એટલું સારું નહોતું કે તેમને અહીં મેડિકલમાં એડમિશન મળી શકે. જેથી વાલીઓએ પોતાનાં બાળકોને ડોક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે યુક્રેન મોકલ્યા હતા.

આગામી સમયમાં સરકાર સુધી વાત પહોંચાડાશે
હાલ એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાના અનેક લોકો જોડાયેલા છે. હવે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાવા લાગ્યા છે. કમિટી દ્વારા શરૂઆતમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં જ તેમનાં બાળકોને એડમિશન આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અગામી સમયમાં હજુ સરકાર સુધી વાત પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે.

સરકાર ભારતમાં જ વ્યવસ્થા કરેઃ ભાવેશ કાગળા
આ અંગે ભાવેશ કાગળા નામના વાલીએ જણાવ્યું હતું કે અમે અમારાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે, જે દોઢ મહિનાથી ચાલી રહ્યું છે. અમારી સાથે દિવસે ને દિવસે વધુ લોકો જોડાઈ રહ્યા છે. અમારે અમારાં બાળકોને હવે બહાર ભણવા મોકલવા નથી, જેથી સરકાર તેમના માટે ભારતમાં જ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે અને એ માટે જ અમે ઓપરેશન સરસ્વતી શરૂ કર્યું છે. જ્યાં સુધી અમારાં બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ‘ઓપરેશન સરસ્વતી’ ચલાવીશું.

યુક્રેન યુદ્ધ બાદ હવે બીજા દેશ પણ સુરક્ષિત નથીઃ શોભાબેન દવે
જ્યારે શોભા દવે નામના વાલીએ જણાવ્યું હતું કે અમારા બાળકને યુક્રેનથી પરત તો લાવ્યા, પણ હવે અહીં તેમના અભ્યાસની મોટી ચિંતા છે. અહીં 1 કરોડ ફી અમને પોસાય તેમ નથી, જેથી અમે ઓછો ખર્ચ થાય એ માટે યુક્રેન ભણવા મોકલ્યા હતા, પરંતુ યુક્રેનમાં યુદ્ધ થયા બાદ હવે બીજા દેશ પણ સુરક્ષિત નથી એમ લાગી રહ્યું છે. હવે યુક્રેન પણ પરત મોકલીશું તો ત્યાં મોંઘવારી વધી જશે અને સુરક્ષાની પણ કોઈ ખાતરી નથી. સરકાર કોઈ આપત્તિ કે અકસ્માતના સમયે મદદ કરે છે તો અમારાં બાળકોને પણ રાહત મેળવવાનો હક છે, જેથી અમે માત્ર રાહત જ માગીએ છીએ.

સરકાર સુધી અવાજ પહોંચાડવા ‘ઓપરેશન સરસ્વતી’માં જોડાયાંઃ નયનાબેન
નયના પરમાર નામનાં વાલીએ જણાવ્યું હતું કે યુક્રેનથી મારું બાળક પરત આવ્યું, પરંતુ હું તેના ભવિષ્યને લઈને દુવિધામાં છું. હવે અમારા બાળકનું એડમિશન કેમ કરાવવું?. અત્યારે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે, પરંતુ MBBSનો અભ્યાસ ઓનલાઈન ના થઈ શકે. ઓનલાઇન અભ્યાસ કરતા હોય ત્યારે ઘણી વખત સાયરનો વાગે છે ત્યાં ફેકલ્ટી ભણાવવાનું બંધ કરીને બંકરમાં જતા રહે છે. અમે એટલે જ ‘ઓપરેશન સરસ્વતી’માં જોડાયા છીએ, જેથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે.

મોંઘવારી વધી હોવાથી પાછું જવું ખૂબ જ મુશ્કેલઃ વિદ્યાર્થિની
અભિપ્શા દવે નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે હું 18 ફેબ્રુઆરીએ યુક્રેનથી પરત આવી હતી, ત્યાં સ્થિતિ હજુ ખરાબ છે, પાછું જવું ખૂબ જ અઘરું છે, કારણ કે ત્યાં મોંઘવારી વધી જશે અને મુશ્કેલીઓ પણ વધી ગઈ છે, જેથી ઓપરેશન સરસ્વતી શરૂ થયું છે, અમે અપીલ કરીએ છીએ કે અમને ભારતમાં જ એડમિશન મળે. આ અંગે જલદી નિર્ણય લેવામાં આવે, કારણ કે ત્યાં અમારે ઓક્ટોબર મહિનામાં ફરજિયાત ઓફલાઈન પરીક્ષા માટે જવું જ પડશે.

એક વર્ષ જ બાકી છે, પણ યુક્રેન જઈ શકાય એમ નથીઃ વિદ્યાર્થી
વિદ્યાર્થી વિશ્વાસ અખાણીએ જણાવ્યું હતું કે મેં 5 વર્ષ યુક્રેનમાં અભ્યાસ કર્યો છે, હવે 1 વર્ષ બાકી છે. યુક્રેન પરત જઈ શકાય એમ નથી, હવે મારે 1 વર્ષ માટે ભણવાનું બગડે એમ છે. અહીં ભણવા માટે અમારી વ્યવસ્થા કરવામાં આવે. અમે ઓપરેશન સરસ્વતી દ્વારા ભેગા થઇ રહ્યા છીએ અને સરકારને એક જ અપીલ છે કે અમને અહીં એડમિશન આપીને ભણાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...