નવી નીતિ:જૂનમાં જાહેર થશે ગુજરાતની નવી ઉદ્યોગનીતિ, નાના-મધ્યમ ઉદ્યોગો માટે હોઇ શકે છે લાભકારી

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂની નીતિની મુદ્દત ડીસેમ્બર 2019-જાન્યુઆરી 2020માં પૂર્ણ થઇ ગઇ હતી
  • નવી નીતિનો એક આશય લોકડાઉનના કારણે વધેલી બેકારી હળવી કરવાનો પણ

કોરોના સંકટમાં વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્રને પડેલા ફટકા બાદ રાજ્યને બેઠું કરવા અને સામાન્ય સ્થિતિમાં લાવી આગળ વધારવા માટે સરકારે એક સમિતિ બનાવી હતી. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને બનેલી આ સમિતિએ રજૂ કરેલા અહેવાલના આધારે રાજ્યની નવી પાંચ વર્ષની ખાસ ઉદ્યોગનીતિ બનાવવામાં આવી રહી છે. આ નીતિને જૂન મહિનામાં જ જાહેર કરવામાં આવી શકે છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છેકે આ નવી નીતિ નાના અને મધ્યમ ઉદ્યોગોને અનેક રાહતો આપી શકે છે અને લાભકારી રહી શકે છે. 

પંચવર્ષિય ઉદ્યોગનીતિથી બેકારી હળવી કરવાનો પણ આશય
રાજ્યની 2015-2020ની પંચવર્ષિય ઉદ્યોગનીતિની મુદ્દત ડીસેમ્બર 2019-જાન્યુઆરી 2020માં પૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ આ નીતિની મુદ્દતને છ મહિના માટે લંબાવવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોના જૂથો, ઉદ્યોગ સંગઠનોએ સૂચવેલા સૂચનોના આધારે નવી નીતિ જાહેર કરવામાં આવશે. ગુજરાતના ઉદ્યોગોને બળ આપવા તથા રોકાણ વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારે 2020થી 2025 એમ પાંચ વર્ષ માટે નવી ઉદ્યોગ નીતિ આવતા મહિને જાહેર કરવાની તૈયારી કરી છે. આ નવી નીતિનો એક આશય લોકડાઉનના કારણે વધેલી બેકારીને હળવી કરવાનો પણ છે. 

કોરોના પૂર્વે અને પછીની સ્થિતિને નીતિમા આવરી લેવા સૂચન
સરકારે રચેલી સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને નવી ઉદ્યોગનીતિમાં સામેલ કરી દેવામાં આવશે. ઉદ્યોગ-ખાણ વિભાગના અધિકારીએ જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી તકે ઉદ્યોગનીતિ જાહેર કરવાની સૂચના આપી છે. કોરોના પૂર્વે અને પછીની સ્થિતિને લક્ષ્યમાં લઇને વિવિધ મુદ્દાઓને નીતિમાં આવરી લેવાનું સૂચવવામાં આવ્યું છે. જૂન મહિનામાં આ નવી નીતિ જાહેર કરવાનો લક્ષ્યાંક છે.

રિન્યૂઅલ એનર્જી, અન્ય ઉભરતા ક્ષેત્રો કેન્દ્રિત હશે નવી નીતિ
નવી ઉદ્યોગનીતિ વિશે તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે રિન્યૂઅલ એનર્જી અને અન્ય ઉભરાતા ક્ષેત્રો નવી નીતિમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. મેન્યુકલ્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રો તો પાયામા રહેશે. ચીનમાંથી ઉદ્યોગો ખસેડવા માટે જાપાન, અમેરિકા તથા યુરોપિયન દેશોના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા માટે પણ આ નીતિમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

સામાન્ય કિંમતે લાંબી લીઝથી જમીનો આપવાની તૈયારી
નવી ઉદ્યોગનીતિ અંગે સૂત્રોનું કહેવું છેકે, લગભગ તમામ ઉદ્યોગો સંગઠનોએ રાજ્યમાં જમીનના ધરખમ ઉંચા ભાવનો ઉદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે નવા ઉદ્યોગો શરૂ કરવા માટે સામાન્ય કિંમતે લાંબી લીઝથી જમીનો આપવા માટે સરકારે તૈયારી દર્શાવી છે. ઉદ્યોગકારોનો મોંઘી જમીનનો પ્રશ્ન ઉકેલાશે અને ઉદ્યોગો-ઉત્પાદન ઝડપભેર શરૂ થઇ શકશે. આ સિવાય પ્રવર્તમાન નીતિ કરતા પણ ઘણા વધુ લાભો અને રાહતો આપવામાં આવી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...