ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. જેના માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે, ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.
રસીકરણ, ત્રીજી લહેર અને વિકાસની યોજનાઓના અમલની સમીક્ષા
ગુજરાત વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણી તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10,315 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીને ધયાનમા રાખી પટેલ સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે મુખ્યત્વે રસીકરણ, કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારીને લઈને વિવિધ તબક્કે સમીક્ષાઓ કરવામાં આવી રહી છે.
ચૂંટણી ભલે સિમ્બોલ પર ના લડાઈ, સરપંચો પક્ષોના સમર્થક
કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે, તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.
ગુજરાતની ડિસેમ્બર 2021ની ગ્રામ પંચાયતોની અને ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનો નાગરિકોને વધુમાં વધુ લાભ મળતો થાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ભાજપ પેજ પ્રમુખ-પેજ સમિતિની કામગીરી ઝડપભેર કરશે
10,315 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
AAP ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધે છે
ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે. આમ છતાં કેટલાક નેતાઓ પોતાની મેળે કાર્યક્રમો કરી રહ્યા છે, અને સંગઠનમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.