ફૂલ બજારનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજ્યની સૌથી મોટી હોલસેલ ફૂલ બજારમાં 10 હજાર કિલો ફૂલની આવક, ગુલાબનો ભાવ પ્રતિ કિલો બેથી ત્રણ ગણો વધીને રૂ.100થી રૂ.200

અમદાવાદએક મહિનો પહેલા
સામાન્ય દિવસોમાં દૈનિક 10થી 15 ક્વિંટલ સુધીની ફૂલોની આવક થાય છે જે હાલ 10 ગણી વધી છે
  • અમદાવાદની જમાલપુર ફૂલ બજારમાં ફૂલોની આવકમાં 8-10 ગણો વધારો

તહેવારોના સમયમાં રાજ્યના સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જમાલપુર સ્થિત હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં દૈનિક 10 થી 15 ક્વિંટલ સુધીની ફૂલોની આવક થતી હોય છે. તેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક 8થી 10 ગણી વધીને 100 ક્વિંટલ(10 હજાર કિલો) સુધી પહોંચી છે.

દિવાળીના ત્રણથી ચાર દિવસ 100 ક્વિંટલ ફૂલોની આવક
જમાલપુર માર્કેટના હોલસેલ વેપારી જાકીરભાઇએ DivyaBhaskarને જણાવ્યું કે કોરોનાકાળ દરમિયાન ફૂલો પકવતા ખેડૂતો માટે ખૂબ કપરો સમય હતો. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે અને તહેવારોનો સમય આવ્યો છે, તેવામાં ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ફૂલોની આવક તો ડબલ થઇ છે, પરંતુ તેના ભાવ પણ ડબલ થઈ ગયા છે. સામાન્ય દિવસો જમાલપુર ફૂલ માર્કેટમાંથી અંદાજે 10-15 ક્વિંટલ(1000થી 1500) ફૂલની આવક થતી હોય છે. જેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક 100 ક્વિંટલ થઈ ગઈ છે, જે દિવાળીના 3-4 દિવસ સુધી યથાવત રહેતી હોય છે.

જમાલપુર ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ જામી હતી
જમાલપુર ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ જામી હતી

વરસાદને કારણે ફૂલનો પાક નષ્ટ થયો
ફૂલ બજારમાં માત્ર ફૂલોની આવક જ નહીં, પરંતુ તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે તહેવારોના સમયમાં ફૂલોની માંગ વધી જતી હોય છે. તેમજ વરસાદના કારણે ગુલાબના ફૂલનો પાક નષ્ટ થયો છે, જેના કારણે તેના ભાવ વધુ જોવા મળી રહ્યા છે.

ધનતેરસ અને દિવાળીના પૂજનમાં ફૂલોની જરૂરિયાત રહે છે.
ધનતેરસ અને દિવાળીના પૂજનમાં ફૂલોની જરૂરિયાત રહે છે.

અમદાવાદના ગામડાઓ, MP અને મહારાષ્ટ્રથી આવે છે ફૂલો
જમાલપુર ફૂલ માર્કેટના પ્રેસિડેન્ટ રિઝવાન ભાઈનું કહેવું છે કે ધનતેરસ અને દિવાળીના પૂજનમાં તથા વિવિધ પ્રકારના ડેકોરેશનમાં ફૂલોની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઇને ફૂલોના ભાવ હોલસેલ માર્કેટમાં ડબલ થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ જમાલપુર ફુલ માર્કેટમાં અમદાવાદ જિલ્લાના ગામડાઓમાંથી ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ફૂલો આવતા હોય છે. દિવાળીના સમયમાં મુખ્યત્વે ગલગોટા અને ગુલાબના ફૂલોની માંગ રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...