​​​​​​​ગુજરાતના જાંબાઝ અધિકારીનું નિધન:પૂર્વ IG એ.કે જાડેજાનું લિવરની બીમારીથી અવસાન, એક સમયે પોપટીયા વાડમાં જઈને લતીફને પડકાર્યો હતો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ IG એ.કે જાડેજાની ફાઈલ તસવીર - Divya Bhaskar
પૂર્વ IG એ.કે જાડેજાની ફાઈલ તસવીર
  • IGP તરીકે નિવૃત્ત થયેલા એ.કે જાડેજા લીવરની સમસ્યાથી પીડાતા ખાનગી હોસ્પિટલમાં એડમિટ હતા

ગુજરાતમાં એક સમયે લતીફના નામથી લોકો કાંપતા હતા. દારૂનો વેપાર કરતો કરતો લતીફ ક્યારે ડોન બની ગયો તેની કોઈને ખબર જ ન રહી, કારણ કે તેની પાછળ રાજકીય પીઠબળ જવાબદાર હતું. કેટલાય પોલીસ અધિકારીઓ યુનિફોર્મના લતીફના દરબારમાં સલામ મારવા જતા હતા. આ સમયે એક જાંબાઝ અધિકારી તેનાથી સિનિયર મહિલા ઓફિસર સાથે પોપટીયા વાડમાં પહોંચી ગયા, જ્યાં પગ મૂકવો પણ અશક્ય હતું, ત્યાં લોડેડ રિવોલ્વર સાથે લતીફને પડકાર ફેંકનાર તત્કાલીન ડી.વાય.એસ.પી એ.કે જાડેજાની બહાદુરી આજે પણ પોલીસ બેડામાં એક પ્રેરણાદાયી કિસ્સા તરીકે જાણીતી છે.

એવા એ.કે જાડેજા IGP તરીકે નિવૃત્ત થયા બાદ થોડા સમયથી લીવરની સમસ્યાથી બીમાર હતા. જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. નિવૃત્તિ બાદ પણ પોલીસ બેડામાં આજે પણ તેમનું નામ એક આદર તરીકે લેવાઈ છે.

લિવરની બીમારીથી પીડાતા એ.કે જાડેજા હોસ્પિટલમાં એડમિટ હતા
પોતાની કારકિર્દીમાં અનેક જગ્યાએ એ.કે જાડેજાએ મહત્વની તપાસ અને કામ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ લિવરની બિમારીથી પરેશાન હતા. એમને થોડાક દિવસથી ઘરના નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ રિકવરી આવી રહી ન હતી. ગઈકાલે મોડીરાતે તેમની તબિયત વધુ લથડતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એ.કે જાડેજાના નિધન બાદ પોલીસ બેડામાં પણ દુઃખની લાગણી પ્રસરી ગઇ છે. આજે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.

ગુજરાતના મહત્વના કેસ જેમાં જાણીતા પોલીસ અધિકારીઓના નામ આવે તેમાં એ.કે જાડેજાનું નામ પણ પ્રથમ હરોળમાં આવે છે. પીએસઆઈ તરીકે શરૂ કરેલી કારકિર્દી બાદ તેમણે ડીવાયએસપી તરીકે પણ અમદાવાદ શહેરમાં ફરજ બજાવી હતી. એ.કે જાડેજા મૂળ ફિલ્ડ ઓફિસર હોય તે દરેક વ્યક્તિને સમાન રીતે જોતા હતા. પછી તે કોન્સ્ટેબલ હોય કે સામાન્ય વ્યક્તિ દરેકની સમસ્યા માટે તેઓ વ્યક્તિગત ધ્યાન લેતા હતા.

લતીફના ઘરે જઈને તેને પડકાર ફેંક્યો હતો
અમદાવાદ શહેરમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે દરિયાપુર વિસ્તારમાં લતીફનું સામ્રાજ્ય હતું. તેમના અધિકારી ગીતા જોહરી હતા એમણે નક્કી કર્યું હતું કે, લતીફને તેના ઘરમાં જઈને જ ડામી દેવો જેનાથી તેનું વર્ચસ્વ ખતમ થઈ જાય અને આ આખા ઓપરેશનમાં ગીતા જોહરીની સાથે એ.કે જાડેજા લોડેડ રિવોલ્વર સાથે રિક્ષામાં બેસીને લતીફના ઘરે પોપટીયા વાડ પહોંચી ગયા હતા.

અંદર પહોંચી ગયા બાદ લતીફ અંદર ક્યાં રહે છે તે જાણવા માટે એ.કે જાડેજા પોતાની લોડેડ રિવોલ્વર બહાર કાઢીને બૂમ પાડી હતી. તેમની સાથે બીજા પોલીસ કોન્સ્ટેબલ હતા પણ એ.કે જાડેજાની બુમ સંભળાતા જ લતીફ ત્યાંથી ભાગી ગયો, બીજી તરફ આ વાત ધીમે ધીમે સમગ્ર શહેર વિસ્તારમાં ફેલાવા લાગી તેમ છતાં એક પોલીસ અધિકારી તરીકે અન્ય પોલીસનું મોરલ ડાઉન ના થાય તે માટે બિન્દાસ પોપટિયા વાળમાંથી એ.કે જાડેજા સર્ચ કરીને બહાર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...