ભાસ્કર ઓરિજિનલ:ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન, સંપત્તિ 160 લાખ કરોડ; સોના-ચાંદી, જમીન-મકાન, રોકડ-બેન્ક બચત તથા શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે મળીને

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક દાયકામાં રિચ લિસ્ટની યાદીમાં ગુજરાતીઓની સંખ્યામાં 15 ગણો વધારો થયો
  • GDPમાં 10%નો વૃદ્ધિદર અને માથાદીઠ આવકમાં 5 વર્ષમાં 35%નો વધારો

વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત પાંચમા ક્રમે છે. દેશમાં ગુજરાતની સમૃદ્ધિ મોખરાનું સ્થાન ધરાવે છે એમ કહેવું ખોટું નથી. ગુજરાતી માત્ર વેપાર કરવામાં જ નહિ, બચત તેમજ ખર્ચ કરવામાં પણ માહેર છે. દરેક ક્ષેત્રના નિષ્ણાતોના અંદાજ મુજબ, ગુજરાતમાં કુલ સંપત્તિ અંદાજે રૂપિયા 158-160 લાખ કરોડથી વધારે હશે.

વિશ્વભરમાં ધનિકોની યાદીમાં ગુજરાતીઓ મોખરે
આ સંપત્તિમાં જમીન-મકાન, સોના-ચાંદી, રોકડ-બેન્ક એફડી તેમજ શેર્સ-મ્યુચ્યુઅલ ફંડ્સ બધું મળીને ગણતરી કરવામાં આવી છે. ગુજરાતનું અર્થતંત્ર અંદાજે 18 લાખ કરોડનું છે, જેમાં 50 ટકાથી વધુ હિસ્સો ખમીરવંતા ગુજરાતી ઉદ્યોગકારોના સેક્ટરનો રહેલો છે. ફાર્મા, કેમિકલ્સ, સિરામિક, ટેક્સટાઇલ, ડાયમંડ, એગ્રી, ઓટો-એન્સિલરી સેક્ટરમાં ગુજરાતી ઉદ્યોગકારો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. વિશ્વભરમાં ધનિકોની યાદીમાં ગુજરાતીઓ મોખરાના સ્થાને છે.

પાંચ વર્ષમાં 250ની સપાટી ક્રોસ કરશે
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ IIFL વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ-2021ની યાદીમાં 22 નવા ગુજરાતીઓનો સમાવેશ થયો છે. 10 વર્ષ પહેલાં માત્ર પાંચ લોકો જ રિચ લિસ્ટની યાદીમાં હતા, જ્યારે અત્યારે આ સંખ્યા વધીને 75 સુધી પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા 250ની સપાટી ક્રોસ કરી જશે એવો અંદાજ છે. ગુજરાત આજે ઇકોનોમિક ગ્રોથનું એન્જિન ગુજરાત ગણાય છે. GDPમાં 10 ટકાનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકમાં 5 વર્ષમાં 35 ટકાનો વધારો રાજ્યમાં નોંધાયો છે.

ગુજરાતીઓના વયજૂથ મુજબના રોકાણને આ રીતે સમજો...

વયજૂથરોકાણહિસ્સોશા માટે
20-25બેન્ક એફડી, રોકડ75%ઉચ્ચ અભ્યાસની તૈયારી અર્થે
25-35શેર, MF, સોના-ચાંદી60-70%

ઝડપી કમાણી માટે, મેરેજ માટે સોનાને પ્રાધાન્ય

35-45મકાન-જમીન, સોના-ચાંદી75-80%

પ્રોપર્ટી માટે જમીન-મકાન, સલામતી માટે સોના-ચાંદી

45-55PPF-LIC, બેન્ક એફડી70-75%

રિટાયરમેન્ટ પ્લાનિંગ તથા વેલ્થ ક્રિએશન અર્થે

55-65બેન્ક એફડી, રોકાડ80-85%

જરૂરિયાત સમયે ઝડપી નાણાં મળી રહે તે હેતુથી

સોના-ચાંદી ગુજરાતીઓ પાસે અંદાજે 50 લાખ કરોડ
દેશમાં હાઉસહોલ્ડ, મંદિરોમાં સોનાનો કુલ જથ્થો 27 હજાર ટનથી વધુનો રહ્યો છે, જેમાં ગુજરાતીઓ પાસે અંદાજે 7000 ટનથી વધુ સોનું પડ્યું છે. એક કિલો સોનાની કિંમત અંદાજે રૂ.48 લાખ ગણીએ તોપણ ગુજરાતીઓ કુલ રૂ. 35 લાખ કરોડનું સોનું ધરાવે છે, જ્યારે ચાંદી અંદાજે 14-15 લાખ કરોડની છે. ગુજરાતીઓ પાસે 50 લાખ કરોડની વેલ્યુ માત્ર સોના-ચાંદીમાં જ છે.

જમીન-મકાન, ખેતીની જમીનની 58-60 લાખ કરોડની મિલકતો
એક પરિવારમાં 4 લોકોના સમાવેશને ધ્યાનમાં રાખીએ તોપણ 1.75 કરોડથી વધુ મકાનો છે, જેની અત્યારની સ્થિતિ અનુસાર એક મકાનની કિંમત રૂ. 23-25 લાખને ધ્યાનમાં લઇએ તોપણ રૂ. 35 લાખ કરોડથી વધુની કિંમતના મકાન, જમીન-પ્લોટની કિંમતમાં રૂ. 14-15 લાખ કરોડનું રોકાણ જ્યારે ગુજરાતના 50 લાખ ખેડૂતો પાસે ખેતીની જમીનની કિંમત અંદાજે રૂ. 5 લાખ કરોડની છે. આમ, રિયલ એસ્ટેટમાં જ જોઇએ તો કુલ રૂ. 58-60 લાખ કરોડના જમીન-મકાન છે.

રોકડ તથા બેન્ક એફડી મળીને કુલ 20 લાખ કરોડ
ગુજરાતીઓ હાથ પર રોકડ રાખવામાં વધુ માને છે ગમે ત્યારે ગમે તે સમયે વેપાર, આકસ્મિક જરૂરિયાત સમયે રોકડ જ કામ આવે છે. એને ધ્યાનમાં લેતાં ગુજરાતીઓ પાસે અંદાજે રૂ. 10 લાખ કરોડ સુધીની બેન્ક ડિપોઝિટ તેમજ રૂ. 8-10 લાખ કરોડની રોકડ હોવાનું તારણ મળ્યું છે.

શેર્સ-મ્યુચ્યુઅલ ફંડ્સમાં 30 લાખ કરોડથી વધુ
બીએસઇ ખાતે દેશના કુલ આઠ કરોડ ડિમેટધારકોમાં એક કરોડથી વધુ ડિમેટ ધારકો ગુજરાતના છે તેના અનુસંધાને કુલ બીએસઇની 275 લાખ કરોડની માર્કેટકેપને ધ્યાનમાં લેતા ગુજરાતીઓનો હિસ્સો 10-12 ટકા ગણવામાં આવે તો પણ રૂ. 28 લાખ કરોડથી વધુની માર્કેટકેપ એકલા ગુજરાતીઓની જ છે. મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ રૂ. 35 લાખ કરોડ આસપાસ છે જેમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા ધ્યાનમાં લેતાં રૂ. 3-3.5 લાખ કરોડનું રોકાણ છે.

એક્સપર્ટ શું કહે છે...
ગુજરાતીઓ બચતમાં પાવરધા, ટેક્નોલોજી યુગમાં પરિવર્તન

વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સમૃદ્ધિના ગુણગાન ગવાય રહ્યા છે, જેની પાછળનું એક જ કારણ છે ગુજરાતીઓ અત્યાર સુધી બચતમાં મોખરે રહ્યા છે, પરંતુ ટેક્નોલોજીના યુગને કારણે પરિવર્તન જોવા મળી રહ્યું છે. યંગ જનરેશન બચત કરતાં ખર્ચને સૌથી વધુ મહત્ત્વ આપી રહ્યા છે જેને કારણે આવનારા સમયમાં બચત રેશિયો ઘટે તો નવાઇ નહીં. બચતના બદલે હવે નોલેજ ઇકોનોમીનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં ગુજરાત હજુ પાછળ છે. - સુનીલ પારેખ, ફાઉન્ડિંગ ક્યુરેટર, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ઇકોનોમિક એડવાઇઝર.

સેવિંગ-ખર્ચ સાથે રિસ્કમાં ટોચે, વેલ્થ ક્રિએશનમાં પણ ગુજરાતી
ગુજરાતીઓની ગળથૂથીમાં બચત વણાયેલી છે, જેને કારણે વિશ્વમાં ગુજરાતીઓ સૌથી વધારે સમૃદ્ધ છે. બચત સાથે ખર્ચ અને વેપારમાં પણ આગળ પડતા છે. એટલું જ નહીં, રિસ્ક લેવામાં પણ ગુજરાતી અવ્વલ છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતીઓમાં જે વેલ્થ ક્રિએશન આવ્યું છે એની પાછળનું કારણ શેરમાં રોકાણ છે. દેશનો ગ્રોથ 6-7 ટકા છે ત્યારે ગુજરાતનો ગ્રોથ 12-14 ટકા રહ્યો છે. યંગ જનરેશનમાં પરિવર્તન આવ્યું છે અને બચત કરતાં ખર્ચનું પ્રમાણ બમણું રહ્યું છે. - યમલ વ્યાસ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.

અન્ય સમાચારો પણ છે...