રજની રિપોર્ટર:દુબઇ ખાતેનાા એક્સ્પોમાં ગુજરાતનો ફ્લોપ શો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારે મોટે ઉપાડે દુબઇમાં યોજાયેલાં એક્સ્પોમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને ત્યાં સાત સિનિયર અધિકારીઓને મોકલવાનો નિર્ણય કર્યો. પરંતુ ત્રણ અધિકારીઓ તો આ પ્રવાસમાંથી જાતે જ ખસી ગયા અને જૂનિયર અધિકારીઓને અહીં મોકલી અપાયા. હવે સચિવાલયના સિનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો કોઇ ફાયદો થયો નથી, કારણ કે આ પ્લેટફોર્મથી ગુજરાત ખાસ રોકાણકાર સમુદાય સુધી પહોંચી શક્યું નથી. ગુજરાતની હાજરી આ માત્ર ઔપચારિકતા પૂરતી જ રહી. હવે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારો અને ભાગીદાર દેશોને આકર્ષવા માટે પોતાની રીતે જ રસ્તો તૈયાર કરવા વિચારી રહી છે.

પૂર્ણેશ મોદીએ નીતિન પટેલે ગોઠવેલું તંત્ર વિખેરી નાખ્યું
થોડા સમય પહેલાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં ડઝનેક અધિકારીઓની આંતરિક બદલી કરી દેવાઇ. સચિવાલયમાં થતાં ગણગણાટ મુજબ અમુક વર્ષોથી માર્ગ અને મકાન વિભાગ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે હતો અને તેમણે આ અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપી હતી. રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગનું તંત્ર નીતિન પટેલની સૂચના મુજબ જ ચાલતું હતું. પરંતુ નવી સરકારમાં આ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી પૂર્ણેશ મોદીએ નીતિન પટેલે ગોઠવેલાં અધિકારીઓના આ તંત્રને વિખેરી નાંખ્યું અને તેને સ્થાને અન્ય અધિકારીઓને આ હોદ્દાઓ પર ગોઠવી દીધાં છે. ગુજરાતમાં ચોમાસા બાદ વિવિધ વિસ્તારોમાં રોડને થયેલાં નુકસાનના સમારકામ માટે પૂર્ણેશ મોદીએ એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. હવે પછી રાજ્યમાં નવા માર્ગો અને સરકારી ઇમારતો બનાવવાની જવાબદારી પૂર્ણેશ મોદીએ આ નવા તંત્રને માથે નાખી છે.

મેવાણીના નિવેદનથી સિનિયર કોંગી નેતા નારાજ
વડગામના અપક્ષ ધારાસભ્ય વૈચારિક રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મેવાણી કહે છે કે તેઓ વૈચારિક રીતે જ કોંગ્રેસમાં જોડાયા છે, પણ તેમણે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર જે વિચારો વ્યક્ત કર્યાં તેનાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો અણગમો સામે આવ્યો છે. મેવાણીએ અહીંથી ભાષણ કરતાં હિન્દુ ધર્મ વિરોધી કેટલીક બાબતો કહી હતી જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં ચિંતા પેઠી છે. ગઇ ચૂંટણીમાં રાહુલ ગાંધી ગુજરાતના મંદિરે મંદિરે ફરતા હતા અને ક્યાંક જનોઇ પણ ધારણ કરી લીધી હતી, તેને બદલે મેવાણીએ જે ભાંગરો વાટ્યો તેને કારણે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ હવે હાઇ કમાન્ડને મેવાણીની રાવ કરવાનું વિચારી રહ્યા છે. મેવાણીના આ નિવેદનો અંગે ભાજપમાંથી કોઇ મોટી પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગમે ત્યારે આ મુદ્દો ચગે તો કોંગ્રેસને પાટીદાર સહિતના સવર્ણ સમાજના રોષનો સામનો કરવો પડી શકે તેવો ફફડાટ પેઠો છે.

1 મહિનાથી અશ્વિનીકુમાર પોસ્ટિંગ વિનાના બેઠા છે
નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગાઉ કામ કરતાં સચિવ અશ્વિની કુમાર ઉપરાંત અન્ય બે આઇએએસ અધિકારીઓ દિપેશ શાહ અને કલમ શાહની નિયમિત નિયુક્તિ કરતો કોઇ હુકમ ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો નથી. આ અધિકારીઓ હાલ પણ વર્ક ફ્રોમ હોમ જ કરી રહ્યા છે, તેવું કેટલાંક સિનિયર અધિકારીઓ મૂછમાં મલકીને કહે છે. આ ત્રણેય અધિકારીઓની નિયુક્તિ નથી છતાં સરકાર તેમને યથાયોગ્ય વેતન ચૂકવતી રહેશે, પરંતુ તેમને માથે કોઇ ચોક્કસ જવાબદારી રહેશે નહીં. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે રહેલા મનોજ કુમાર દાસને પણ નિયમિત નિયુક્તિ મળી નથી, પરંતુ રૂપાણી સરકારે તેમની જે-તે વખતે ઉદ્યોગ વિભાગમાંથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં બદલી કરી હતી તે હવાલો હજુ તેઓ સંભાળી રહ્યા છે અને તેઓ સરકારમાં તેમના વિભાગની નિયમિત પ્રવૃત્તિમાં જવાબદારી અદા કરે છે.

સામાન્ય વહીવટના અધિકારીઓએ ભાંગરો વાટ્યો, રાકેશના ધ્યાને ન આવ્યું
થોડા દિવસ પહેલાં મંત્રીઓના પીએ-પીએસની નિમણૂકોના હુકમો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યાં. આ હુકમો મંત્રીઓએ પોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળ્યાના એક મહિના બાદ થયાં, પરંતુ તે ઓર્ડરોમાં પણ ઘણી બધી ભૂલો રહી ગઇ હતી. આ ભૂલ બે દિવસે વિભાગે સુધારી. આ ઓર્ડર તૈયાર કરવામાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓએ ભાંગરો વાટતા જે અધિકારીઓની મંત્રીઓના પીએ-પીએસ તરીકે નિમણૂક થઇ હતી તે પૈકી 12ના નામ અને હોદ્દાઓ ખોટાં લખ્યા હતા. આ ઓર્ડર રિલીઝ થયાં બાદ બે દિવસે વિભાગના ધ્યાને આવતાં જે-તે નામ અને હોદ્દાની સ્પષ્ટતા અને સુધારા સાથેનો હુકમ ફરી કરવામાં આવ્યો હતો. સામાન્ય વહીવટ વિભાગના વડા એ કે રાકેશ માટે રાજ્ય સરકારને ઘણી અપેક્ષાઓ છે, પરંતુ તેમનો પોતાના વિભાગના નીચેના અધિકારીઓ પર ખાસ કોઇ કડપ કે નિયંત્રણ નથી તેવું લાગી રહ્યું હોવાનું અન્ય સિનિયર અધિકારી જણાવે છે. સચિવાલયમાં જ કામ કરતાં અમુક અધિકારીઓની નિમણૂંક મંત્રીઓના પીએ-પીએસ તરીકે થઇ હોવા છતાં તેમના નામ અને હોદ્દાઓમાં પણ ગરબડો થઇ હતી. સામાન્ય વહીવય વિભાગની ભૂમિકા સરકારના તમામ વિભાગોમાં ચાવીરૂપ ગણાય છે આથી ભવિષ્યમાં અન્ય મહત્ત્વના હુકમોમાં જો આવી ગરબડ થાય તો સરકારનું જ ખરાબ દેખાય.

રિટાયરમેન્ટ બાદ વર્ષોથી સરકારમાં રહેલા અધિકારીઓની છટણી ચાલુ
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે ઘણાં વર્ષોથી અને નિવૃત્તિ બાદ પણ ચોક્કસ જગ્યાઓ પર કામ કરતાં અધિકારીઓની બદલી કરવી અથવા તેમને છૂટા કરવાં. જે પ્રમાણે ગયા અઠવાડિયે સરકારે છ વર્ષથી જળસંપત્તિ વિભાગમાં ફરજ બજાવતાં એમ કે જાદવને ત્વરિત ઓર્ડરથી છૂટા કરી દેવાયા છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે હવે ધીરેધીરે સરકાર અન્ય વિભાગોમાં પણ આ કાર્યવાહી કરી વર્ષોથી ત્યાં સચિવ કે અન્ય મહત્ત્વના હોદ્દા પર રહેલાં અધિકારીઓને ખસેડી દેશે. જો કે આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર આવાં નિવૃત્ત અધિકારીઓની નિયુક્તિના હુકમો કરી દીધાં છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે અમુક અધિકારીઓ ચોક્કસ રાજકીય નેતાઓ સાથે વર્ષોથી સંબંધ ધરાવતાં હોવાથી તેઓ વર્ષોવર્ષ એક જ સ્થળે રહેતા હતા, પરંતુ હવેની સરકાર આ પ્રકારની બાબતો ચલાવવા બાબતે અસંવેદનશીલ છે અને હવે દિવાળી સુધીમાં સરકાર આવાં કંઇ કેટલાંય બાવા-જાળાં સાફ કરી નાખશે.

ગુજરાત કેડરના રવિ અરોરા મોદી સરકારના નવા મંત્રીઓના હોટ ફેવરિટ
ગુજરાત કેડરના 2006 કેડરના આઇએએસ રવિ અરોરા હાલ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીઓના હોટ ફેવરિટ બની ગયા છે. અરોરા હાલ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે અને હાલમાં તેઓ કેન્દ્રની યુનિયન હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત છે. અરોરા કેન્દ્રીય મંત્રીઓમાં ફેવરિટ બન્યા હોવાનું કારણ એ છે કે મોદી સરકારમાં નવા મંત્રી બનેલાં સહુને દિલ્હીમાં આવાસ અને બંગલો ફાળવવાની જવાબદારી તેમના માથે છે. ગુજરાતમાંથી મંત્રી બનેલા એક નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં મંત્રી તરીકે બંગલો લેવો એ પ્રતિષ્ઠાની બાબત બને છે અને બંગલા પ્રમાણે જે તે મંત્રીનો વટ રહે છે. સારા લોકેશન પર મોટો બંગલો મેળવવા માટે રવિ અરોરા પાસે આ મંત્રીઓને સારી એવી અપેક્ષા છે. અરોરા ગુજરાત સાથે કનેક્શન ધરાવતા હોવાનો લાભ પણ મંત્રીઓ ઉઠાવવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...