ઘર આંગણે સેવા મળશે:અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ગુજરાતનું સૌથી પહેલું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ થશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર હવે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ્સના સહયોગથી ગુજરાતમાં સૌપ્રથમ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. તેની સાથે તે હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવાનું આયોજન પણ છે.

નાના આંતરડાના ટ્રાન્સપ્લાન્ટની સર્વિસ પણ શરૂ કરવાની તૈયારી
શેલ્બી હોસ્પિટલ્સના ગ્રુપ CEO ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે હેન્ડ ટ્રાન્સ પ્લાન્ટેશન સેન્ટરની જરૂર છે. અત્યારે ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિઝર માટે ડોનેટ કરાયેલા હાથ બીજા રાજ્યમાં લઈ જવામાં આવે છે. અમારું સેન્ટર શરૂ થશે પછી ગુજરાતમાં હેન્ડ ટ્રાન્સ પ્લાન્ટેશનની જરૂર હોય તેવા દર્દીઓને ગુજરાતમાં જ આ સુવિધા મળી શકશે. આ ઉપરાંત ગ્લોબલ હોસ્પિટલ્સ મુંબઈ સાથે અમારા સહયોગથી તેમના અનુભવી અને તાલીમબદ્ધ લિવર ટ્રાન્સપ્લાન્ટના એક્સપર્ટ્સ પણ નિયમિત રીતે ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતમાં સારામાં સારી હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા મળશે. હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આગામી સમયમાં અમે શેલ્બી હોસ્પિટલમાં પેન્ક્રિયા (સ્વાદુપિંડ) અને નાના આંતરડાના ટ્રાન્સપ્લાન્ટની સર્વિસ પણ શરૂ કરવાની તૈયારી છે.

કુશળતાથી ગુજરાતમાં પ્રથમ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનું સર્જન થયું
મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પરેલના HOD અને સિનિયર કન્સલ્ટન્ટ, પ્લાસ્ટિક, હેન્ડ, રિકન્સ્ટ્રક્ટિવ માઈક્રોસર્જરી અને ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ડો. નિલેશસત ભાઈએ જણાવ્યું છે કે, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટમાં મોટી ટીમની જરૂર પડે છે અને ટીમના તમામ સભ્યો વચ્ચે અત્યંત સંકલનની જરૂર પડે છે. હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એક જટિલ પ્રોસિઝર છે અને પસંદ કરવામાં આવેલી વ્યક્તિ માટે તે જીવન બદલી નાખે છે. શેલ્બી હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે આ માટે એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગ્લોબલ હોસ્પિટલ્સ મુંબઈની સર્જિકલ ટીમ, ક્રિટિકલ કેર ટીમ અને નર્સિંગ ટીમની કુશળતાથી ગુજરાતમાં પ્રથમ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનું સર્જન થયું છે.

બન્ને હાથ કપાય ગયા હોય તેવા લોકો માટે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એક વરદાન
શેલ્બી હોસ્પિટલના પ્લાસ્ટિક અને રિ-કન્સ્ટ્રક્ટિવ સર્જન ડો. હાર્દિક ડોડિયાએ જણાવ્યું છે કે, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એ એવા લોકો માટે સારવારનો વિકલ્પ છે કે જેમણે અકસ્માત, દાઝી જવાથી અથવા આવા અન્ય કારણોને લીધે બન્ને ઉપલા અંગો ગુમાવ્યા છે. હેન્ડ ટ્રાન્સ પ્લાન્ટેશનમાં વ્યક્તિ બ્રેઈન ડેડ દાતા પાસેથી હાથ મેળવે છે જે HLA અને બ્લડ ગ્રુપ સાથે મેળ ખાય છે. તે અન્ય અંગ પ્રત્યારોપણ કરતાં અલગ છે. કારણ કે, તે કમ્પોઝિટટિશ્યુ એલો ટ્રાન્સ પ્લાન્ટેશન છે. અહીં પેશીઓમાં એન્ટિ જેનિસિટીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સફળ હેન્ડ ટ્રાન્સ પ્લાન્ટેશન પછી દર્દીઓ એક વર્ષ માટે સઘન ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરપી મેળવે છે. આથી તેઓ રોજિંદી પ્રવૃત્તિ કરવા સક્ષમ બને છે. ખરેખર જેમના બન્ને હાથ કપાય ગયા છે તેવા લોકો માટે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એક વરદાન છે.

અન્ય સમાચારો પણ છે...