રાજ્યની જીટીયુ સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં વ્યક્તિગતરીતે હાજર રહીંને કે ઓન લાઇન પરીક્ષા લેવાની બુધવારે મળેલી કેબિનેટમાં મંજૂરી અપાઇ હતી. આ નિર્ણય લેવાયાને હજુ માંડ બે કલાક થયા હશે ત્યાં જ કેન્દ્ર સરકારે વ્યક્તિગત હાજર રહીંને પરીક્ષા લેવાના નિર્ણયને રૂક જાવનો આદેશ કર્યો હતો.જેનાપગલે જીટીયુ સહિતની યુનિ.ઓમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. સિક્કાની બીજી બાજુ,એમસીઆઇની ગાઇડલાઇન પ્રમાણે અત્યારે ગુજરાત યુનિ. દ્વારા વિવિધ પેરામેડિકલ અભ્યાસક્રમની પરીક્ષા લેવાઇ રહી છે.
જીટીયુ દ્વારા રાજ્યભરમાં ડિગ્રી અને ડિપ્લોમાં ઇજનેરીના છેલ્લા સેમેસ્ટરના આશરે 56 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષાનો વ્યક્તિગત હાજર રહીને તા. 2 જુલાઇથી આરંભ થવાનો હતો. ગોધરાની ગુરુગોવિંદ યુનિ. અ્ને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.માં પણ પરીક્ષા લેવાનાર હતી. એનએસયુઆઇ દ્વારા જીટીયુની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આમછતાં રાજ્ય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં બપોરે જીટીયુની તા. 2 જુલાઇથી લેવાનારી પરીક્ષાને આરંભ કરવાનો નિર્ણય લેવાયો હોવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. આ જાહેરાતના લગભગ બે કલાક પછી કેન્દ્રીય શિક્ષણ સચિવે તાત્કાલિક પગલા લઇને પરીક્ષા મોકૂફ રાખવાનો આદેશ કર્યો હતો.
પરીક્ષા મોકૂફ રાખવા પાછળ દેશભરની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા જળવાઈ રહે તેવું કારણ રજૂ કરાયું છે. જો કે, એક બાબત તો સ્પષ્ટ છે કે, કેન્દ્ર સરકારની જ ગાઇડલાઇન છે કે, કોલેજો-શાળાઓમાં વિદ્યાર્થીઓને હાજર રાખવા નહીં. આ ગાઇડલાઇનનો પણ ભંગ થતો હોવાથી પરીક્ષા મોકૂફ રાખવા સિવાય કોઇ વિકલ્પ હતો નહીં. હવે પછી ક્યારે પરીક્ષા લેવાશે તેની આગામી દિવસોમાં જાહેરાત કરાશે.
ઇજનેરીની નહીં, પેરામેડિકલ-મેડિકલની પરીક્ષા લેવાશે !
રાજ્યમાં ડિગ્રી-ડિપ્લોમાં ઇજનેરીની પરીક્ષા મોકૂફ રખાઇ છે. જ્યારે ગુજરાત યુનિ. દ્વારા હાલમાં લેવાતી નર્સિંગ, ઓપ્ટ્રોમેટ્રી,ફિઝિયોથેરાપીની પરીક્ષા યથાવત્ રખાઇ છે. ઉપરાંત જુલાઇમાં એમબીબીએસ,ડેન્ટલની લેવાનારી પરીક્ષા પણ યથાવત્ રખાઇ છે. સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે એમસીઆઇ પરીક્ષા લેવાની મંજૂરી આપે છે,કારણ કે, કોરોના સંક્રમણકાળમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ પાસ થાય તેમને સીધા મેડિકલ સેવામાં મૂકી શકાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.