ભાસ્કર વિશેષ:નોન શિડ્યૂલ એરક્રાફ્ટના પાઈલટ બનવામાં ગુજરાતનો ફાળો દેશમાં 5 ટકાથી પણ ઓછો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેશમાં દર વર્ષે 1200 પાઈલટની જરૂરિયાત સામે ગુજરાતના 75 મળી 400 પાઈલટ તૈયાર થાય છે

ભારત આગામી દિવસોમાં વિશ્વનું સૌથુ મોટું એવિએશન માર્કેટ બનવાનું છે. ત્યારે તેની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાલમાં પાઈલટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓછા હોવાની સાથે એરક્રાફ્ટની સંખ્યા ઓછી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગની માહિતી મુજબ અમદાવાદમાં 20 સહિત ગુજરાતમાં 25 મળી દેશમાં 550 જેટલા નોનશિડ્યુલ્ડ (નાના) એરક્રાફ્ટ છે. એટલે કે દેશમાં કુલ નોનશિડ્યુલ્ડ એરક્રાફ્ટમાં ગુજરાતનો ફાળો 5 ટકાથી પણ ઓછો છે. જ્યારે દેશમાં પેસેન્જર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પાસે 660 જેટલા એરક્રાફ્ટ છે.

કોમર્શિયલ પાઈલટની ટ્રેનિંગ આપતા ફ્લાઈંગ ઈન્સ્ટિટ્યૂટની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. ગુજરાતમાં મહેસાણા અને વડોદરામાં મળી બે સહિત દેશમાં 32 જેટલી ઈન્સ્ટિટ્યૂટમાં પાઈલટની ટ્રેનિંગ અપાય છે. હાલ દેશમાં દર વર્ષે 1200 જેટલા પાઈલટ્સની જરૂરિયાત સામે ગુજરાતમાં 75થી 80 પાઈલટ મળી 400 જેટલા જ પાઈલટ તૈયાર થઈ રહ્યા છે.

મોટી સંખ્યામાં પાઈલટ્સને ટ્રેનિંગ આપવા 400 એરક્રાફ્ટની જરૂરિયાત સામે દેશમાં ફક્ત 120 જેટલા જ એરક્રાફ્ટ છે. જ્યારે ગુજરાતમાં આ એરક્રાફ્ટની સંખ્યા 7.5 ટકા એટલે કે ફક્ત 9 જ છે. દેશમાં નોન શિડ્યુલ્ડ એરક્રાફ્ટ દ્વારા એર ચાર્ટર્ડ સર્વિસ પૂરી પાડતી કંપનીઓની સંખ્યા ફક્ત 99 છે. જ્યારે ગુજરાતમાં વડોદરામાં 1, સુરતમાં 1 તેમજ અમદાવાદમાં 5 મળી કુલ 7 કંપની છે જે ચાર્ટર્ડ સર્વિસ આપે છે.

ભારતમાં નોનશિડ્યુલ એવિએશનનો હિસ્સો ખૂબ ઓછો
દેશમાં એવિએશન સેક્ટરને 3 ભાગમાં વહેંચી શકાય છે જેમાં પહેલો ડિફેન્સ જેમાં સૈનિક વિમાનોનો સમાવેશ થાય છે. બીજા નંબરે સિવિલ એવિએશન આવે છે. ત્રીજા નંબરે જનરલ એવિએશન આવે છે જેમાં નાના ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપનીનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટની સંખ્યા સૌથી વધુ જનરલ એવિએશન ક્ષેત્રે લગભગ 90 ટકા છે, સિવિલ એવિએશન ક્ષેત્રે ફક્ત 10 ટકા છે. તેની સામે ભારતમાં સ્થિતિ વિપરિત છે અને જનરલ એવિએશન ક્ષેત્રે 45 ટકાની સામે સિવિલ એવિએશન ક્ષેત્રે 55 ટકા હિસ્સો છે.

ગુજરાતમાં હેલિકોપ્ટર સર્વિસ માટે ફક્ત 2 હેલિકોપ્ટર
દેશભરમાં હેલિકોપ્ટરથી ચાર્ટર્ડ સર્વિસ માટે 500 જેટલા હેલિકોપ્ટરની જરૂરિયાત સામે હાલમાં ચાર્ટર્ડ સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પાસે 230 હેલિકોપ્ટર છે. ગુજરાતમાં તો હેલિકોપ્ટરની સંખ્યા 1 ટકાથી પણ ઓછી એટલે કે 2 જ છે. જ્યારે અન્ય એક હેલિકોપ્ટર જાણીતી કંપની પાસે છે, જે પર્સનલ ઉપયોગમાં લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...