કાતિલ ઠંડીનું મોજું:ગુજરાતીઓ ઉત્તરાયણના બે દિવસ બરાબર ઠૂંઠવાશે, 16થી 18 જાન્યુઆરી સુધી ફરીવાર કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ5 મહિનો પહેલા
  • 24 કલાકમાં જ લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયો
  • બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે

ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે. ગત રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે.

હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.

માઉન્ટ આબુમાં માયનસ બે ડિગ્રી તાપમાન
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાપમાન માઈનસમાં જતાં ઠેરઠેર કાર પર બરફની ચાદર પથરાઈ હતી. તો વૃક્ષોના પાંદડા પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડયા હતા. જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો.પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જો કે માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે.

9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો
અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઠંડા પવનની અસરથી અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. શહેરમાં ફરી એકવાર 9.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 24.8 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ઠંડા પવનની અસરને કારણે રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયો હતો. રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

છેલ્લે ગુજરાતના 16 તાલુકામાં માવઠું થયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.5 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 3 દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી.

ઠંડી વધતાં લોકોએ તાપણાંનો સહારો લીધો હતો ( પ્રતિકાત્મક તસવીર)
ઠંડી વધતાં લોકોએ તાપણાંનો સહારો લીધો હતો ( પ્રતિકાત્મક તસવીર)

રાજ્યના મુખ્ય શહેરોમાં આજનું તાપમાન

શહેરમહત્તમતાપમાન
અમદાવાદ21 ડિગ્રી10 ડિગ્રી
ગાંધીનગર21 ડિગ્રી10 ડિગ્રી
વડોદરા21 ડિગ્રી9 ડિગ્રી
રાજકોટ23 ડિગ્રી10 ડિગ્રી
મહેસાણા22 ડિગ્રી7 ડિગ્રી
સુરત26 ડિગ્રી12 ડિગ્રી
પાટણ23 ડિગ્રી7 ડિગ્રી
ભુજ23 ડિગ્રી9 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...