ગાયકો માટે ફિક્કી નવરાત્રિ:શેરી ગરબામાં ખેલૈયાઓ મેદાનમાં સિંગરો ઘરમાં, ભાઈ-ભાઈ અને ટીમલી આ વર્ષ માત્ર ટેપમાં જ સંભળાશે, જાણો શું કહે છે સિંગરો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • પાર્ટી પ્લોટ, ક્લબ બંધ રહેતા ગુજરાતી સિંગરો મુશ્કેલીમાં, કોઈને મળી બે ઈવેન્ટ તો કોઈ માત્ર વર્ચ્યુઅલ ગરબા કરશે
  • આ બાબતે સિંગર અરવિંદ વેગડા, રાજલ બારોટ અને જિગર દાન ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી

કોરોનાને કારણે તહેવાર પર અસર પડી છે જેમાં આ વર્ષે નવરાત્રિની પરવાનગી આપી છે પરંતુ તે પરવાનગી શેરી ગરબા સુધી જ મર્યાદિત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોમર્શિયલ ગરબા આ વર્ષે નહિ યોજાય જેથી ગાયક કલાકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની રમઝટ કરાવતા ગાયક કલાકારોની આવક પર આ વર્ષે માઠી અસર જોવા મળશે. દિવ્ય ભાસ્કરે આ બાબતે કેટલાક ગુજરાતી ગાયક કલાકાર સાથે વાતચીત કરી હતી. તો આવો જાણીએ શું કહે છે ગુજરાતના સિંગરો અને કેવી રહી હતી તેમની ગત વર્ષની નવરાત્રી.

સવાલ: અગાઉ નવરાત્રિની ઉજવણી કેવી રીતે કરતા હતા અને ગત વર્ષે કેવી રીતે કરી હતી?
અરવિંદ વેગડા:
કોરોના પહેલા અમે નવરાત્રી અગાઉ પ્રિ નવરાત્રી વિદેશમાં ઉજવતા હતા, જે બાદ પોસ્ટ નવરાત્રી દુબઈમાં ઉજવતા હતા. જે બાદ નવરાત્રિની ઉજવણી અમદાવાદમાં જ કરતા હતા, જ્યાં મોટા પાર્ટી પ્લોટ, ક્લબ કે મોટા કોમર્શિયલ આયોજન હોય ત્યાં ગરબાની રમઝટ કરાવતા હતા. ગત વર્ષે કોરોનાને કારણે ક્યાંય ગરબા યોજાયા નહોતા જેથી ટીવી પર અમે લાઇવ કાર્યક્રમ કરતા હતા જે દર્શકો ઘરે બેઠા નિહાળતા હતા.

રાજલ બારોટ: કોરોના અગાઉ મારા પાર્ટી પ્લોટ કે ક્લબમાં પ્રોગ્રામ થતાં હતાં. જેમાં નવરાત્રિના પ્રથમ દિવસથી પૂનમ સુધી 15 દિવસ સુધી કાર્યક્રમ થતાં હતાં. ગત વર્ષે પરવાનગી ના હોવાથી ઘરે ફેમિલી સાથે ઘરમાં જ ગરબા કર્યા હતા અને ગુજરાતી ગરબા માટેનું આલ્બમ સોંગ બનાવ્યું હતું.

જિગર દાન ગઢવી: કોરોના ન હતો ત્યારે હું નવરાત્રિના 9 દિવસ પાર્ટી પ્લોટ કે ક્લબમાં જ ગરબા ગાતો હતો. ગત વર્ષે કોરોના આવ્યો ત્યારે ગરબાની પરવાનગી નહોતી આપવામાં આવી જેથી મેં રાસ ગરબા તૈયાર કર્યા હતા અને વર્ચ્યુઅલ ગરબા કરીને નવી અનુભવ કર્યો હતો.

આ વર્ષે નવરાત્રિની ઉજવણી કેવી રીતે કરશો?
અરવિંદ વેગડા:
આ વર્ષે પાર્ટી પ્લોટ કે ક્લબમાં મંજૂરી આપી નથી માત્ર શેરી ગરબાની મંજૂરી મળી છે. શેરી ગરબા હોવાથી સોસાયટીઓ, ફ્લેટ અને બંગલાઓમાં નવરાત્રી થશે પરંતુ આ તમામ જગ્યાએ અમે ગરબા ગાવા જઈએ તો અમારું બજેટ લોકોને પોસાશે નહિ. આ વર્ષે 3 દિવસ અલગ અલગ સોસાયટીઓમાં ઓર્ડર મળ્યા છે તેમાં ગરબા ગાઈશ.

રાજલ બારોટ: આ વર્ષે અમે લાઇવ પરફોર્મન્સ આપીશું. એક સ્ટુડિયોમાંથી મારી ટીમ સાથે લાઇવ ગરબા કરીશું જે લોકો યુટ્યુબ પર નિહાળી શકશે. કોઈ પણ ચાર્જ વિના લોકો ઘરે બેઠા કે જ્યાં સોસાયટીમા ગરબા યોજાતા હોય ત્યાં અમારા ગરબામાં ઓનલાઇન જોડાઈ શકશે.

જિગર દાન ગઢવી: આ વર્ષે પણ પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબા નહિ યોજાય જેથી આ વર્ષે પણ વર્ચ્યુઅલ ઇવેન્ટ અને વર્ચ્યુઅલ ગરબા જ કરીશ. ઉપરાંત મેં જૂના ગરબા પરથી નવા ગરબા તૈયાર કર્યા છે. જેમાં 1 કલાકના ગરબા તૈયાર કર્યા છે જે નવરાત્રિમાં જ રિલીઝ થશે.

સવાલ: દર વર્ષે ગરબા દ્વારા તમે લોકો સુધી પહોંચો છો તો આ વર્ષે કેવી રીતે લોકો સુધી પહોંચશે?
અરવિદ વેગડા: આ વર્ષે મારા 2 ગરબા લોન્ચ થયા છે તે ગરબા લઈને મોટી સોસાયટીઓમાં વિકસીત કરીશું અને ત્યાં પ્રમોશન કરીશું. જે લોકો આમંત્રણ આપશે તેમના ત્યાં જઈશું. જરૂર મુજબ પર્ફોર્મન્સ પણ કરીશું અને અમારા ગરબાનું પ્રમોશન કરીશું અને લોકો સુધી પહોંચીશું.

રાજલ બારોટ: આ વર્ષે ઓનલાઇન ગરબા થકી અમે લોકો સુધી પહોંચીશું.વચ્ચે સમય હશે તો શેરી ગરબામાં પણ ભાગ લઈશું જેથી લોકો સુધી પહોંચી શકીશું.

જિગર દાન ગઢવી: આ વર્ષે લોકો સુધી પહોંચવા માટે સોંગ રિલીઝ કરીશ જેથી જે લોકો મને અને મારા અવાજના પસંદ કરે છે તેમના સુધી હું પહોંચી શકીશ અને શેરી ગરબામાં સરપ્રાઇઝ વિઝિટ પણ કરીશ જેથી લોકો સુધી પહોંચાય.

સવાલ: અગાઉની સરખામણીએ આ વર્ષે આવકમાં કેટલી ફરક પડશે?
અરવિંદ વેગડા: દર વર્ષે જે 100 ટકા આવક થતી જતી તેમાંથી આ વર્ષે 10 ટકા જેટલી જ આવક થશે અને 90 ટકા નુકસાન જ થશે. પરિસ્થિતિને આધીન હું પણ સરકારના નિર્ણયને સમર્થન આપું છું.

રાજલ બારોટ: આવક અગાઉ થતી હતી તે આવક સાવ વર્ષે નહિ થાય. આવક પર ખૂબ જ અસર પડશે. અમારા કલાકારો માટે નવરાત્રી ખૂબ મહત્વની હોય છે પરંતુ આ વર્ષે ગરબાનું આયોજન જ નહિ થાય જેથી આવક પર ખૂબ અસર પડશે.

જિગર દાન ગઢવી: જે ગુજરાતી કલાકારો નવરાત્રી પર જ આધારિત છે તેમની આવકને ચોક્કસ અસર થઈ છે. અનેક કલાકારોને ખૂબ જ તકલીફ થઈ છે. આ વર્ષે પણ શેરી ગરબાની પરવાનગી હોવાથી કેટલાક લોકોની આવક પર અસર થશે.

અન્ય સમાચારો પણ છે...