વસમી વિદાય:રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન, 300 ગુજરાતી ફિલ્મમાં પણ કર્યો હતો અભિનય

અમદાવાદ2 મહિનો પહેલા
ડાબેથી રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીની ફાઇલ તસવીર.

એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગર કૃત 'રામાયણ' સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરે મુંબઈના કાંદિવલી ખાતેના નિવાસસ્થાને નિધન થયું છે. અરવિંદભાઈના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપતાં 'લંકેશ'ના ચાહકોને આંચકો લાગ્યો હતો.

અરવિંદ ત્રિવેદી રામના ભક્ત હતા અને ઘરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.
અરવિંદ ત્રિવેદી રામના ભક્ત હતા અને ઘરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.

મૂળ વતન છે ઈડરનું કુકડિયા ગામ
મૂળ ઈડરના કુકડિયા ગામ એમનું વતન. ઉજ્જૈનનાં મહાકાલેશ્વરનાં સમીપે ઈંદોરમાં ૮ નવેમ્બર ૧૯૩૮માં બ્રાહ્મણ કુળમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલનાં મેનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રનાં સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીને રંગભૂમિ પર અભિનય કરતાં જોઈને એમને પણ રંગભૂમિ તરફ લગાવ લાગ્યો અને તેમણે પણ અભિનય કરવાનું શરૂ કર્યું.

ભવન્સ કૉલેજમાં ભણતાં ભણતાં ‘વિજય મિત્ર મંડળ’ અને ઈન્ટર કૉલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અભિનયનાં શ્રીગણેશ કર્યા. અભિનય પ્રત્યેની નિષ્ઠાએ ક. મા. મુન્શીનાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૬૦માં મેનેજર તરીકે જોડાયા એટલે ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને વેગ આપવા તનતોડ પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વક આગળ વધતાં વધતાં એક-બે નહીં પણ સત્તર વર્ષ સુધી મેનેજર પદે રહીને છૂટા થયા.
300 ફિલ્મ્સમાં કર્યું કામ
અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ 'સંતુ રંગીલી', 'હોથલ પદમણી','કુંવરબાઈનું મામેરું', 'જેસલ-તોરલ' અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી છે. અરવિંદ ત્રિવેદીએ 'પરાયા ધન','આજ કી તાજા ખબર' જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

રાવણની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી.
રાવણની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી.

આજીવન રામભક્ત રહ્યા

અરવિંદભાઈ ભલે રાવણની ભૂમિકા કરતા પણ તે ભગવાન રામમાં આજીવન ભક્ત રહ્યા. રામ અને શિવ ભક્તિ તે વર્ષોથી કરતા. ત્યાં સુધીની એમની ભક્તિ હતી કે, શૂટિંગ શરુ થાય તે પહેલાં સેટ ઉપર ભગવાન રામની પૂજા કરતા. શૂટિંગ પૂરું થાય પછી ભગવાન રામની તસવીર સમક્ષ માફી પણ માંગી લેતા. કારણ કે શૂટિંગ દરમિયાન તેમને રામ માટે અપમાનજનક સંવાદો બોલવા પડ્યા હોય છે. ઈડર ખાતેના ઘરમાં અરવિંદભાઈએ મોરારીબાપુના હસ્તે રામની પ્રતિમાની સ્થાપના કરાવી છે.

તેમના ભત્રીજા અને ભાણેજે પણ રામાયણમાં કામ કર્યું
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, રામાયણ સિરીયલમાં તેમની મોટી બહેન વિદ્યાબેનનાં પુત્ર સંજય જાનીએ શ્રવણ તરીકે જયારે તેમના ભત્રીજા કૌસ્તુભ ભાલશંકર ત્રિવેદીએ કેવટ તરીકેનો અભિનય કર્યો હતો.

​​​​​​​ઇડરમાં સેવાભાવના
અરવિંદભાઈ ૧૯૯પથી દર વર્ષે રામનવમીએ પરિવાર સાથે શ્રી રામના ભવ્ય પૂજાપાઠ કરતા અને સાંજે સુંદરકાંડ પણ કરતા. જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા. છેલ્લાં 30 વર્ષથી તેઓ રામનવમી નિમિત્તે ભવ્ય પાટોત્સવ કરીને ઉજવણી કરતા તથા સાંજનાં સમયે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરતા. ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેનાં અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે વિસામાનું આયોજન એ કરતા. ઇડરમાં સામાજિક સેવાના અનેક કાર્યો તેમને કર્યા. 1991 થી 1996 સુધી લોકસભાના સાંસદ તરીકે પણ તેઓ સક્રિય રહ્યા.