તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનું ગૌરવ:ગુજરાતી મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરને પ્રતિષ્ઠિત અમેરિકન સંસ્થા IFLD દ્વારા સન્માનિત કરાયા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેનેજમેન્ટ ગુરુ ડો. શૈલેષ ઠાકરની ફાઈલ તસવીર - Divya Bhaskar
મેનેજમેન્ટ ગુરુ ડો. શૈલેષ ઠાકરની ફાઈલ તસવીર
  • અમેરીકી સંસ્થા IFLDએ પોતાનું લર્નિંગ સેન્ટર એક ગુજરાતીના નામે ડેડિકેટ કર્યું

અમેરીકી સંસ્થા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ (IFLD)એ પોતાનું લર્નિંગ સેન્ટર એક ગુજરાતીના નામે અર્પિત કર્યું છે. ગુજરાતી મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરને મેનેજમેન્ટ ક્ષેત્રે તેમના વૈશ્વિક યોગદાન બદલ પ્રતિષ્ઠિત અમેરીકી સંસ્થા IFLD દ્વારા સન્માનીત કરાયા છે. ક્રાઈસિસ, ઓર્ગેનાઇઝેશન, પબ્લિક, ટાઈમ જેવા વિષયો સહિત હોલિસ્ટિક મેજમેન્ટમાં નિષ્ણાત ગણાતા ગુજરાતી મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર ટોક્યોથી ટોરન્ટો સુધી 62 દેશોમાં પોતાનું હીર ઝળકાવી ચુક્યા છે.

IFLD દેશ-વિદેશમાં માનવ સંશાધન વિકાસના ક્ષેત્રે કાર્યરત
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ દેશ-વિદેશમાં માનવ સંશાધન વિકાસના ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા છે. IFLDએ ડૉ. શૈલેષ ઠાકરની આગેવાની હેઠળ લર્નિંગ સેન્ટર અન્વયે પાંચ ચેર ઘોષિત કરી છે. જેમા જ્હોન બાલ્દોની -યુ.એસ.એ. ચેર, નિકોલ હેઇમાન-યુરોપ ચેર, જોશુઆ કોલ-આફ્રિકા ચેર, ડૉ. પ્લાન-એશિયા પેસિફિક ચેર અને લિજ્જુ સેમ રાજીવ-ગલ્ફ ચેરનો સમાવેશ થાય છે.

IFLDનો હેતુ પૂર્વ-પશ્ચિમના દેશો વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક અંતર ઘટાડવાનો
IFLD સંસ્થાનો મુખ્ય હેતુ પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક અંતર ઘટાડવાનો છે. ડૉ. શૈલેષના જણાવ્યા મુજબ પશ્ચિમના દેશો પાસે ટેકનોલોજી, આધુનિકતા, વિજ્ઞાન અને અસરકારક કાર્ય કરવાની પદ્ધતિઓ છે, તો પૂર્વના દેશો પાસે ધ્યાન, યોગ, શાકાહાર, પ્રાર્થના અને આધ્યાત્મિક -સંતુલિત જીવનશૈલી છે. આ બંનેના સમન્વયથી એક સુખી-સમૃદ્ધ વિશ્વ માનવનું નિર્માણ કરી શકાય તેવો તેમનો મત છે.

ડો. શૈલેષ ઠાકર દેશના મેનેજમેન્ટ ગુરુઓની શ્રેણીમાં આગવું સ્થાન ધરાવે છે
આ ઉપરાંત સંસ્થા માનવીના મગજનો મહત્તમ ઉપયોગ, સંસ્થાગત નિયમો-પ્રણાલિકાઓને અનુસરી બેસ્ટ મેનેજમેન્ટ, તણાવમુક્ત -વર્ક લાઈફ બેલેન્સ સાથેનું જીવન અને નોલેજ ઇમ્પ્લિમેન્ટેશનના વૈશ્વિક ઉદાહરણો પુરા પાડવા જેવા હેતુઓ સથે કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર શૈલેષ ઠાકર, માત્ર ગુજરાત જ નહીં દેશના મેનેજમેન્ટ ગુરુઓની શ્રેણીમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. લર્નિંગ સેન્ટર કોઇ એક વ્યક્તિને ડેડિકેટ કરવામાં આવ્યું હોય તેવું બહુમાન મેળવનારા ડૉ. શૈલેષ પ્રથમ ગુજરાતી છે. મેનેજમેન્ટ ક્ષેત્રના અનેક લોકો તેમના માર્ગદર્શન હેઠળ કારકિર્દીના નવા સોપાન સર કરી ચુક્યા છે. ડૉ. શૈલેષ ઠાકર ગુજરાતનું ગૌરવ છે.