પ્રી-મોન્સૂન એક્ટિવિટી:ગુજરાતમાં હજુ મેના અંત સુધી ગરમી દઝાડશે, 10 જૂન બાદ ચોમાસાનું આગમન થવાની શક્યતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • રાજ્યમાં ગત વર્ષે 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો

ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિ મામ પોકારી ઊઠ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. બીજી તરફ, કાળઝાળ ગરમીમાંથી હવે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વખતે સામાન્યથી વહેલું એટલે કે 10 જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઇ જાય એવી શક્યતાઓ છે.

નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.

આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. 18મી બાદ ગુજરાત ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન 45 ડીગ્રીથી વધે એવી સંભાવના નહિવત્ છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે
ગુજરાતમાં જૂનના પ્રારંભે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. અમદાવાદમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. 45ને પાર તાપમાન જવાની સંભાવના નહિવત્ છે, કેમ કે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવવાનો શરૂ થઇ જશે, જેને કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે એ તાપમાન વધવા દેશે નહીં.