ભાસ્કર બ્રેકિંગ:ગુજરાત આપશે ઝેરનું મારણઃ સાપનું ઝેર કાઢી પાવડર બનાવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વલસાડના ધરમપુરમાં સાપની ઝેર વિરોધી દવાનું વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર આકાર લેશે
  • ​​​​​​ WHOના રિપોર્ટ પ્રમાણે, સર્પદંશથી દેશમાં સૌથી વધુ મોત, વર્ષે 58 હજાર

અર્જુન ડાંગર
વલસાડના ધરમપુરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીજન સ્પેસિફિક એન્ટિ વેનમ ઇન્જેક્શન માટે હશે. આ સંસ્થા સર્પ ગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે. આ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝેરી સાપો લાવીને તેનું સંવર્ધન કરાશે. બાદમાં આ વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી લાઇઓફિલાઈઝડ પાવડર તૈયાર કરી સર્પઝેર વિરોધી દવા બનાવતી કંપનીઓને અપાશે. તેમાંથી ઝેર વિરોધી ઇન્જેક્શન બનાવાશે. હાલ ત્રણ હજાર સર્પ રાખવાની મંજૂરી મળી ગઈ છે .

સર્પ સંશોધન સંસ્થાનના ડૉ. ધીરુભાઈ પટેલ આ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ‘ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 3000 કોબ્રા, રસેલ વાઈપર સહિતના અતિ ઝેરી સાપોનું અહીં સંવર્ધન કરાશે. વિશ્વમાં પહેલીવાર ‘હુ’ની ગાઈડલાઈન મુજબ આવું કેન્દ્ર શરૂ થશે. હાલ ધરમપુરના માલનપાડામાં વનવિભાગના પંચવટી મકાનમાં હંગામી ધોરણે સર્પગૃહ શરૂ કરાયું છે અને ત્યાં 40થી વધુ ઝેરી સાપોનું સંવર્ધન થઈ રહ્યું છે.

WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે સર્પદંશથી 58 હજાર લોકોના મોત થાય છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો આંકડો છે. આ સ્થિતિમાં ઝેરના મારણ માટે ગુજરાતમાં પાઉડર તૈયાર થશે, જેમાંથી સર્પદંશ વિરોધી ઇન્જેક્શન બનાવાશે. આ માટે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મંજૂરી મળી ગઈ છે અને આ દિશામાં ઝડપથી કામ પણ શરૂ થઇ ગયું છે. આ સંસ્થાની કાર્યકારી સમિતિમાં વલસાડના મુખ્ય વનસંરક્ષક અધ્યક્ષ તરીકે અને ડી.સી. પટેલ ઉપાધ્યક્ષ તરીકે નિમાયા છે. તેમના પ્રયાસો થકી જ આ કેન્દ્રને મંજૂરી મળી છે.

સર્પગૃહ, વેનમ કલેક્શન, વેનમ રિસર્ચની વિશેષતાઃ હાલ ધરમપુરમાં 40થી વધુ ઝેરી સાપ છે અને તેની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલટન્ટની નિમણૂક થઈ છે. જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક-પાણી સહિતની દેખરેખ રાખે છે. વેનમ કલેક્શન બાદ તેના પર પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાઉડર તૈયાર થશે. દેશમાં એન્ટી વેનમ ઈન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે એસ.આર.આઈ. ધરમપુર એગ્રિમેન્ટ કરશે. ત્યાર બાદ ઇન્જેક્શન સરકારને પણ દાન કરાશે.

સર્પદંશ વિરોધી ઈન્જેક્શન કેવી રીતે બનશે?
સર્પ સંશોધન સંસ્થા દ્વારા કોબ્રા, રસેલ વાઇપર (કામડિયો), કોમન ક્રેટ (મણિયાર), સો સ્કેલ્ડ વાઇપર (ફોડચુ) જેવા અતિ ઝેરી સાપોમાંથી ઝેર કઢાશે. તેના પર પ્રક્રિયા કરી ઝેરમાંથી ડ્રાય પાઉડર બનાવાશે, જે વર્ષો સુધી જીવંત રાખી શકાય છે. ત્યારબાદ તંદુરસ્ત ઘોડામાં દર મહિને તે થોડું થોડું ઈન્જેક્ટ કરાશે અને તે એન્ટીજન તરીકે કામ કરશે કારણ કે, ઘોડાના શરીરમાં તેનાથી એન્ટિબોડી તૈયાર થશે. આશરે છ મહિનાની આ પ્રક્રિયા પછી ઘોડાનું લોહી લેવાશે અને તેના રક્તકણ ફરી ઘોડાના શરીરમાં ઇન્જેક્ટ કરાશે. તેના પ્લાઝમા બનશે અને તે ઝેર વિરોધી ઈન્જેક્શનમાં ઉપયોગમાં લેવાશે. અમે અત્યાર સુધી 18 હજારથી વધુ સર્પદંશના કેસ હેન્ડલ કર્યા છે, જેમાંથી 99.99 ટકાના જીવ બચાવ્યા છે. તેઓ કહે છે કે, આ કેન્દ્ર શરૂ થવાથી સરકારને આવક તો થશે પણ સર્પદંશથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે. - ડી.સી. પટેલ, વડા, સર્પ સંશોધન સંસ્થાન

કયા સાપમાંથી કેટલું ઝેર મળે
કોબ્રામાંથી મહિનામાં 4 વખત ઝેર મળે છે. 150 મિલીગ્રામ પ્રમાણે સરેરાશ 600 મિલીગ્રામ ઝેર મેળવી શકાય.
રસેલ વાઈપરમાંથી મહિને 100 મિલી ગ્રામ ઝેર કાઢી શકાય.
કોમન ક્રેટમાંથી મહિનામાં સાત મિલીગ્રામ.
સો-સ્કેલ્ડ વાઇપરમાંથી મહિને ત્રણ વાર 5 મિલીગ્રામ.

અન્ય સમાચારો પણ છે...