ગુજરાતમાં લૉકડાઉનની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચાલી રહી છે. રોજે રોજ રાજ્યની જનતા પૂછી રહી છે કે, લોકડાઉન કેમ આવતું નથી, બીજા રાજ્યો એ લગાવી દીધું છે. સુપ્રીમ કોર્ટ થી લઈને ડોકટરો, વેપારીઓ, અને સામાન્ય જનતા પણ લૉકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. છતાં સરકાર કેમ લૉકડાઉન લગાવતી નથી? આ અંગે જાણવા મળ્યા મુજબ સરકાર ઓવર કોન્ફિડન્સ માં છે, કે વગર લૉકડાઉનએ કોરોના કાબુમાં લઈ લેશે, અથવા સરકારને ડર છે કે લોકડાઉન થી વેપાર ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે, જેથી મજૂર અને ગરીબ જનતાને વેઠવું પડશે.
દેશમાં મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન લદાયું
દેશના મોટા ભાગના રાજ્યોએ 15 દિવસ થી માંડીને 1 મહિના સુધીનું લૉકડાઉન લાદી કોરોનાને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, જયારે ગુજરાતમાં કોરોનાનો ભયંકર કહેર ચાલી રહ્યો છે, કોરોના બેકાબુ બની ગામડે ગામડે સુધી પહોંચી ગયો છે, રોજે રોજ 12 હજાર થી વધુ કેસો અને 100 થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સામે ગુજરાત હાઇકોર્ટ થી લઈને રાજકારણીઓ, અને જાગૃત જનતા રોષ સાથે અનેક રજુઆત કરી રહી છે, છતાં સરકાર રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણ લાદીને કોરોના કાબુમાં લેવા પ્રયાસ કરી રહી છે.
રાજ્ય સરકાર લૉકડાઉન લાદવાના મૂડમાં નથી
ગુજરાતની જાગૃત જનતાની સાથે આગેવાનોની લાગણી અને માંગણી હોવા છતાં લોકડાઉન નહીં લાદવા પાછળ સરકારને ડરની સાથે એવી ગણતરી લાગે છે કે, લોકડાઉન આપીએ તો વેક્સિનેશન બંધ થઇ જાય, કોરોના ટેસ્ટિંગ પણ બંધ થઈ જાય, વેપાર ધંધા રોજગાર બંધ થઈ જાય તો ગરીબ અને મજુર વર્ગ મુશ્કેલીમાં મુકાઈ જાય, સતત ધંધા રોજગાર બંધ રહે તો મધ્યમ વર્ગ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય, અને સૌથી મોટી વાત એ છે કે, જ્યાં સુધી કેન્દ્રમાંથી આદેશ ના થાય ત્યાં સુધી તો ગુજરાત સરકાર લૉકડાઉન લાદવાના મૂડમાં જ નથી.
રાજ્યમાં ગામડાઓમાં સ્વયંભૂ લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ ભય વ્યક્ત કરીને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તાકીદ કરી હતી કે કોરોના સંક્રમણ ગામડામાં ફેલાશે તો બહુ મોટી મુશ્કેલી થશે. તેથી પ્રત્યેક રાજ્ય સરકારોએ ગામડાને સુરક્ષિત રાખવાની જરૂર છે. વડાપ્રધાનના આ ભયને ગંભીરતાથી લેવામાં ના આવતા આજના દિવસે આ ભય સાચો પડી રહ્યો છે. આજે ગુજરાતના ગામે ગામ કોરોના સંક્રમણ વધતું જાય છે.જેના કારણે ગ્રામ્યજનો સરકારની રાહ જોયા વિના સ્વયંભૂ લોકડાઉન થી માંડીને સલામતી અને સારવારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.
કોરોના રોકવા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
ગુજરાતમાં આગામી 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે કુલ 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં જે 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગરો સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
અઠવાડીયા પહેલા 9 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદ્યો હતો
અઠવાડીયા પહેલા રાજ્ય સરકારે કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.