કોઈના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે જેમાં કેસોમાં અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મે મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવવાની છે, પરંતુ કેસ વધતા પરીક્ષા જૂન મહિનામાં યોજાવવાની શક્યતા છે. હાલ સરકારે જાહેર મેળાવડા તથા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો છે જેથી પરીક્ષાને લઈને પણ આગામી સપ્તાહમાં નિર્ણય લેવામાં આવશે.
પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં
કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવવાની છે પરંતુ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ પણ અસમંજસમાં છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે શિક્ષણ મંત્રી, આરોગ્ય વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
પરીક્ષાને હવે એક મહિના જેટલો જ સમય બાકી
લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. પરીક્ષાને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે સામે કેસ પણ સતત વધી રહ્યા છે તો એક સાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી, કોરોના પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે. જે બાદ પરિક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે તે બાદ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ 10 અને 12મા ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરીક્ષા જૂનમાં લેવા વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે. નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ભણતર પૂરા દિવસો ના મળી રહે, તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરત કરવાની માગણી કરવામાં આવી છે.
10 મેથી શરૂ થશે ધો.10 અને 12ની પરીક્ષા
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 10મી મેથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષા સવારના 10 વાગ્યાથી બપોરના 3:15નો રહેશે.
અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો
આ પહેલાં કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટર્નલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.
ધોરણ-12 સાયન્સના પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ યથાવત
જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટર્નલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફત તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મૂકવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.